મેરાન્યૂઝ નેટવર્ક. નવી દિલ્હી:   સંયુકત આરબ અમીરાત ( UAE ) દ્વારા ભારતીય યાત્રિકો માટે ખાસ રાહત જાહેર કરવામાં આવી છે. જેમાં દુબઈ જનારા ભારતીય પર્યટકોને ધ્યાનમાં રાખી બે દિવસના મફત ટ્રાન્ઝીટ વીઝા આપવાની જાહેરાત કરવામાં આવી છે. બે દિવસના ફ્રી ટ્રાન્ઝીટ વીઝા આપવાનો અર્થ છે કે, જો તમે દુબઈ અને અબુધાબી થઇને ક્યાંય બીજે જઈ રહ્યા છો તો તમને અહિયાં ૪૮ કલાક રોકાવવા માટે એકપણ રૂપિયો ખર્ચવો પડશે નહીં.

ઘણી મોટી સંખ્યામાં ભારતીય લોકો દુબઈ અથવા અબુધાબી થઇને બીજા દેશમાં જતા હોય છે. તેમાં જો કોઈ ભારતીય પર્યટકો કોઈ કારણથી બે દિવસના આ રોકાણને વધારવા માંગતા હોય તો તેની પણ સુવિધા આપવામાં આવશે. માત્ર ૫૦ દીરહામ એટલે કે, એક હજાર રૂપિયામાં બે દિવસની આ સમયમર્યાદાને સીધા જ ચાર દિવસ અથવા ૯૬ કલાક સુધી લંબાવી શકો છો. ભારતીય પર્યટકોને આકર્ષવા માટે UAE કેબીનેટ દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે. જો કે આ નવો નિયમ કયારથી લાગુ કરવામાં આવશે તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ આ ટ્રાન્ઝીટ વીઝાને UAEના દરેક એરપોર્ટ પર એરપોર્ટના કંટ્રોલ હોલમાં એક્સપ્રેસ કાઉન્ટર્સ પરથી મેળવી શકાશે.

UAE પહેલાથી જ ભારતીયોની પસંદ છે. જેમાં વર્ષ ૨૦૧૭માં ૩.૬૦ લાખ ભારતીય પર્યટકોએ અબુધાબીનો પ્રવાસ કર્યો છે. આ સંખ્યા અગાઉના વર્ષ કરતા ૧૧ ટકા વધારે છે. UAE સિવાય અન્ય ઘણા દેશ છે જે ભારતીય પર્યટકોને આકર્ષવા માટે વીઝા નિયમો સરળ બનવી રહ્યા છે. આ યાદીમાં ઇઝરાયેલ, જાપાન, ઓમાન સહીત બીજા દેશો પણ સામેલ છે.