પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.અમદાવાદ): ભાજપ પાસે જ્યારે સત્તા અને સંપત્તી  ન્હોતી ત્યારે પ્રમાણિક અને નિષ્ઠાવાન કાર્યકરોની ફોજ હતી, જે પૈકીના એક હતા એડવોકેટ એચ એલ પટેલ, આમ તો તેમનું નામ હરીશચંદ્ર પટેલ હતું પણ જેવું નામ તેવા જ ગુણ હતા, ભાજપની કેશુભાઈ પટેલની સરકાર પહેલી વખત બની તેમાં એચ એલ પટેલ અમદાવાદની સરખેજ વિધાનસભા બેઠક ઉપરથી ચૂંટાઈ આવ્યા હતા, કાયદાના નિષ્ણાત હોવાને કારણે ભાજપે તેમને વિધાનસભા અધ્યક્ષનું પદ સોંપ્યું હતું, જીંદગી આખી પૈસા વગર કેસ લડનાર એચ એલ પટેલને સત્તા મળી ત્યારે તેઓ ખુબ બીમાર પડયા અને 1996-1997માં તેમનું નિધન થયું, સરખેજ વિધાનસભા ખાલી પડતા ભાજપે આ બેઠક ઉપરથી અમિત શાહને ચૂંટણી લડાવવાનો નિર્ણય કર્યો હતો અમિત શાહની જીંદગી આ પહેલી ચૂંટણી અને તેઓ જીતી ગયા અને ગુજરાત વિધાનસભાનાં સભ્ય બન્યા હતા.

લગભગ 1990 સુધી અમિત શાહને ભાજપના પ્રદેશ કાર્યાલયમાં બહુ ઓછા લોકો સાથે પરિચય હતો, જન્મે વૈષ્ણવ અમિત શાહ પહેલાથી જ લડી લેવાના મુડમાં રહેતા જેના કારણે યુવાનીમાં  તેઓ ભાજપની વિદ્યાર્થી પાંખ  અખીલ ભારતીય વિદ્યાર્થી પરિષદનો હિસ્સો બન્યા હતા, કદાચ એબીવીપીમાં પ્રવેશ કરવાનું કારણ પણ નરેન્દ્ર  મોદી હોઈ શકે છે. અમિત શાહ સંઘ સાથે જોડાયેલા હોવાને કારણે કાંકરિયા સંઘ કાર્યાલય ખાતે અમિત શાહની અવરજવર હતી, વિદ્યાર્થી જીવનમાં પણ અમિત શાહને નરેન્દ્ર મોદી સાથે લગાવ હતો, 1986માં નરેન્દ્ર મોદી ભાજપના સંગઠન મંત્રી થયા અને ભાજપના પ્રદેશ કાર્યાલય ખાતે આવવા લાગ્યો હતો.

અડધી બાયનું શર્ટ અને પેન્ટ નિયમિત પરિધાન હતો, આ યુવાન નરેન્દ્ર મોદી સામે બહુ અદબથી ઊભો રહે અને મોદી જે કાગળો આપે તે લઈ બહાર ટાઈપ કરાવી પાછા આપી જાય, ત્યારે ભાજપ ઓફિસમાં ટાઈપીંગ મશીન તો હતા, પણ નરેન્દ્ર મોદી ભાજપમાં બીજા નેતા કરતા કાયમ એડવાન્સ રહેતા અને મોદીને ઈલેકટ્રોનિક ટાઈપીંગનો આગ્રહ રહેતો હતો, જેના કારણે નરેન્દ્ર મોદી ઈલેકટ્રોનિક ટાઈપીંગના કાગળો આ યુવાનને આપતા હતા, જો કે ત્યારે આ યુવાન કોણ છે અને નરેન્દ્ર મોદીને મળવા શું કામ આવે છે તેવું કોઈને સામાન્ય જીજ્ઞાસા પણ ભાજપમાં થતી ન્હોતી, આ યુવાન એટલે અમિત શાહ હતા, નરેન્દ્ર મોદી ભાજપમાં આવ્યા પછી સૌથી પહેલી નાનકડી જવાબદારી અમિત શાહને સોંપી તે અમદાવાદના નાણપુરા વોર્ડની જવાબદારી સોંપી હતી.

