દોસ્ત હાર્દિક

થોડા સમય પહેલા મેં તારા અંગે એક સ્ટોરી લખી હતી, ત્યારે મારી પાસે જાણકારી આવી હતી કે તું શંકરસિંહ વાઘેલા સાથે હાથ મીલાવી નેશનલ કોંગ્રેસ પાર્ટી જોઈન્ટ કરી રહ્યો છે, તારે કયા પક્ષમાં જવુ તે સંપુર્ણ તારો જ નિર્ણય હોઈ શકે તે અંગે મારે કઈ જ કહેવાનું હોય નહીં, પણ મને જે માહિતી મળી રહી હતી અને ગંધ આવી રહી હતી તે પ્રમાણે તું જાહેરમાં અમિત શાહ અને ભાજપ સામે લડે છે અને પાછલા બારણે તું તેમની સાથે હાથ મીલાવી રહ્યો છે, જેના કારણે મારી સ્ટોરી હતી કે હવે હાર્દિક ભાજપની બી ટીમ તરીકે કામ કરશે, કારણ ગુજરાતની તાસીર રહી છે જ્યારે ત્રીપાંખીયો જંગ થાય ત્યારે ફાયદો ભાજપને જ થાય છે.

મારી આ સ્ટોરી પ્રસિધ્ધ થઈ ત્યાર બાદ હાર્દિક તે મને એક પર્સનલ મેસેજ છોડયો હતો, તેમાં તે લખ્યું હતું સાહેબ તમે ખોટા પડશો, મેં તારા જવાબમાં ફરી એક સ્ટોરી લખી હતી. જેમાં કહ્યું હાર્દિક પત્રકાર કાયમ પોતાની સ્ટોરી સાચી હોય છે તેવું માની લખતો હોય છે અને તેની સ્ટોરી સાચી પડે તેવી જ ઈચ્છા પણ હોય છે છતાં તારા અંગે લખાયેલી સ્ટોરી ખોટી પડે તો સારૂં તેવું મન કહી રહ્યું હતું. તે કોંગ્રેસમાં જવાનો નિર્ણય કર્યો તે પણ તારો પોતાનો નિર્ણય છે તે અંગે હું કઈ ટીકા ટીપ્પણી કરતો નથી, પણ જેવો તું કોંગ્રેસમાં જોડાયો તેની સાથે હવે તું સમાજ દ્રોહી થઈ ગયો છે તેવું જ નિવેદન તારા પાટીદાર નેતા લાલજી પટેલે કર્યું, પણ સાચુ કહું તો મેં લાલજી પટેલને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ચેમ્બર બહાર અનેક વખત જોયા છે. તેઓ ત્યાં કેમ આવતા હતા તેની મને ખબર નથી, પણ માની લઈએ કે સમાજના હિતની જ વાત કરવા આવતા હશે.

પાટીદાર અનામતની માગણી સહિત તારી અનેક બાબતો સાથે હું ત્યારે પણ સંમત્ત ન્હોતો અને આજે પણ નથી. છતાં કોઈ માણસ લડતો હોય તો મને તે ગમ્યો છે. લડનાર માણસના મુદ્દા સાચા છે કે ખોટા તે અંગે કાયમ વિવાદ રહેવાનો છે. પણ જે પણ લડે છે તે સરકાર સામે હોય તો જ લડી શકે છે. તેવુ હું ચોક્કસ માનુ છું, સોશીયલ મીડિયાના યુગમાં કોઈની પણ ટીકા અથવા ચારિત્રહનન કરવુ બહુ સહેલું છે, કોંગ્રેસમાં સામેલ થવાનો તારો નિર્ણય તારા, તારી લડાઈ અને તારા સમાજ માટે કેટલો ફાયદાકારક રહેશે તેવું હમણાં નક્કી કરવુ મુશ્કેલ છે. છતાં જેમને કઈ ન્હાવા નીચોવવાનું નથી તેવા લોકો સોશીયલ મીડિયા ઉપર તારા આ નિર્ણયની ખુબ ચર્ચા કરી રહ્યા છે. સાચુ પુછો તો તારી ટીકા કરી તને કોંગ્રેસનો એજન્ટ કહી રહ્યા છે. ખુદ ભાજપના નેતાઓ પણ તને કોંગ્રેસનું રમકડુ કહી રહ્યા છે.

