મેરાન્યૂઝ નેટવર્ક, ગાંધીનગર: અમુલ ગોલ્ડની 500 ગ્રામની થેલીમાં દૂધ ઓછું આવતુ હોવાનો આક્ષેપ ગાંધીનગર નજીક આવેલ વાવોલ હરિપાર્લર ચલાવતા શૈલષભાઇ નામના વેપારીએ કર્યો છે. તેમના જણાવ્યા અનુસાર અગાઉ પણ થેલીમાં દૂધ ઓછું આવ્યાની ઘટનાઓ ઘટી ચુકી છે. તે ઉપરાત દૂધની થેલીમાં લીકેજની પણ સમસ્યા છે તેમ છતાં ગાંધીનગર મધુર ડેરી તરફથી આ પ્રશ્નનો ઉકેલ આવતો નથી.

ગાંધીનગર નજીક આવેલ વાવોલમાં હરિ પાર્લર ચલાવતા શૈલેષભાઇએ મેરાન્યૂઝ સાથેની ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે તેમના ત્યા આજે સોમવારે સવારે જે દૂધના કેરેટ ઉતર્યા હતા તેમાંથી અમુલ ગોલ્ડની 500 ગ્રામની એક થેલીમાં 152 મિલિગ્રામ દૂધ ઓછું હતું. આ અંગે હજી સુધી કોઈ ફરિયાદ તેમણે મધુર ડેરીને કરી નથી. તેમના જણાવ્યા અનુસાર એક થેલી માટે હુ મારો ધંધો છોડીને શેના માટે જઉ? મધુર ડેરીના માર્કેટિંગનો સ્ટાફ ભાગ્યે જ તપાસ માટે આવતો હોય છે. થોડા દિવસ પહેલા માર્કેટિંગવાળો વ્યક્તિ આવ્યો ત્યારે તેણે જે નંબર આપ્યો હતો તે નંબર પર ફોન કર્યો ત્યારે તેઓ રજા પર છે અને દસ દિવસ પછી ડેરી પર જશે તેવો જવાબ આપ્યો હતો.

શૈલેષભાઇએ જણાવ્યું હતું કે આવુ અગાઉ પણ દૂધની થેલીમાં દૂધ ઓછું આવ્યું છે. આ સિવાય મધુર ડેરી તરફથી આવતી અમૂલ દૂધની થેલીઓમાં લિકેજની સમસ્યાઓ રહે છે. આ અંગે દૂધ ઉતારવા માટે જે લોકો આવે છે તેમને પણ ફરિયાદ કરી છે. મારી દુકાન છેલ્લે આવતી હોવાથી જેટલી પણ લિકેજ થેલીઓ હોય તે કેરેટમાં ભરી દે છે. હું જ્યારે તે ફ્રિજમાં મુકુ ત્યારે લિકેજની જાણ થાય છે અને ગ્રાહકો પણ તેને લેતા નથી. આ બાબતે તેમણે આ રૂટવાળા પાસેથી દૂધ નહીં લેવાની ચિમકી આપતા હવે લિકેજ વગરની થેલીઓ આવે છે પરંતુ લિકેજની ફરિયાદ સંપૂર્ણ બંધ થઇ નથી. ડેરીમાં મશિન બંધ કરે ત્યારે છેલ્લી દસ થેલીઓ સાઇડમાં કાઢી દેવી જોઈએ પરંતુ ડેરીવાળા આવી થેલીઓ વેપારીઓ આપી દે છે.

આ અંગે મધુર ડેરીના ચેરમેન પ્રો. શંકરસિંહ રાણાએ જણાવ્યું હતું કે મારી પાસે આવી કોઈ ફરિયાદ આવી નથી. આવી કોઈ ફરિયાદ હોય તો તેનો તત્કાલિક નિકાલ આવે છે. હું ચેરમેન છું એટલે મારી પાસે આવી ફરિયાદ તાત્કાલિક આવતી હોય છે. જો આવી કોઈ ઘટના બની હશે તો તેનું નિરાકરણ લાવવામાં આવશે.