મેરાન્યૂઝ નેટવર્ક.ખંભાળિયાઃ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના ભાતેલ ગામે રહેતાં એક આઘેડ ખેડૂતે ખરીફ પાક નિષ્ફળ જવાના કારણે વધી ગયેલા કરજ (દેવા)ને લઈને  ઝેરી દવા પી લઇ મોતની સોડ તાણી લીધાનો બનાવ બન્યાનું પોલીસમાં જાહેર થયું છે. વધુ એક ખેડૂતના આપઘાતને લઈને સમગ્ર હાલાર સહિત સૌરાષ્ટ્ર ભરના ખેડૂત પરિવારમાં શોકનું મોજું પ્રસરી ગયું છે.

જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચાલુ વર્ષે નબળા ચોમાસાના કારણે ખરીફ પાક નિષ્ફળ નીવડ્યો છે. પરિવારના ભરણ પોષણ સામે આર્થિક સંકળામણ ઊભી થતા છેલ્લા ત્રણ માસના ગાળામાં ચોથા ખેડૂતે આપઘાત કરી લીધો છે. ધ્રોલ, કાલાવડ, લાલપુર અને ખંભાળીયા પંથકમાં ખેડૂતોએ પાક નિષ્ફળતાના કારણે જીવતર ટૂંકાવી લીધા છે ત્યારે ખંભાળીયા પંથકમાં વધુ એક ખેડૂતે મોત મીઠું કરી લેતા ચકચાર મચી ગઇ છે.

ખંભાળિયા તાલુકાના ભાતેલ ગામે રહેતા અને ખેત વ્યવસાય સાથે સંકળાયેલા હનુભા દેવીસિંહ જાડેજા નામના 49 વર્ષના યુવાને પાકનું વાવેતર કર્યું હતું. આ પાક નિષ્ફળ જતાં આ પાકના કારણે તેમના પર બેંકનું દેવું ચડતું થયું હતું. બેંકના દેવાના બીકે વ્યથિત બની ગયેલા હનુભા જાડેજાએ ગઇકાલે મંગળવારે પોતાના હાથે ઝેરી દવા પી લેતાં તેમનું મૃત્યું નિપજ્યું હતું. આ બનાવની જાણ મૃતકના પુત્ર પરાક્રમસિંહ હનુભા જાડેજા (ઉ.વ.22) એ અહિંની પોલીસને કરતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.