મેરાન્યૂઝ નેટવર્ક, ઇસ્લામાબાદ: પાકિસ્તાનનાં ભૂતપૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ પર ભારતમાં કરોડો રૂપિયાનું કાળુ નાણુ જમા કરાવવાનો આક્ષેપ કર્યો છે. જિઓ ન્યૂઝના અહેવાલ અનુસાર પાકિસ્તાનના નેશનલ એકાઉન્ટેબિલિટી બ્યૂરો (NAB)એ સ્થાનિક મીડિયા રિપોર્ટને ધ્યાનમાં લઇ સમગ્ર મામલે તપાસના આદેશ આપ્યા છે.

જિઓ ન્યૂઝના અહેવાલ અનુસાર નવાઝ શરીફ અને અન્ય લોકોએ ભારતમાં કથિત રીતે 4.9 અબજ ડોલર ગેરકાયદે જમા કર્યા છે. NAB તરફથી જારી નિવેદન અનુસાર બ્યૂરોના ચેરમેને મીડિયા રિપોર્ટ ધ્યાને લીધો છે. મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ ઘટનાનો વર્લ્ડ બેંકના માઇગ્રેશન એન્ડ રેમિટન્સ બુક 2016માં પણ ઉલ્લેખ છે. જો કે મીડિયા રિપોર્ટમાં તેની વિસ્તૃત માહિતી નથી અપાઇ. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે આ રકમ ભારતીય નાણા મંત્રાલયમાં જમા કરવામાં આવી જેથી ભારતનું ફોરેન એક્સચેન્જ રિઝર્વ વધી ગયુ અને પાકિસ્તાનને તેના કારણે ઘણુ નુકશાન સહન કરવુ પડ્યું. હાલ ભારતનો વિદેશી મુદ્રા ભંડાર 496 અબજ ડોલર છે જ્યારે પાકિસ્તાનનો વિદેશી મુદ્રા ભંડાર 17.7 અબજ ડોલર છે.

અત્રે ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધન નવાઝ શરીફ પર ભ્રષ્ટાચારના જુદાજુદા ત્રણ કેસ ચાલી રહ્યા છે. જેથી પાકિસ્તાનની સુપ્રિમ કોર્ટે તેમને પહેલા વડાપ્રધાન પદેથી હટાવ્યા અને બાદમાં ચૂંટણી લડવા પર પ્રતિબંધ મુક્યો.