તારા અંગે હું ખુદ પણ સ્પષ્ટ નથી કારણ, તે છેલ્લાં ત્રણ વર્ષમાં ઘણી બધી બાબતો ખાનગી રાખવાનો પ્રયાસ કર્યો અને તારૂ મન તને અહિંયાથી ત્યાં લઈ જઈ રહ્યું છતાં માનુ છે કે તારો રાજકારણમાં જવાનો નિર્ણય સમયસરનો અને યોગ્ય છે, તેમાં બે બાબત છે, હમણાં તને જે ગાળો આપી રહ્યા છે અથવા સમાજદ્રોહી કહી રહ્યા છે. તેમને પુછવાનું મન થાય છે કે માની લો કે કોંગ્રેસમાં જવાને બદલે હાર્દિક ભાજપમાં જોડાઈ ગયો હોત તો તમે શું કહેતા? ખરો વાંધો તો કઈક જુદો છે, તે મને સમજાય છે. જેમની પાસે પણ ટોળા છે તેવા નેતાઓની તો દરેક પક્ષને જરૂર હોય છે. તે ભાજપમાં જવાનો નિર્ણય કર્યો હોત તો કદાચ અમિત શાહ તને કેસરી ખેસ પહેરાવવા માટે આવ્યા હોત. કોંગ્રેસને પણ તારી ઉપર કઈ ખાસ પ્રેમ નથી પણ કોંગ્રેસના કોઈ પણ નેતા કરતા વધુ ભીડ ભેગી કરવાની તાકાતને કારણે તને કોંગ્રેસમાં સામેલ કરવા કોંગ્રેસીઓ ઉતાવળીયા હતા.

વ્યવસ્થાને ગાળ આપવી સહેલી છે, સામાન્ય રીતે મારા જેવા પત્રકારો જેઓ નોકરીના ભાગ રૂપે અને બાકીના જેમની પાસે જીવનના કોઈ જ પ્રશ્ન નથી તેવા લોકો પોતાની નવરાશની પળોમાં નરેન્દ્ર મોદીએ શું કરવુ જોઈએ અને રાજનાથસિંહે આવુ કેમ ના કર્યું તેની ચિંતા જાહેરમાં અને ફેસબુક ઉપર કરતા હોય છે. હું વ્યકિતગત રીતે માનુ છું કે વ્યવસ્થા ખાડે ગઈ છે તેવું માનનારે વ્યવસ્થા કેવી રીતે બદલી શકાય તેનો નિર્ણય કરવા માટે વ્યવસ્થાનો ભાગ બનવું જોઈએ કારણ માત્ર વ્યવસ્થાને ભાંડવાથી તે બદલાવવાની નથી, પણ મારા સહિત મોટા ભાગના લોકો વ્યવસ્થાનો હિસ્સો બનવાની હિંમત કરી શકતા નથી, જેઓ વ્યવસ્થામાં આવવા તૈયાર નથી તે બધા ડરપોક છે તેવુ પણ નથી, પણ પોતાની જવાબદારીઓ અને આર્થિક જવાબદારીઓ કદાચ તેમને રોકી રહી હોય તેવું પણ બને,

છેલ્લાં પાંચ વર્ષમાં વિવિધ આંદોલનને કારણે ગુજરાતને અલ્પેશ ઠાકોર, હાર્દિક પટેલ અને જીજ્ઞેશ મેવાણી મળ્યા છે. બહુ પ્રમાણિક અને કડવો મત વ્યકત કરૂ તો અલ્પેશ પાસે મારી ખાસ અપેક્ષા નથી તેના મારા વ્યકિતગત કારણો છે તેની ચર્ચા અહિયા કરતો નથી, જ્યારે જીજ્ઞેશ ઉપરની આશા મેં ગુમાવી નથી, પણ તે કોમનો નેતા થવાને બદલે વંચિત અને પીડીતોનો નેતા થાય તો જરૂર વધુ ગમશે, તું કોગ્રેસમાં જોડાયો, ત્યાં શું થશે અને તું કયાં સુધી પહોંચીશ તેની મને ખબર નથી, ભુતકાળમાં તે અનેક ભુલો કરી, તેનો તું જાહેરમાં એકરાર કરે તે પણ જરૂરી નથી કારણ તે તારી વ્યકિતગત બાબત છે. આપણે ત્યાં તમામ રાવણો પત્ની તો સીતા સ્વરૂપ જ હોય તેવી અપેક્ષા રાખતા હોય છે. છતાં તારે સાચવવુ પડશે તારી ઉમંર તારી પાસે ખોટા નિર્ણયો કરાવે નહીં તેની કાળજી રાખજે, કોંગ્રેસમાં જોડાઈ તે ઉત્તમ કામ કર્યુ છે તેવું પણ નથી અને ભાજપવાળા નઠારા છે અને કોંગ્રેસવાળા દુધે ધોયેલા છે તેવું પણ નથી.

બસ તું રાજકારણમાં જોડાઈ વ્યવસ્થાનો હિસ્સો થયો તેનો જ આનંદ છે. હમણાં છે તેના કરતા ઉત્તમ માણસ અને દેશ અને દેશની પીડાને સમજી શકે તેવો રાજનેતા થાય એટલી જ અપેક્ષા છે. બસ અહિયા જ વિરમુ છું.

પ્રશાંત દયાળ

(મેરાન્યૂઝ)