જયેશ મેવાડા (મેરાન્યૂઝ.ગાંધીનગર): ગાંધીને ૧૫૦ થયા..! માત્ર ભારત જ નહીં પરંતુ, સમગ્ર વિશ્વનાં લોકોના આત્મામાં વસેલા મહાત્મા ગાંધીને, સત્તા મેળવવા માટેનો રસ્તો બનાવનાર સ્વાર્થી રાજકારણીઓએ મુરલીધરની જેમ મોહન ના બનવા દીધા. મોહનદાસ, મિસ્ટર ગાંધી, બાપૂ, મહાત્મા અને રાષ્ટ્રપિતા બનેલાં ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતિ સરકારી જલસો બની રહી છે, પરંતુ ગાંધીની ખાદીને કલંકિત કરનારા દેશી ધોળીયાઓએ ગાંધી જયંતિને લોક ઉત્સવ બનવા દીધી નથી. આજે ગાંધી વિચારોનું જોરશોરથી વાંચન થશે... ગાંધીજીના આદર્શો અને સિધ્ધાંતોની આલબેલ પોકારી સત્તા મેળવવાના કે ટકાવી રાખવાનાં પ્રયાસો કરાશે... ઉત્સવના નામે સરકારી ધોરણે વિવિધ તાયફા યોજાશે અને ગાંધીજી આ બધું જોઈ ફરી 'હે રામ' કહી સર્વધર્મ પ્રાર્થના કરતા રહેશે..!

સામાન્ય રીતે દેશનાં સ્વાતંત્ર્ય પર્વ કે પ્રજાસત્તાક દિને રાજ્યના પાટનગર ગાંધીનગર સહીત અનેક નગરોને નવવધુની જેમ રોશની કરી શણગારવામાં આવે છે. અરે, ગુજરાતનાં પનોતાં પુત્ર એવાં વડાપ્રધાનની મુલાકાત કે વાઇબ્રન્ટને મહોત્સવ બનાવી સોળે શણગાર સજાવવામાં આવે છે. ત્યારે આપણને અંગ્રેજોની ગુલામીમાંથી મુકત કરી આઝાદી અપાવનાર ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતિએ પણ ગાંધીનગર સહીત કોઇ નગરમાં રોશની નથી. હા, લોકોના દિલમાં અંધારું છે. ગાંધીજીએ આઝાદી અપાવ્યા પછી જે સ્વરાજ્યની કલ્પના કરી હતી. તે આઝાદીનાં ૭૦ વર્ષે પણ થોડી ઘણીય સાકાર થઈ નથી. ગાંધીનાં નામે સત્તા ટકાવી રાખનાર કોંગ્રેસ આજદિન સુધી નહેરૂ-ગાંધીની ભક્તિમાંથી બહાર આવ્યું નથી. તો આર.એસ. એસ.ના નથ્થુંરામ ગોડસેએ ત્રણ ગોળી ઘરબી દઈ ગાંધીજીને સદાય માટે 'હે રામ' કહી પોઢાડી દીધા. તે રામનાં નામે મળેલી સત્તાને ૧૫૦ વર્ષ રાખવાં ભાજપ જય શ્રી રામ કરી રહ્યું છે.

વિશ્વમાં ૧૦૦ જેટલા દેશોમાં ગાંધીજીના સ્ટેચ્યુ છે. ગાંધીજીની દેશ-વિદેશમાં ૧૫૦ ટપાલ ટીકીટ બની હોવાથી લઈ આપણને ગુલામીની ઝંઝીરોમાં જકડનાર એક અંગ્રેજ દ્વારા જ બનાવાયેલી ગાંધી ફિલ્મને ઑસ્કાર એવોર્ડનાં તોરણો બાંધી નવાજવામાં આવી હતી.

આપણા દેશમાં પણ ૧૦૦ જેટલા શહેરોમાં ગાંધી રોડ અને પ્રતિમાઓ છે. દર વર્ષે ગાંધીજીની આત્મકથા સત્યનાં પ્રયોગોનું વેચાણ વધતું હોવાનો આત્મસંતોષ લેવામાં આવે છે, પરંતુ વિશ્વમાં દરરોજ ૨૦૦ લોકો જેમને ઈન્ટરનેટ પર સર્ચ કરે છે તે ગાંધી તસવીરોનાં બદલે દિલમાં સર્ચ થાય તેવું કાંઈ કરવામાં આવતું નથી. પ્રાથમિક શિક્ષણમાં ભણાવેલો એકાદ પાઠ, ભજન મધયમિકમાં આવતા સુધીમાં વિસરાઇ જાય છે. મિશનરી સંસ્થાઓની જેમ ગાંધીજી માટે ખાસ પુસ્તક બનાવી નવી પેઢીને ક્યારેય ભણાવી નથી.

સત્તા લાલચુઓએ જ ગાંધીજીને સમજવાના બદલે પ્રજાને ઉંઠા ભણાવ્યાં હોય ત્યારે અધૂરી કેળવણીનો વસવસો આજે દરેક યુવા અને બેરોજગારનાં દિલમાં છે. પીડ પરાઈ જાણનાર આ વિશ્વવિભૂતિ માટે સાદગી જ જીવન મંત્ર હતો. શ્રી કૃષ્ણએ મહાંગ્રંથ ગીતામાં આપેલાં જીવન માટેનાં માર્ગદર્શક ઉપદેશોની જેમ ગાંધીજીનું જીવન જ છેલ્લી દોઢ સદીથી સૌ કોઈ માટે એક સંદેશ છે. ગાંધી વિચારો પ્રજાના આચરણમાં આવે નહીં તે માટે સાબરમતીનાં આ સંતને રાજઘાટમાં કેદ કરનાર સત્તાનાં લોભીઓ પોરબંદરના આ રતનની કીર્તિને ઝાંખપ લગાડી રહ્યા છે. ગાંધીના ફોટા અને સ્ટેચ્યુને પુષ્પાંજલિ કરતાં સત્તાધીશોએ અત્યારે એવી પરિસ્થિતિ સર્જી છે કે, કોઈ એકબીજાને 'જય ગાંધી' પણ કહેતું નથી. બાકી માનવ અવતાર એવાં સ્વામીનારાયણથી લઈ ડૉ. બાબાસાહેબ આંબેડકર સુધીનાં મહાનુભવો માટે આપણે જય સ્વામિનારાયણ કે જય ભીમ કહી આદર-સન્માન આપીએ છીએ. તેવો પૂજનીય ભાવ ૭૦ વર્ષે પણ પ્રગટાવી શક્યા નથી તે જ બતાવે છે કે આપણે હજું કેટલા ગુલામીમાં છીએ. બાકી ગાંધીગીરીનો ક્રેઝ ઊભો કરવાથી કે મેક ઇન ઇન્ડિયાના નામે ગાંધી વિચારોને સાકાર કરવાનાં બદલે મનની વાત કરી દેશની પ્રજાને સાચી આઝાદી આપી શકવાના નથી તે નરી વાસ્તવિકતા છે.

આપણે સૌએ આજે નીકળતી પ્રભાત ફેરીથી લઈ વિવિધ કાર્યક્રમો દ્વારા આગામી સમયમાં એવો લોકઉત્સવ ઉજવવો જોઈએ કે, ગુજરાત વિધાનસભા સામે પીઠ ફેરવીને બેસેલા બાપુ પણ આ ધારાસભા તરફ જોઈ બોલી ઊઠે. સ્વરાજથી સુરાજય માટેનો આ જ સૂર્યોદય છે.