મેરાન્યૂઝ નેટવર્ક, રાજકોટ: ત્રંબામાં આવેલી આર. કે. યુનિવર્સિટી ગર્લ્સ હોસ્ટેલના રૂમમાં અંગ્રેજી વિષયની શિક્ષિકાએ ગળેફાંસો ખાઈ લીધો હતો. મૃતક યુવતી આ જ કોલેજમાં દિનદયાળ ઉપાધ્યાય ગ્રામકૌશલ યોજનામાં અંગ્રેજી વિષયના શિક્ષિકા તરીકે નોકરી કરતાં હતા. અઢી વર્ષ પૂર્વે તેણીના મોરબી ખાતે લગ્ન થયા હતા. પરંતુ છેલ્લા એકાદ વર્ષ કરતા વધુ સમયથી લગ્ન જીવનમાં મુશ્કેલી હોઈ તેણી અમરેલી પિતાના ઘરે રહેતી હતી. તેણીએ લગ્ન જીવનમાં ચાલી રહેલા અણબનાવને કારણે જીવતરનો અંત આણ્યો હોવાનું સુત્રોમાંથી જાણવા મળ્યું હતું.

બનાવની જાણવા મળેલી માહિતી મુજબ, 27 વર્ષીય પિનલબેન તરૂણભાઈ દેસાઇના અઢી વર્ષ પૂર્વે મોરબી ખાતે લગ્ન થયા હતા. એક વર્ષ કરતા વધુ સમયથી લગ્ન જીવનમાં ખટરાગ ચાલતા હોઈ તેણી અમરેલી ખાતે પોતાના પિતા મનસુખભાઇ બચુભાઇ કાવઠીયાને ઘરે રહેતા હતા. 6 મહિના અગાઉ ત્રંબાની આર. કે. યુનિવર્સિટીમાં દિનદયાળ ઉપાધ્યાય ગ્રામકૌશલ યોજનામાં અંગ્રેજીના શિક્ષીકા તરીકે નોકરી મળતાં તેણી અહિની હોસ્ટેલમાં જ રહેતા હતા. ગતસાંજે ગર્લ્સ હોસ્ટેલના બીજા માળે આવેલા રૂમમાં તેણીએ ગળેફાંસો ખાઈ લીધો હતો.
બનાવને પગલે 108ને જાણ કરાતા પાઇલોટે દરવાજો તોડી પિનલબેનને બહાર કાઢી બેભાન હાલતમાં વોકહોર્ટ હોસ્પિટલે ખસેડયા હતાં. જ્યાં ફરજ પરના તબીબે તેણીને મૃત જાહેર કર્યા હતાં. શિક્ષિકાએ ગળાફાંસો ખાવાનું કોઇ સ્પષ્ટ કારણ બહાર આવ્યું નથી. પરંતુ લગ્ન જીવન બરાબર ચાલ્યું ન હોઇ તેણીએ આ પગલુ ભર્યું હોવાનું સુત્રોમાંથી જાણવા મળ્યું હતું. પોલીસ પરિવારજનોના વિશેષ નિવેદન મૃતકની અંતિમવિધી બાદ નોંધશે. આપઘાત કરનાર પિનલબેનના પિતા અમરેલી એસબીઆઇમાં ફરજ બજાવતાં હોવાનું પોલીસ સુત્રોમાંથી જાણવા મળ્યું હતું.