મેરાન્યૂઝ નેટવર્ક, રાજકોટ: તાજેતરમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ખેડૂતોના અકસ્માતે મૃત્યુમાં રૂપિયા 2 લાખનું વળતર આપવાની જાહેરાત કરી હતી. જેને લઈને ખેડૂતોમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે. તેમજ દારૂબંધી હોવા છતાં લઠ્ઠાકાંડમાં મોત થાય તેને પણ સરકાર દ્વારા રૂપિયા 4 લાખનું વળતર આપવામાં આવે છે. ત્યારે મહેનત કરનાર ખેડૂતોને મૃત્યુ બાદ માત્ર રૂ. 2  લાખ આપવાની વાત ખેડૂતોની મશ્કરી સમાન હોવાનું ખેડૂતો માની રહ્યા છે. તેમજ શાકભાજીના પોષણક્ષમ ભાવ માટે પણ અનેક રજૂઆતો થવા છતાં સરકાર દ્વારા કોઈ પગલાં લેવાતા નથી. 

ખેડૂતોના આ રોષનું પ્રદર્શન કરવા આજરોજ SPG ના કાર્યકરો અને ખેડૂતો શહેરના ભાવનગર હાઇ-વે પર મોલિયા મહીંકા ગામના પાટિયા પાસે મોટી સંખ્યામાં એકઠા થયા હતા. અને અનોખી રીતે પોતાનો વિરોધ દર્શાવ્યો હતો. ખેડૂતોએ રસ્તા પર શાકભાજી ફેંકી હાઇ-વે પર ચક્કાજામ કર્યો હતો. તેમજ રસ્તા પરના ખાડા પણ શાકભાજીથી બુરી દીધા હતા. આ તકે SPG આગેવાન અશ્વિન મોલિયાએ જણાવ્યું હતું કે, લાલજીભાઈએ આપેલા અલ્ટીમેટમને માત્ર 4 દિવસ બાકી છે. જો સરકાર દ્વારા ખેડૂતો માટે કોઈ પગલાં લેવામાં નહીં આવે તો આગામી સમયમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે.