મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ પંજાબ નેશનલ બેન્ક (પીએનબી)માં દેશના સૌથી મોટા બેન્ક કૌભાડને અંજામ આપનાર મુખ્ય આરોપી નીરવ મોદીના સામે ભારત સહિત 5 દેશોમાં મોટી કાર્યવાહી હાથ ધરાઈ છે. નીરવ મોદી અને તેના પરિવારની 637 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી દેવાઈ છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) એજન્સીએ કહ્યું કે પ્રોપર્ટી, જ્વેલરી, ફ્લેટ્સ અને બેંક બેલેન્સને ભારત, બ્રિટન અને અમેરિકા સહિત અન્ય દેશોમાં જપ્ત કરાઈ છે. એવા ઘણા ઓછા બનાવો છે, જેમાં ભારતીય એજન્સીઓએ વિદેશમાં ગુનાહિત કેસમાં સંપત્તિઓને જપ્ત કરી હોય.

પ્રિવેન્સન ઓફ મની લોન્ડ્રીંગ એક્ટ (પીએમએલએ) અંતર્ગત ઈડીએ ન્યૂયૉર્ક (અમેરિકા)માં નીરવ મોદીની 216 કરોડની કિંમતની બી અચલ સંપત્તિ જપ્ત કરી છે. એજન્સીના એક વરિષ્ઠ અધિકારીનું કહેવું છે કે આ કેસમાં મની લોન્ડ્રીંગના આરોપી આદિત્ય નાણાવટી સામે ઈંટરપોલે રેડ કોર્નર નોટિસ ઈશ્યૂ કરી છે.

અબજો પતિ જ્વેલર નીરવ મોદી અને તેના મામા મેહુલ ચૌક્સીએ પીએનબીમાં અંદાજીત 14 હજાર કરોડ રૂપિયાના કૌંભાંડને અંજામ આપ્યો છે. કૌભાંડનો પર્દાફાશ થતા પહેલા જ બંને આ વર્ષે જાન્યુઆરીમાં દેશમાંથી ફરાર થઈ ગયા હતા.