મેરાન્યૂઝ નેટવર્ક, નવી દિલ્હી: સંજયલીલા ભણસાલીની વિવાદિત ફિલ્મ ‘પદ્માવત’ 25 જાન્યુઆરીએ ગુજરાત સહિત કેટલાક રાજ્યોને બાદ કરતા દેશ અને દુનિયાના થિયેટર્સમાં રિલિઝ થયા બાદ બોક્સ ઓફિસ પર સારો પ્રતિસાદ સાપડ્યો છે. મુંબઇમાં આ ફિલ્મની ટિકિટ 700થી લઇને 1800 રૂપિયા સુધીના ઉંચા ભાવે વેચાઇ. આ ફિલ્મમાં દીપિકા પાદુકોણના અભિનયની પ્રશંસા કરવામાં આવી રહી છે. દેશના 35 ટકા થિયેટર્સમાં આ ફિલ્મ રિલિઝ થઇ નથી છતાં પ્રથમ દિવસે લગભગ 18 કરોડ રૂપિયાનું કલેક્શન થયુ છે.

ફિલ્મ ટ્રેડ એનાલિસ્ટ રમેશ બાલાના જણાવ્યા અનુસાર વિદેશોમાં બોક્સ ઓફિસ કલેક્શનની વાત કરીએ તો ‘પદ્માવત’ ની અમેરિકા અને કેનેડામાંથી કુલ 2 કરોડ રૂપિયા અને ઓસ્ટ્રેલિયામાં 1.8 કરોડ તથા યુએઇમાં 2.4 કરોડ રૂપિયાની કમાણી થઇ છે.

કરણીસેના અને રાજપૂતો દ્વારા પદ્માવતી ફિલ્મનો વિરોધ થતાં આ ફિલ્મ ગુજરાત, રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને ગોવામાં રિલીઝ થઇ શકી નથી. સંજયલીલા ભણસાલીની આ ફિલ્મ માટે બે બોલીવુડ ફિલ્મો ‘પેડમેન’ અને ‘અય્યારી’એ પોતાની રિલીઝ ડેટ બદલી 9 ફેબ્રુઆરી કરી દીધી છે.