મેરાન્યૂઝ નેટવર્ક, ગાંધીનગર: ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીની સુરક્ષામાં બેદરકારી દાખવનાર ગાંધીનગર પોલીસના ત્રણ પોલીસકર્મીને ઇન્ચાર્જ એસપી વિજય પટેલે સસ્પેન્ડ કર્યા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ગઇકાલે ગુરુવારે બપોરના સમયે મુખ્યમંત્રી વિજય રૂપાણી અમદાવાદ એરપોર્ટથી ગાંધીનગર આવવા માટે રવાના થયા હતા. ઝેડ પ્લસ સિક્યોરિટી ધરાવતા મુખ્યમંત્રીનો કાફલો પસાર થાય ત્યારે પોલીસ ઓન રોડ ડ્યુટી પર હોય છે. મુખ્યમંત્રીનો કાફલો ગાંધીનગરના પ્રવેશ એવા ચ-0 સર્કલ પાસેથી પસાર થવાનો હતો તે સમયે ત્રણ પોલીસકર્મચારીઓ પીસીઆર વાનમાં બેસી રહ્યા હતા. ગાંધીનગર કંટ્રોલ રૂમના સીસીટીવી કેમેરામાં આ ઘટના કેદ થઇ હતી. જેના આધારે ઇન્ચાર્જ એસપીને રિપોર્ટ કરવામાં આવ્યો હતો. જેના આધારે ઇન્ચાર્જ એસપી વિજય પટેલે મુખ્યમંત્રીની સુરક્ષામાં બેદરકારી દાખવનાર ત્રણ પોલીસકર્મીઓને સસ્પેન્ડ કર્યા છે.

સસ્પેન્ડ કરવામાં આવેલા પોલીસકર્મીઓમાં ટ્રાફિક કોન્સ્ટેબલ જાયમલભાઇ મુળાભાઇ , સેક્ટર-7 પોલીસ સ્ટેશનના એએસઆઇ જયંતિભાઇ મુળજીભાઇ અને ટ્રાફિકના હેડ કોન્સ્ટેબલ મહેન્દ્ર સિંહ જશવંતસિંહ સીએમનો કાફલો પસાર થતો હતો ત્યારે પીસીઆર વાનમાં બેસી રહ્યા હતાં. સીએમનો કાફલો પસાર થઇ ગયા બાદ આ ત્રણેય પોલીસકર્મીઓ પીસીઆર વાનમાંથી નીચે ઉતર્યા હતા. મુખ્યમંત્રીનો કાફલો પસાર થવાનો હોય તે પહેલા વોર્નિંગ કાર પસાર થતી હોય છે તેની પણ આ પોલીસકર્મીઓએ અવગણના કરી હતી.