મેરાન્યૂઝ નેટવર્ક, નવી દિલ્હી: કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ નાણામંત્રી અરુણ જેટલીના અસ્વસ્થ હોવા અને નાણા સચિવ હસમુખ અઢિયા કથિત રીતે રજા પર જવા સંબંધી એક અહેવાલનો હવાલો આપી ગત મંગળવારે સરકાર પર કટાક્ષ કર્યો હતો.

રાહુલ ગાંધીએ નાણામંત્રી અને સરકાર પર કટાક્ષ કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફથી નાણામંત્રી અરુણ જેટલીને સંબોધિત કરતો એક કાલ્પનિક પત્ર પોસ્ટ કર્યો હતો. જેમાં રાહુલ ગાંધીએ લખ્યું હતું કે, પ્રિય નાણા મંત્રી, તમે બીમાર છો અને નાણા સચિવ આંતરિક શાંતિ મેળવવા માટે પોતાના ગુરુ સાથે રજા પર છે. એવામાં મેં આગામી નોટિસ સુધી નાણા મંત્રાલયને બંધ કરવાનો નિર્ણય લીધો છે. વડાપ્રધાન કાર્યાલય પહેલાની જેમ નાણાકીય સ્થિતિ સાથે જોડાયેલા બધા નિર્ણય કરતુ રહેશે- વડાપ્રધાન.

રાહુલ ગાંધીએ આ ટીકા સાથે એક સમાચાર પણ પોસ્ટ કર્યો . જેમાં કહેવામાં આવ્યું છે કે કિડની સંબંધી બીમારીને કારણે જેટલી એક મહિનો કાર્યાલય નહીં જઇ શકે. આ અહેવાલમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે હસમુખ અઢિયાએ મૈસુરમાં યોગ અને વિપશ્યના માટે 20 મે સુધી રજા લઇ લીધી છે.