મેરાન્યૂઝ નેટવર્ક, ન્યૂયોર્ક: અબજપતિઓની કુલ સંખ્યા મામલે ભારત પ્રથમ વખત દુનિયામાં ત્રીજા નંબર પર આવ્યું છે. ફોર્બ્સની બિલેનિયર્સની યાદીમાં આ વખતે ભારતે જર્મનીને પાછળ છોડી દીધુ છે. સૌથી વધુ અબજપતિ અમેરિકામાં છે. ત્યાર બાદ ચીન બીજા અને ભારત ત્રીજા નંબરે આવે છે. આ યાદી અનુસાર ભારતમાં આ વર્ષે 19 નવા અબજપતિ ઉમેરાયા છે અને કુલ અબજપતિઓની સંખ્યા 121 થઇ છે જે ગત વર્ષે 102 હતી.

ફોર્બ્સની આ વર્ષની અબજપતિઓની વૈશ્વિક યાદીમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની સંપત્તિ ગત વર્ષની સરખામણીએ 16.9 બિલિયન ડોલર (1.09 લાખ કરોડ રૂપિયા) વધી છે અને તેઓ 40.1 અબજ ડોલર (2.60 લાખ કરોડ રૂપિયા) ની સંપત્તિ સાથે દેશના સૌથી ધનવાન વ્યક્તિ બન્યા છે. જો કે દુનિયામાં તેમનો 19મો નંબર છે. વર્ષ 2017માં આ યાદીમાં તેઓ 33મા નંબર પર હતા. આમ મુકેશ અંબાણી એક વર્ષમાં 13 અબજપતિઓને પાછળ પાડી આગળ આવ્યા છે. આ યાદીમાં ભારતમાં વિપ્રોના અઝીમ પ્રેમજી બીજા નંબર છે જ્યારે વિશ્વસમાં 72મા ક્રમે છે. સ્ટીલ કિંગ લક્ષ્મી મિત્તલ ભારતમાં ત્રીજા બીજા અને વિશ્વમાં 62મા ક્રમે છે. સોફ્ટવેર કંપની એચસીએલના ફાઉન્ડર શિવ નાદર ભારતમાં ચોથા અને વિશ્વમાં 98મા ક્રમે છે. સન ફાર્માના ફાઉન્ડર દિલીપ સંઘવી ભારતમાં પાંચમા અને વિશ્વમાં 115મા ક્રમે છે. પેટીએમના ફાઉન્ડર વિજય શેખર શર્મા 1.7 બિલિયન ડૉલર સાથે વૈશ્વિક યાદીમાં સ્થાન મેળવનાર સૌથી નાની ઉંમરના વ્યક્તિ છે. જ્યારે અનિલ અંબાણી વિશ્વમાં 887મા ક્રમે રહ્યાં છે.