1990 સુધી ભાગ્યે જ કોઈએ અમિત શાહને ભાજપના કાર્યાલયમાં જોયા હતા, પણ અમિત શાહ મોદીના હનુમાન બની તેમનું કામ કરતા રહ્યા હતા. ગુજરાતના રાજકીય સમીકરણો બહુ ઝડપથી બદલાઈ રહ્યા હતા, 1995માં ભાજપની સરકાર બની અને મુખ્યમંત્રી કોણ તેની લ્હાયમાં શીસ્તબધ કહેવાતી ભાજપની આબરૂના લીરા ઉડયા, ભાજપની કેન્દ્રીય નેતાગીરીએ શંકરસિંહ સાથે સમાધાન કરવું પડ્યું અને શંકરસિંહની એક શરત પ્રમાણે નરેન્દ્ર મોદીને ગુજરાતના મહામંત્રી પદથી હટાવી દઈ દિલ્હી મોકલી આપવાના હતા.

નરેન્દ્ર મોદીએ ગુજરાત છોડતા પહેલા અમિત શાહને ભાજપના પ્રદેશ ઉપપ્રમુખ પદ ઉપર ગોઠવી અમિત શાહનું કદ વધારી દીધુ હતું, અમિત શાહે પોતાની વફાદારી બરાબર જાળવી રાખી હતી, જે લોકોને  નરેન્દ્ર મોદીએ પદ આપ્યા હતા તેઓ  નરેન્દ્ર મોદી ગુજરાત બહાર જતા રહેતા તેમણે મોદી સાથે સંબંધ કાપી નાખ્યા હતા.

ત્યારે નરેન્દ્ર મોદી પાસે  કોઈ સત્તા ન્હોતી, મોદી કોઈને કઈ આપી શકે તેમ ન્હોતા, જ્યારે કેશુભાઈ પટેલ સાથે રહેનારને અથવા મોદીથી અંતર રાખનારને ફાયદો થવાનો હતો, પણ અમિત શાહે નરેન્દ્ર મોદી સાથે રહેવાનો નુકશાની ધંધો પસંદ કર્યો, મોદી જ્યારે પણ ગુજરાત આવતા ત્યારે અમિત શાહ  તેમની સાથે રહેતા ઉપરાંત દિલ્હીમાં પણ નિયમિત તેમના સંપર્કમાં રહેતા હતા, કઈ કાયમી હોતુ નથી, 2001માં નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી થઈ પાછા આવ્યા અને અમિત શાહનો સમય બદલાયો, 2002માં અમિત શાહ નવી સરકારમાં ગૃહમંત્રી થયા, નરેન્દ્ર મોદીની પ્રજા ઉપર પક્કડ હતી. અમિત શાહને તંત્ર પાસે કામ લેતા આવડતુ હતું, જો કે સત્તાનો દુરઉપયોગ તેમને એન્કાઉન્ટર કેસમાં જેલ સુધી પણ લઈ ગયો, પણ સત્તાની તાકાત તેમને જેલમાંથી બહાર પણ લાવી હતી.

નરેન્દ્ર મોદીના ચેલા હોવાને કારણે અમિત શાહને પ્રતિકુળતાને અનુકુળતામાં ફેરવતા આવડે છે, સુપ્રીમ કોર્ટે એન્કાઉન્ટર કેસને કારણે 2010માં ગુજરાત નહીં જવાનો આદેશ કર્યો, તો અમિત શાહે પોતાના તંબુ દિલ્હીમાં નાખ્યા અને 2014ની તૈયારી શરૂ કરી, મોદીની કુનેહ અને શાહની મહેનત  રંગ લાવી વિરોધીઓને પણ તેમની કાવાદાવાની પ્રસંશા કરવી પડે તેવી સ્થિતિ નિર્માણ થઈ, વિરોધ પક્ષના તો ઠીક પણ કેટલાંક પોતાનાને પણ કોરાણે મુકી દઈ  અમિત શાહ રાષ્ટ્રીય પ્રમુખ  અને મોદી વડાપ્રધાન થઈ ગયા. હવે ભાજપના ભીષ્મપિતા સમાન લાલકૃષ્ણ અડવાણીને ટા ટા બાય બાય કરી તેમની ગાંધીનગર લોકસભા બેઠક ઉપર અમિત શાહ લડી રહ્યા છે. ભાજપના કેટલાંક ટોચના નેતા કહે છે. નવી સરકારમાં અમિત શાહ કેન્દ્રીય ગૃહમંત્રી બનશે.

આપને વાંચન ગમ્યું હશે, તેવી આશા છે. મેરાન્યૂઝની આવી જ પોસ્ટ વાંચવા માટે ફેસબુક પેજ લાઈક કરો, લાઈક કરવા અહીં ક્લિક કરોઃ મેરાન્યૂઝઅથવા આ હેન્ડલર સાથે ફેસબુકમાં સર્ચ કરી લાઈક કરો @meranewsguj, હા ફોલોમાં see first કરવાનું ચુકતા નહીં