મેરાન્યૂઝ નેટવર્ક.મોરબીઃ નર્મદાના પાણી મુદે મોરબી અને માળિયા પંથકના ખેડૂતોની અનેક રજૂઆત, ઉપવાસ આંદોલન, ધરણા બાદ પણ તંત્ર પાણી આપવામાં નિષ્ફળ જતા આજે ખેડૂતોએ ધીરજ ગુમાવી દીધી હતી અને શનિવારે વહેલી સવારે આંદરણા અને આસપાસના ૧૩ ગામના ખેડૂતો હળવદ મોરબી હાઇવે પર એકઠા થયા હતા અને રસ્તા પર ચક્કાજામ કર્યો હતો ખેડૂતોએ રામધુન બોલાવી મોરબી અને માળિયાની બ્રાંચ કેનાલમાં નર્મદાનું પાણી છોડવા માંગ કરી હતી.  

મોરબી અને માળિયા તાલુકાના ગ્રામ્ય પંથકમાં રવી પાક માટે નર્મદાના પાણીની માંગ સાથે ઉપવાસ આંદોલન અને ધરણા કરતા ખેડૂતોની ધીરજ ખૂટતા ધીમે ધીમે રસ્તા પર ઉતરી રહ્યા છે, આજે વહેલી સવારે મોરબી હળવદ રોડ પર આંદરણા ગામ પાસે એક સાથે ૧૩ ગામના ખેડૂતો આવી પહોચ્યા હતા અને મોરબી બ્રાંચ કેનાલમાં નર્મદાનું પાણી છોડવા માંગ સાથે ચક્કાજામ કર્યો હતો ખેડૂતો મજીરા હાર્મોનિયમ સહિતના સંગીત સાધનો લઈ રસ્તા પર બેસી ગયા હતા અને સરકાર અને વહીવટીતંત્રને ભગવાન સદબુધ્ધિ આપે તેવી પ્રાર્થના સાથે રામધુન બોલાવી હતી.ખેડૂતોના ચક્કાજામને પગલે બન્ને તરફ વાહનોનો થપ્પા લાગી ગયા હતા.ઘટનાની જાણ થતા મોરબી પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને ખેડૂતોને સમજાવવા પ્રયત્ન કર્યો હતો

માળિયા પંથકના 13 ગામોના ખેડૂતો છ દિવસથી ઉપવાસ પર 

માળિયા પંથકના 13 ગામોના ખેડૂતો છેલ્લા છ દિવસથી પાણી માટે ઉપવાસ પર ઉતર્યા છે રાજકોટ રેન્જ આઈ જી, ડીજીપી અને હોમ મીનીસ્ટરને રજુઆતો કરી છે કે ધાંગધ્રા અને માલવણ પાસે પાણીની ચોરી થઈ જવાથી માળિયા પંથકમાં એક ટીપું પણ પહોચતું નથી છતાં માળિયા નજીક એસ.આર.પી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે ત્યારે આ ખેડૂતોની માંગણી એવી છે કે માળિયા પંથકમાં પાણી પહોચતું જ નથી તો એસ.આર.પી બંદોબસ્ત શું કામનો ? ખેડૂતો પાણીની માંગ સાથે છેલ્લા 6 દિવસથી કેનાલ ઉપર ઉપવાસ પર બેઠા છે દરરોજ ૨૦૦ થી વધુ ખેડૂતો ઉપવાસ કરે છે છતાં હજુ સુધી તંત્ર દ્વારા કોઈ જ પગલા ભરવામાં આવ્યા નથી.