મેરાન્યૂઝ નેટવર્ક, મોસ્કો: લુજ્નિકી સ્ટેડિયમમાં રમાયેલ ફીફા વર્લ્ડ કપની ફાઇનલ મેચમાં ક્રોએશિયાને 4-2થી હરાવી ફ્રાન્સે ફૂટબોલ વર્લ્ડ કપ જીતી લીધો છે. ફ્રાંસ બીજી વખત ફૂટબોલ વિશ્વ જીપ જીત્યુ છે. આ પહેલા ફ્રાંસ 1998માં ફ્રાંસમાં જ યોજાયેલ વર્લ્ડ કપ જીત્યુ હતું.

મેચનો પ્રથમ ગોલ આત્મઘાતી ગોલ રહ્યો. ક્રોએશિયાના મારિયો માંજુકિક પોતાના જ ગોલપોસ્ટમાં બોલ પહોંચાડી દીધો. આ ગોલથી ફ્રાંસે 1-0ની લીડ મેળવી હતી. આ ગોલ 18મી મિનિટમાં થયો હતો. ઇવાન પેરીસિચે 28મી મિનિટમાં ગોલ કરી ક્રોએશિયાની 1-1થી બરાબરી કરી હતી. જો કે 38મી મિનિટમાં ફ્રાંસને પેનલ્ટી મળી અને તેના સ્ટાર ખેલાડી એંટોની ગ્રીજમેને તેને ગોલમાં બદલી પોતાની ટીમને 2-1થી આગળ કરી. પ્રથમ હાફ ફ્રાંસના પક્ષમાં 2-1 પર સમાપ્ત થયો હતો.

બીજા હાફમાં પોલ પોગ્બાએ 59મી મિનિટમાં બોક્સ બહારથી બોલને નેટમાં નાખી ફ્રાંસને 3-1ની લીડ અપાવી દીધી. તેના છ મિનિટ બાદ કિલિયન એમબાપ્પેએ ફ્રાંસને 4-1થી આગળ કરી દીધુ. ક્રોએશિયાના માંજુકિકે ફ્રાંસના ગોલકીપર હ્યુગો લોરિસની ભૂલનો ફાયદો ઉઠાવી પોતાની ટીમને બીજો ગોલ અપાવ્યો. ત્યાર બાદ ગોલ ન થઇ શક્યો અને ફ્રાંસની ટીમ બીજી વખત વિશ્વ વિજેતા બનવામાં સફળ રહી.