મેરાન્યૂઝ નેટવર્ક.ગાંધીનગર: ગુજરાતમાં વર્ષે  ૧૫ લાખ જેટલા વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષામાં હાજર થાય છે જેમાં  ૨૦૧૭માં ૧૨માં ધોરણના આર્ટસ-કોમર્સ-સાયન્સ પ્રવાહમાં ૬.૪૪ લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને ૩.૯૪ લાખ વિદ્યાર્થીઓ પાસ થયા હતા અને આ ૪ લાખ જેટલા વિદ્યાર્થીઓ સરકારી વર્ગ-૩ની નોકરી માટે ક્વૉલીફાઈ થતાં હોય છે અને આ સ્થિતિમાં સરકાર માત્રને માત્ર ૭ હજાર જેટલા યુવાનોને નોકરી આપે છે.

આ આંકડા મુજબ અંદાજ લગાવી શકાય કે રાજ્યમાં છેલ્લા ૧૦ વર્ષમાં ૪૦ લાખ જેટલા વિદ્યાર્થીઓ ૧૨મુ ધોરણ એટલે કે HSC પરીક્ષા પાસ થયેલા હોય એ સરકાર દ્વારા બહાર પાડવામાં આવતી સરકારી નોકરીની જાહેરાત માટે અરજીઓ કરતાં હોય છે અને ઘણા કિસ્સામાં એક યુવક કે યુવતી આશરે ૩થી ૪ અરજીઓ કરતો હોય અને તેની ફી- પુસ્તક અને પરીક્ષાના ખર્ચના ભાગ રૂપે વર્ષે ૫ હજાર ખર્ચ કરતાં હોય છે અને આવા કિસ્સામાં જ્યારે અરજીકર્તાની ઉંમર મર્યાદા ૧૮થી ૩૦ વર્ષ (ખાસ કિસ્સામાં મોડી જાહેરાત આપવામાં આવે તો  વય મર્યાદામાં છૂટછાટ)

ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા પરેશ ધનાણી મુદ્દે જણાવ્યું કે, જે અમને વિધાનસભાના અતારાંકિત પ્રશ્નથી મળેલો ઓફિસિયલ જવાબ છે કે છેલ્લા બે વર્ષમાં રાજ્ય સરકાર દ્વારા માત્ર ૧૨ હજાર નોકરીઓ આપવામાં આવી અને જ્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી આ વાત સાથે જવાબ ન આપ્યો ત્યારે અમે સરકારને કહ્યું કે વાઈટ પેપર મુકો પણ હજી સુધી રોજગારી બાબતે સરકાર જવાબ આપી શકતી નથી.

રાજ્યમાં રાજ્ય સરકારની વર્ગ-૩/૪, સુરત મહાનગરપાલિકા, GSRTC અને અન્ય પરીક્ષાઓ માટે ૨૩,૭૫૫ જેટલી જગ્યાઓ બે વર્ષમાં બહાર પાડવામાં આવી જેમાં ૫૫.૩૬ લાખ અરજીઓ આવી છે. એટલે કે સરેરાશ માત્ર ૧ જગ્યા માટે ૨૩૩ અરજદારોની લાઈન તો છે જ અને બાકીના અરજદારો પરીક્ષા ફી- પુસ્તકો અને અન્ય ખર્ચા કરી માત્ર સરકારી નોકરીની રાહ જોતા રહે છે.