મેરાન્યૂઝ નેટવર્ક, ગાંધીનગર: ગાંધીનગર તાલુકામાં જ આવેલું એક ગામ આજે કેમિકલવાળા પાણીની તકલીફનો સામનો કરી રહ્યું છે અને ગ્રામજનો દ્વારા વાંરવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં વહીવટીતંત્ર અને સરકાર દ્વારા કોઈ પગલા લેવામાં  આવતા નથી.  ગ્રામજનોનો આરોપ છે કે નદીમાં કેમિકલ છોડતી ફેક્ટરીના માલિકના રાજકારણીઓ સાથે સંબધોને કારણે કોઇ પગલા લેવામાં આવતા નથી અને એટલે કંપનીમાંથી બેફામ રીતે કેમિકલવાળું ગંદુ પાણી છોડવામાં આવી રહ્યું છે.

૩૫૦૦ લોકોની વસ્તી ધરાવતું ગલુદણ ગામ અમદાવાદ-દહેગામ રોડ વચ્ચે આવેલું છે. જેમાં લોકોને પાણીની સમસ્યાઓ સિવાય રોડ રસ્તા અને કેમિકલવાળા પ્રદુષિત પાણીનો સામનો કરવો પડી રહ્યો છે. ગામની બાજુમાં આવેલી તલની પ્રોસેસ કરતી ફેક્ટરીમાંથી નીકળતું કેમિકલયુક્ત પ્રદુષિત પાણી ગામની ભાગોળેથી પસાર થતી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. આ મુદ્દે સરપંચ બળદેવજી ઠાકોરે મેરાન્યૂઝને જણાવ્યું કે, ગામ લોકો  ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યા છે. આ ગંદા પાણીનો ભરવો નદીમાં થયો છે, પાણી આગળ જતું નથી અને પાણીની દુર્ગંધ ગામના લોકોને હેરાન કરી રહી છે. અમારા દ્વારા સરકારમાં આ મુદ્દે વાંરવાર રજૂઆત કરવામાં આવી પરંતુ સરકાર દ્વારા કોઈ પગલા ભરવામાં આવતા નથી. તેમણે વધુમાં જણાવ્યું કે રોજ ફેક્ટરીમાંથી નીકળતી ટ્રકો પણ ગામની વચ્ચેથી પસાર થાય છે જેના ભારને કારણે ગામના RCC રોડ તૂટી ગયા છે.

ગામમાં કેમિકલવાળા પાણીથી લોકો કંટાળી ગયા છે. ગામના આશરે ૧૦૦ જેટલા લોકો તો નદીનાં કિનારે આવેલા તેમના ખેતરમાં જ રહે છે જેઓ વર્ષોથી આ સમસ્યાથી ત્રાસી ગયા છે. પરંતુ  તેમની તકલીફનો કોઈ ઉકેલ નથી.

ગોવિંદજી ઠાકોર નામના રેહવાસીઓએ જણાવ્યું કે કેમીકલવાળા પાણીની ગંધથી અહિંયા જીવવું તકલિફમય બની ગયું છે. તેઓએ વધુમાં જણાવ્યું કે જ્યારે ગામના લોકો રજૂઆત કરવા માટે જાય ત્યારે માલિક દ્વારા મોટા નેતાઓ સાથે સબંધ છે એવું કહીને લોકોને કાઢી મુકે અને બીજી બાજુ સરકાર કે વહીવટતંત્ર દ્વારા પણ ગામ લોકોની સમસ્યા પ્રત્યે કોઈ ધ્યાન નથી આપી રહ્યું.

આ ઉપરાંત સરપંચે જણાવ્યું હતું કે ગામમાં આવેલી ઇન્દિરા નગરીમાં પીવાના પાણીની સમસ્યા છે. આ સમસ્યા દૂર કરવા માટે ત્યાં બોરવેલ બનાવવાનો છે પરંતુ સરકાર સાંભળતી નથી.