અનિલ પુષ્પાંગદન (મેરાન્યૂઝ, ગાંધીનગર): ગાંધીનગર પાસે આવેલા શાહપુર ગામના તળમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ ગિફ્ટ સિટીમાં આજે સોમવારે બપોરે અચાનક આગ ફાટી નિકળી હતી અને જૂની એડમિન ઓફિસ બળીને ખાખ થઇ ગઇ. આ ઓફિસમાં આગ લગાડવામાં આવી હતી કે અકસ્માતે આગ લાગી તે અંગેનું કોઈ સત્ય હજી સુધી બહાર આવ્યુ નથી. પત્રકારો ગિફ્ટ સિટીમાં એક કાર્યક્રમનું કવરેજ કરવા માટે ગયા ત્યારે જ કેમ આગ લાગી તેની સામે હજુ પણ પ્રશ્નાર્થ ઉદભવી રહ્યો છે.

ગાંધીનગર પાસે આવેલા શાહપુર ગામમાં હાલના વડાપ્રધાન જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમના ડ્રીમ પ્રોજેક્ટ સિટીની કલ્પના કરી હતી. વડાપ્રધાન થયા બાદ ગિફ્ટ સિટીમાં ઘણી બધી મલ્ટીનેશનલ કંપનીઓએ તેમના પ્રોજેક્ટ શરુ કર્યા. ગિફ્ટ સિટી બની ત્યારે એક એડમિન ઓફિસ બનાવવામાં આવી હતી. આ એડમિન ઓફિસમાં આજે સોમવારે બપોરે અચાનક આગ ફાટી નિકળી હતી અને આ એડમિન ઓફિસ સમગ્ર મળીને ખાખ થઇ ગઇ હતી. ગાંધીનગર ફાયરબ્રિગેડના રિજનલ ઓફિસર મહેશ મોઢના જણાવ્યા અનુસાર ગિફ્ટ સિટી આંતરરાષ્ટ્રીય સ્તરનું છે ત્યારે તેમાં ફાયરબ્રિગેડ સ્ટાફ તેમજ ફાયરબ્રિગેડના અત્યાધુનિક સાધનો વિકસાવવા માટે અઠવાડિયા પહેલા જ પત્ર લખવામાં આવ્યો હતો.

ગિફ્ટ સિટીમાં આગ લાગવાની ઘટના બાદ ગાંધીનગર રિજનલ ફાયર ઓફિસર મહેશ મોઢ તેમના સ્ટાફ સાથે ઘટના સ્થળે પહોંચી ગયા હતાં અને આગ ઓલવવાની કોશિશ કરી હતી. પરંતુ ત્યા સુધીમાં સમગ્ર એડમિન બિલ્ડિંગ બળીને ખાખ થઇ ગઇ હતી. આ એજ એડમિન બિલ્ડિંગ છે જ્યાંથી 4 વર્ષ પહેલા ગિફ્ટ સિટીની સફરની શરુઆત થઇ હતી. ગિફ્ટ સિટીનો સમગ્ર સ્ટાફ આ જ બિલ્ડિંગમાં બેસતો હતો એ જ બિલ્ડિંગમાં આગ લાગી અને સમગ્ર વસ્તુઓ બળીને ખાખ થઇ ગઇ.

ગાંધીનગર ફાયરબ્રિગેડના રિજનલ ઓફિસર મહેશ મોઢના જણાવ્યા અનુસાર આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાની શક્યતા છે. પરંતુ તે તપાસનો વિષય છે. આ અંગે વધુ એફએસએલના રિપોર્ટમાં બહાર આવશે. પરંતુ હકીકત એ છે કે ગિફ્ટ સિટીમાં એક કાર્યક્રમ ચાલતો હતો જેમાં ગુજરાતના તમામ મીડિયાના પત્રકારો હાજર હતા તે વખતે જ આગ લાગી તે કમનસિબ ઘટના છે.