મેરાન્યૂઝ નેટવર્ક. નવી દિલ્હીઃ વિશ્વ હિન્દુ પરિષદ (વીએચપી)ના પૂર્વ નેતા પ્રવિણ તોગડિયાએ અયોધ્યા મામલાને લઈને પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી પર જોરદાર ભડાસ કાઢી છે. તોગડિયાએ મંગળવારે પીએમ મોદી પર નિશાન લગાવતા કહ્યું તેમની પાસે વિદેશોમાં મસ્જિદોમાં ઘૂમવાનો સમય છે, પણ અયોધ્યા આવીને રામલલાના દર્શન કરવાનો સમય નથી. લખનઉમાં સંવાદદાતાઓ સાથે વાત કરતાં તોગડિયાએ કહ્યું કે તે અયોધ્યામાં શ્રીરામ જન્મસ્થાન મદિર માટે એક ડ્રાફ્ટ બીલ પ્રસ્તુત કરશે

તોગડિયાએ કહ્યું કે તેમના દ્વારા તૈયાર કરવામાં આવેલા ડ્રાફ્ટમાં અયોધ્યામાં ભવ્ય રામ મંદિર બનાવીને શ્રીરામ જન્મસ્થાનને સુરક્ષિત રાખવાની વાત શામેલ થશે.

પીએમ મોદી પર નિશાન લગાવતા તોગડિયાએ એવું પણ કહ્યું કે, કદાચ તેમને રામ મંદિરના નિર્માણને લઈને કાયદો બનાવવાનો સમય નહીં મળ્યો હોય, કારણ કે તે વિદેશની યાત્રાઓમાં જ વ્યસ્ત રહે છે. વીએચપીના પૂર્વ નેતાએ કહ્યું કે, પીએમ મોદી પાસે વિદેશમાં સ્થિત મસ્જિદોમાં જવાનો સમય છે પણ અયોધ્યા આવવાનો સમય નથી. બીજેપીએ પોતાના કન્વેન્શન અને ઢંઢેરામાં વાયદો કર્યો હતો કે તે રામ મંદિરનું નિર્માણ કરશે. વર્ષ 2014માં બહુમત સાથે ભાજપ સત્તામાં આવી. હું પોતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના કાર્યકર્તા અને સદસ્યો સાથે બેઠો અને સંસદમાં આ મુદ્દા પર કાયદો બનાવવાના સમય અંગે સવાલ પુછતો રહ્યો. આરએસએસએ પીએમ મોદી સાથે મુલાકાત કરી, પણ તેમણે ન સાંભળ્યું. હવે ચાર વર્ષ વિતી ગયા છે પણ રામ મંદિરના મુદ્દા પર હજુ સુધી કોઈ કાયદો બન્યો નથી. આ એક રીતે હિન્દુ ભગવાન રામ સાથે છેતરપીંડી કરવા જેવું છે.

આંતર રાષ્ટ્રીય હિન્દુ પરિષદ (એએચપી)ની રચના કરનાર તોગડિયાએ કહ્યું કે તેમના દ્વારા પ્રસ્તાવિત કરાયેલો ડ્રાફ્ટ જો કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા ઓક્ટોબર સુધીમાં પાસ નહીં કરાય તો તે પોતાની પરિષદ સાથે મળીને ઓક્ટોબરમાં જ લખનઉથી અયોધ્યા સુધી રેલી કાઢશે. તેમણે એવું પણ કહ્યું કે તે જલ્દી જ હિન્દુઓની માગોનો એક પત્ર પીએમ મોદીને મોકલશે. જેમાં રામ મંદિર નિર્માણથી લઈને કાયદા બનાવવાની માગ પણ શામેલ હશે.