મેરાન્યૂઝ નેટવર્ક, ગાંધીનગર: ગાંધીનગરમાં આગામી વર્ષના પ્રારંભે યોજાનારા વાઈબ્રન્ટ ગુજરાત સમીટ-૨૦૧૯માં દેશ-વિદેશના વીઆઈપી મહાનુભાવોની સુરક્ષા માટે નવી ૪૫ પોલીસ ચોકી ઉભી કરવામાં આવશે. આ સમિટમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત માટે ખાસ વાઈબ્રન્ટ સેલની રચના સાથે ખાસ અધિકારીઓની નિમણુંક કરવામાં આવી રહી છે. જયારે સમગ્ર વાઈબ્રન્ટ સમીટ દરમિયાન કાયદો-વ્યવસ્થાનું મોનીટરીંગ ૩૦ આઈપીએસ અધિકારીઓ દ્ધારા કરવામાં આવશે.

ગાંધીનગર શહેરમાં આગામી ૧૮થી ૨૦ જાન્યુઆરી દરમિયાન વાઈબ્રન્ટ ગુજરાત સમીટ-૨૦૧૯નું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષે પહેલીવાર અમદાવાદમાં રીવરફ્રન્ટ તેમજ સાયન્સ સીટી ખાતે અનેકવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રીવરફ્રન્ટ ખાતે વિદેશની પેટર્ન પર શોપિંગ અને ફૂડ ફેસ્ટીવલ સાથે ફ્લાવર શો પણ યોજવામાં આવ્યા છે. વાઈબ્રન્ટ માટે ગાંધીનગર શહેરમાં વિવિધ રાજમાર્ગ પર આવેલા ખુલ્લા મેદાનોમાં વાહન પાર્કિંગ વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં અલગ અલગ કલર કોડ પ્રમાણે પાર્કિંગની સુવિધા ઉભી કરવામાં આવી રહી છે.

આ સમીટમાં દેશ-વિદેશના અનેક મહાનુભવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવાનાં હોવાથી તેમની સુરક્ષા માટે ખાસ વાઈબ્રન્ટ સેલની રચના કરવામાં આવી છે. આ વાઈબ્રન્ટ સેલના પોલીસ અધિકારીઓ મહાત્મા મંદિર ખાતે બ્લેઝર સહીત ખાસ ડ્રેસ કોડ સાથે કોર્પોરેટ લુકમાં જોવા મળશે. આ વાઈબ્રન્ટ સેલમાં અગાઉના અનુભવી અધિકારીઓને મુકવા સાથે અન્ય ઉત્સાહી અધિકારીઓની નિયુકતી કરવામાં આવશે. જેમાં ઉત્તર ગુજરાત તેમજ મધ્ય ગુજરાતમાંથી પણ અધિકારીઓની સેવાઓ લેવામાં આવશે.

આ વાઈબ્રન્ટ ગુજરાત સમીટ દરમિયાન કાયદો-વ્યવસ્થાનું મોનીટરીંગ રાજ્યના ૩૦ આઈપીએસ અધિકારીઓ દ્ધારા કરવામાં આવશે. જયારે વાઈબ્રન્ટ સમીટમાં અભેદ સુરક્ષા માટે એરપોર્ટથી લઇ કોબા અને ગાંધીનગર તેમજ સરખેજ હાઇવે પર મહાત્મા મંદિર સુધી ૪૫ પોલીસ ચોકીઓ ઉભી કરવામાં આવશે. આ તમામ રાજમાર્ગો ઉપર મહાનુભાવોના સ્વાગત માટે વિવિધ સંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવનાર હોવાથી આવા સ્થળોએ પણ સુરક્ષા પૂરી પડાશે. જયારે દરેક મહાનુભવો કયા માર્ગે આવશે અને તેમને પૂરી પડનારી સુરક્ષાને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.