મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ ખેડૂત ક્રાંતિ યાત્રાને લઈને દિલ્હી પહોંચેલા ખેડૂતોએ આખરે પોતાની માર્ચ પાછી લીધી છે. બુધવારે ખેડૂત નેતા નરેશ ટિકૈતએ તેનું એલાન કર્યું. માર્ચ પુર્ણ થયા બાદ ખેડૂત પોતાના પોતાના ગામ તરફ જવા લાગ્યા છે. મંગળવારે મોડી રાત્રે ખેડૂત માર્ચને દિલ્હીમાં એન્ટ્રી આપાઈ હતી. પોલીસને દિવસ ભરના બળપ્રયોગ બાદ રાત્રે પોલીસે નમતુ મુક્યું હતું. એન્ટ્રી બાદ તમામ ખેડૂતો કિસાન ઘાટ પર પહોંચ્યા ત્યાં જઈને હડતાળ પુરી કરી હતી.

દિલ્હી બોર્ડર પર પહોંચેલા ખેડૂતોને મોડી રાતે દિલ્હીમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી હતી. ખેડૂતો બસ, ટ્રેક્ટર અન્ય વાહનો સાથે કિસાન ઘાટ પહોંચ્યા હતા. આ પહેલાં ખેડૂતોને મંગળવારે ગાઝિયાબાદ-દિલ્હી બોર્ડર પર દિલ્હી ગેટ પાસે રોકી દેવામાં આવ્યા હતા. ભારતીય કિસાન યૂનિયન બેનર અંતર્ગત ખેડૂતોએ તેમની માગણીનો સ્વીકાર કરાવવા હરિદ્વારથી ટિકેત ઘાતથી 23 સપ્ટેમ્બરે કિસાન યાત્રાની શરૂઆત કરી હતી. આ યાત્રામાં યુપી સહિત સાત રાજ્યોના ખેડૂતો સામેલ થયા હતા.

માર્ચ પુર્ણ કરાવવા માટે સરકારે જાહેરાત કરી છે કે, મુખ્યમંત્રીની સમિતિ તેમની માગણીઓ વિશે વિચાર કરશે, પરંતુ ખેડૂતોને આ આશ્વાસનથી સંતોષ નથી. તેમણે કહ્યું હતું કે, તેઓ પૂરી તૈયારી સાથે આવ્યા છે અને માગણીનો સ્વીકાર નહીં થાય ત્યાં સુધી આંદોલન કરશે. આ પહેલાં સોમવારે રાતે યુપીના સીએમ યોગી આદિત્યનાથે ખેડૂતો સાથે મુલાકાત કરી યાત્રા ખતમ કરાવવાનો પ્રયત્ન કર્યો હતો. કોંગ્રેસ સહિત વિપક્ષી દળોએ ગાંધી જયંતિ પર ખેડૂતો વિરુદ્ધ અત્યાચાર કરાવવાનો કેન્દ્ર સરકાર પર આરોપ લગાવવામાં આવ્યો છે.