મેરાન્યૂઝ નેટવર્ક, રાજકોટ: રાજ્ય સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલ ફી નિયમનના કાયદાનું યોગ્ય અમલીકરણ ન થતું હોવાનુ કહી રાજકોટ શહેર કોંગ્રેસ તેમજ જિલ્લા કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.. રાજકોટ શહેર,  જિલ્લા તેમજ યુથ કૉંગ્રેસના કાર્યકર્તાઓ અને આગેવાનો દ્વારા રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી પહોંચી ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. અને શિક્ષણ અધિકારીની ચેમ્બરમાં શિક્ષણમંત્રી હાય-હાય તેમજ ભાજપ સરકાર હાય-હાયના નારા લગાવવામાં આવ્યા હતા.

કોંગ્રેસ દ્વારા ખાનગી શાળાઓમાં ફી નિયમનના કાયદાનું યોગ્ય પાલન કરાવવા આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. કોંગી કાર્યકરો દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીની નેમ પ્લેટ તોડી રસ્તા રોકી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. એટલું જ નહીં શિક્ષણમંત્રીના પૂતળાનું દહન કરવાનો પ્રયાસ પણ કરાયો હતો. જો કે આ પહેલાં જ પોલીસ દ્વારા પૂતળું કબજે કરી લેવામાં આવ્યું હતું. કોંગ્રેસના આ કાર્યક્રમમાં પીડિત વાલીઓ સહિત મહિલાઓ પણ હાજર રહી હતી.