પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ, અમદાવાદ): તા 3 ઓક્ટોબર સવારનો સમય હતો. ગુજરાતની સૌથી ટ્રાફિક ધરાવતી ભીલાડ ચેક પોસ્ટના સ્ટાફ ટેક્સની રકમના 1.14 કરોડ રૂપિયા લઈ બેન્કમાં ભરવા જતા હતા. ત્યારે થોડાક જ દુર એક લીલા રંગની ક્વોલીસ કાર આવી, જેમાં પાંચ હથિયારધારી લૂંટારૂઓ હતા, તેમણે બંદુક તાકી આરટીઓના અધિકારીઓ પાસે રહેલો પૈસા ભરેલો થેલો આંચકી લીધો અને પળવારમાં તેઓ મુંબઈ તરફ ફરાર થઈ ગયા. આ ઘટના બાદ તરત વલસાડ પોલીસ ઘટના સ્થળે પહોંચી અને તપાસ શરૂ થઈ, પણ પોલીસ કઈ રીતે તપાસ કરી શકે અને પોલીસને કઈ રીતે થાપ આપી શકાય તે સારી જાણતા પોલીસ લૂંટારૂઓ વચ્ચે ચોર-પોલીસની રમત હજી ચાલુ છે.

પોલીસને પહેલી જાણકારી મળી કે લૂંટારૂઓ મુંબઈ તરફ ફરાર થયા છે. તેના કારણે ગુજરાત બહાર જતા તમામ નાકાઓ ઉપર નાકાબંધી કરી દેવામાં આવી. તમામ વાહનોને ચેક કર્યા પછી ગુજરાત બહાર જવા દેવામાં આવતા હતા, પણ લૂંટારૂઓ પણ ચાલાક હતા. તેમને પોલીસ નાકાબંધી કરશે તેની ખબર હતી માટે તેઓ ગુજરાત બહાર નિકળ્યા જ નહીં. લૂંટ કરી તેઓ દસ કિલોમીટર દુર ગયા અને વાપી હાઈવે ઉપર તેમણે પોતાની લીલારંગની ક્વોલીસ કાર છોડી દીધી. પોલીસને જ્યારે લીલા રંગની કાર મળી ત્યારે પોલીસે આસપાસ પૂછપરછ કરી તો જાણકારી મળી કે કુલ પાંચ લૂંટારૂઓ પૈકી ત્રણ યુવકોના હાથમાં થેલા હતા. તેઓ ચાલતા હાઈવે ઉપરથી નજીકમાં પસાર થતાં રેલવે ટ્રેક ઉપર જતા રહ્યા.

જ્યારે અન્ય બે યુવકો જેમની પાસે કોઈ સામાન ન્હોતો તે રોડ ક્રોસ કરી સામે તરફ ગયા અને ત્યાં ઈકો કાર ઉભી હતી, જેમાં બેસી તેઓ અમદાવાદ તરફ રવાના થયા હતા. આમ જે તરફ લૂંટ થઈ હતી તે જ દિશામાં બે લુંટારૂઓ પાછા ફર્યા. આ જાણકારીને આધારે પોલીસે પહેલા તો જ્યાં લીલા રંગની કાર છોડી તે વિસ્તારમાં કોમ્બીગ શરૂ કર્યુ અને એક ટીમ અમદાવાદ તરફ રવાના થઈ, પણ અમદાવાદ તરફ જવાનો માત્ર ડોળ હતો, તે પોલીસને બીજા રસ્તે દોરવા માગતા હતા. વાપીથી અમદાવાદ તરફ જવા નિકળેલી ઈકો કારમાંથી  બે લૂંટારૂઓ સાત કિલોમીટર દુર સ્વામિનારાયણ  મંદિર પાસે ઉતરી ચાલતા જતા રહ્યા હતા. આમ લુંટારૂઓ સતત પોતાના રસ્તાઓ અને વાહન બદલી પોલીસને ગુંચવી નાખવા માગતા હતા.

પોલીસને જે લીલા રંગની કાર મળી તેનો નંબર અંકલેશ્વરનો હતો, પણ તે નંબર ખોટો નિકળ્યો હતો. આરટીઓ અધિકારીઓએ કારની તપાસ કરતા ખબર પડી કે કાર લાંબા સમયથી ગેરેજમાં પડી રહી તેવી હતી, તેને લૂંટના કામે ઉપયોગમાં લેવા માટે જ તૈયાર કરવામાં આવી હતી. કાર ખુબ જુની હોવા છતાં તેના ચારે વ્હીલ નવા છે. પોલીસની તપાસમાં બહાર આવ્યુ કે આ કાર મહારાષ્ટ્રના એક ગેરેજમાં પડી રહી હતી, હવે પોલીસે મહારાષ્ટ્રમાં તપાસ શરૂ કરી છે કે કોણે ગેરેજમાંથી કાર ખરીદી હતી. આમ લૂંટનું આયોજન બહુ વ્યવસ્થિત અને જુના ગુનેગારોએ કર્યુ હોવાનું પોલીસને લાગી રહ્યુ છે. પોલીસને કેટલાંક સ્થળેથી સીસીટીવી ફુટેજ પણ મળ્યા છે. જેમાં લુંટારૂઓના ચહેરા ઉપર કોઈ પણ પ્રકારનો ડર પણ દેખાતો નથી.