મેરાન્યૂઝ નેટવર્ક, નવી દિલ્હી: મોદી સરકારના રાજમાં આર્થિક મોર્ચે દેશને એક મોટો આંચકો લાગ્યો છે. દેશમાં એફડીઆઇ (પ્રત્યક્ષ વિદેશી રોકાણ)ના વૃદ્ધિ દરમાં ઘટાડો નોંધાયો છે. આંકડાઓ અનુસાર એફડીઆઇનો વૃદ્ધિ દર વર્ષ 2017-18માં ગત છેલ્લા પાંચ વર્ષના સૌથી નીચલા સ્તર પર પહોંચ્યો છે. ઇન્ડસ્ટ્રિયલ પોલિસી એન્ડ પ્રમોશન વિભાગના આંકડાઓ અનુસાર 2017-18માં એફડીઆઇ 3 ટકાના વૃદ્ધિ દરથી 44.85 બિલિયન ડોલર રહી. જ્યારે વર્ષ 2016-17માં આ એફડીઆઇનો વૃદ્ધિ દર 8.67 ટકા, 2015-16માં 29 ટકા અને 2014-15માં 27 ટકા હતો.

નિષ્ણાતોના જણાવ્યા અનુસાર દેશમાં ઘરેલુ રોકાણ વધવા અને બિઝનેસ કરવાના નિયમો સરળ બનાવ્યા વિના પ્રત્યક્ષ વિદેશી રોકાણમાં વૃદ્ધિ ઘણી મુશ્કેલ છે. મીડિયા રિપોર્ટ અનુસાર ડેલોઇટે ઇન્ડિયાના પાર્ટનર અનિલ તલરેજાનું કહેવું છે કે દેશના ગ્રાહકો અને રિટેલ ક્ષેત્રમાં એફડીઆઇ ઘટવાનું કારણ આ ક્ષેત્રોની અનિશ્ચિતતા અને જટિલતા છે. જો કે સરકાર તરફથી પ્રયાસ જારી છે, પરંતુ આંતરરાષ્ટ્રીય ગ્રાહકો અને રિટેલ કંપનીઓ હજુ પણ ભારતમાં રોકાણ કરવાથી ગભરાઇ રહી છે. ઉલ્લેખનીય છે કે મોદી સરકારે દેશમાં બિઝનેશ શરુ કરવાના નિયમ ઘણા સરળ કર્યા છે છતાં વિદેશી રોકાણકારોમાં તે ઉત્સુકતા પેદા થઇ શકી નથી કે તેઓ ભારતમાં રોકાણ કરે.

જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીના પ્રોફેસર વિશ્વજીત ધરના જણાવ્યા અનુસાર કોઈપણ દેશની એફડીઆઇમાં તે દેશના અર્થતંત્રની છબી દેખાય છે. છેલ્લા કેટલાક વર્ષોમાં આપણે ઘરેલુ રોકાણના સ્તર પર ઘણી ઉદાસીનતા જોઈ જેની અસર હવે એફડીઆઇ પર દેખાઇ રહી છે.

UNCTADના એક રિપોર્ટ અનુસાર ભારતમાં પ્રત્યક્ષ વિદેશી રોકાણ વર્ષ 2017માં 44 બિલિયન ડોલરની સરખામણીએ ઘટીને 40 બિલિયન ડોલર સુધી પહોંચ્યુ છે. આંકડાઓ અનુસાર ભારતમાં સૌથી વધુ વિદેશી રોકાણ સેવા ક્ષેત્ર (6.7 બિલિયન ડોલર) આવ્યું છે. ત્યાર બાદ કોમ્પ્યુટર સોફ્ટવેર અને હાર્ડવેર (6. 15 બિલિયન ડોલર), ટેલિકોમ્યુનિકેશન (6.21 બિલિયન ડોલર), ટ્રેડિંગ (4.34 બિલિયન ડોલર), કન્સ્ટ્રક્શન (2.73 બિલિયન ડોલર), ઓટોમોબાઇલ (2 બિલિયન ડોલર) અને ઉર્જા (1. 62 બિલિયન) ડોલર આવ્યું છે.

ભારતમાં સૌથી વિદેશી રોકાણ મોરેશિયસ (15.94 બિલિયન ડોલર) કરે છે. ત્યાર બાદ સિંગાપુર (12.18 બિલિયન ડોલર), નેધરલેન્ડ (2.8 બિલિયન ડોલર), અમેરિકા (2. 1 બિલિયન ડોલર) અને જાપાન (1. 61 બિલિયન ડોલર)નો નંબર આવે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આગામી સમયમાં ભારતમાં મોટા સ્તર પર વિદેશી રોકાણની જરૂર પડશે. વિદેશી રોકાણની મદદથી જ દેશમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ કરી શકાશે. પરંતુ વિદેશી રોકાણ ઘટતા ભારતના ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસના પ્રયાસોને આંચકો લાગી શકે છે.