મેરાન્યૂઝ નેટવર્ક.ગાંધીનગર: આજની નવી તેમજ જૂની પેઢીના વૈચારિક મતભેદોના કારણે સમાજમાં વૃદ્ધાશ્રમોનો ઉદય થયો છે. ત્યારે આ વૃદ્ધાશ્રમોમાં રહેતા દાદા-દાદીઓને આરોગ્યલક્ષી સેવાઓ વિનામૂલ્યે પૂરી પાડવાનું ગાંધીનગર સિવિલ હોસ્પિટલના આઇ.સી.સી.યુ. તથા રાજભવન ખાતે ફરજ બજાવતા તબીબો અને પેરામેડિકલ સ્ટાફે બીડું ઝડપ્યું છે. સનસેટ મેડિકલ રીલિફ ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટના માધ્યમ દ્વારા આ કામગીરી દર બે મહિને નિયમિત રીતે કરવામાં આવે છે. સલામ છે આ તબીબો અને પેરામેડિકલ સ્ટાફની માનવીય સંવેદનાઓને કે, તેઓ સરકારી ફરજો બાદના સમયમાં વૃદ્ધાશ્રમમાં જઇ દાદા-દાદીઓને કાયમી બિમારીઓ માટે વિનામૂલ્યે સારવાર-દવાઓ પૂરી પાડે છે.  

સનસેટ મેડિકલ રીલિફ ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટના માધ્યમ દ્વારા તાજેતરમાં વિશ્વ આરોગ્ય સંસ્થા દિવસના ઉપક્રમે કણભા તથા સીંગરવા ખાતેના વૃદ્ધાશ્રમોમાં મેડિકલ કેમ્પનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. આ ટ્રસ્ટએ ગાંધીનગરથી ૭૦ કિમીની ત્રીજ્યામાં આવેલા પેથાપુર, પીડારડા, કડી, કલોલ, કણભા, સીંગરવા, મહેસાણા, ટીંટોદણ, માણસા, વરસોડા, મહુડી, પ્રાતીજ, વિજાપુર, મગોડી જેવા ૧૫ ગામોના વૃદ્ધાશ્રમોમાં  ધબકતી ૬૦૦ જેટલી જીંદગીને વિનામૂલ્યે મેડિકલ સેવાઓ પૂરી પાડવાનું બીડું ઝડપ્યું છે. 

છેલ્લા ૭ વર્ષથી ચાલતી સેવાની આ પ્રવૃત્તિમાં દર બે મહિને નિયમિત રીતે તબીબો તથા પેરામેડિકલ સ્ટાફ દ્વારા ચોક્કસ સમયપત્રક બનાવી વૃદ્ધાશ્રમ ખાતે રૂબરૂ મુલાકાત કરવામાં આવે છે. જ્યાં દાદા-દાદીઓની કાયમી બિમારીઓ જેવી કે બી.પી., ડાયાબિટીસ, અસ્થમા, ખેંચ, થાઇરોઇડ, પ્રોસ્ટેટ વગેરેમાં દવાઓ અને સારવાર પૂરી પાડવામાં આવે છે. આ ઉપરાંત દૈનિક જરૂરીયાત મુજબ તાવ, ખાંસી, દુખાવો, ઝાડા-ઉલ્ટી જેવી બીમારીઓમાં દવાઓ પણ પૂરી પડાય છે. તમામ દાદા-દાદીઓને પાછલી ઉંમરે જરૂરી કેલ્શિયમ, મલ્ટી વિટામિન, આયોડેક્સ મલમ, બામ, વાઢિયાનો મલમ, સાંધાના દુખાવા માટે પેઇન કીલર જેલ પણ પૂરી પાડવામાં આવે છે. જ્યારે શારીરિક વિકલાંગ વડિલોને વ્હીલચેર, વોકર સ્ટીક, ઘોડી સહિતની સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવી રહી છે. આ વડિલોનું દર બે મહિને બી.પી., ડાયાબિટીશ તેમજ જનરલ તપાસ કરીને સમગ્ર ડેટાની કેસશીટ બનાવી સતત મોનીટરીંગ પણ કરવામાં આવે છે. 

આ ટ્રસ્ટ તા૨૨/૦૪/૨૦૧૦થી કાર્યરત થયું છે. છેલ્લા ૯ વર્ષમાં લગભગ ૭૫૦થી ઉપર કેમ્પ કરવામાં આવ્યા છે. સમગ્ર અભિયાનમાં ગાંધીનગર સિવિલ હોસ્પિટલના આર.એમ.ઓ. ડૉ. આર.એચ.ચૌહાણના માર્ગદર્શન હેઠળ રાજભવન ખાતે ફરજ બજાવતા ડૉ.શશાંક સીમ્પી તેમજ આઇ.સી.સી.યુ. ગાંધીનગર ખાતે ફરજ બજાવતા ડૉ. પરેશ ગજ્જર, ડૉ. વિનયકુમાર, ડૉ. કલ્પેશ પરીખ તથા અન્ય સ્ટાફગણ ખૂબ ઉત્સાહપૂર્વક કામગીરી કરે છે. આ સેવા કાર્યમાં નિવૃત્ત થયેલાં ડૉ.જે.જે.પરમાર તથા  યોગેશ ગાંધી પણ જોડાયા છે.