જયેશ મેવાડા (મેરાન્યૂઝ, ગાંધીનગર): ગુજરાત રાજ્યના ૪૩.૬ ટકા દેવાંદાર ખેડૂતોના દેવાં માફ કરવાનો ભાજપ સરકારે સ્પષ્ટ ઇન્કાર કરી દીધો છે. ત્યારે ખેડૂતોને પોષણક્ષમ ભાવો નહિ મળતા આર્થિક બેહાલીમાં ધકેલાઈ રહેલા ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે. જેમાં ગુજરાતમાં ખેડૂતો નબળી આર્થિક સ્થિતિ અને પાક નિષ્ફળ જવાનાં કારણે મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશ પછી સૌથી વધારે આત્મહત્યા કરી રહ્યા છે. ત્યારે સમગ્ર દેશમાં ૧૯૯૦થી શરૂ થયેલા ખેડુતોના દેવા માફીના અભિયાનમાં ૭૦ ટકા ખેતીવાડી લોન અને ક્રોપ લોન એક-એક લાખ રૂપિયાથી ઓછી છે. દેશમાં દેવાદાર ખેડૂતોની છેલ્લા ૨૮ વર્ષમાં ૪ લાખ કરોડ જેટલી લોન માફ કરવામાં આવી છે. જયારે આ પછી ખેડૂતોએ લીધેલી કુલ ૧૫ લાખ કરોડ જેટલી લોન હવે માફ કરવામાં આવે તો તેનાથી દેશના જીડીપી પર ૨.૭ ટકા જેટલી અસર પડે તેમ છે.
      
સમગ્ર દેશમાં ખેડૂતોનું રૂપિયા એક લાખ સુધીનું દેવું માફ કરવામાં આવે તો, ૪.૫ લાખ કરોડ રૂપિયા એગ્રીકલ્ચર લોનનો બોજ પડે તેમ છે. જયારે સીમાંત અને નાના ખેડૂતોએ રૂપિયા ૨.૨ લાખ કરોડ રૂપિયાની લોન લીધી છે. જયારે પાક વીમા લોન રૂપિયા ૩.૩ કરોડ જેટલી છે. એ જ રીતે સીમાંત અને નાના ખેડૂતોની ૧.૭ કરોડ જેટલી ક્રોપ લોન છે. સમગ્ર દેશમાં ખેડૂતોની કુલ ખેતીવાડી લોન રૂપિયા ૮.૯ લાખ કરોડ છે. જયારે ૬ લાખ કરોડ ક્રોપ લોન છે. આ સમગ્ર લોન જીડીપીના ૨.૭ ટકા જેટલી છે.
      
ગુજરાત રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા ૫૮.૭૧ ટકા જેટલા પરિવારોમાંથી ૪૦ ટકા પરિવારો ખેતી પર નભે છે. તેમાં ૧૯.૫૬ લાખ પરિવારો અન્ય પછત વર્ગના, ૧૦.૩૦ લાખ પરિવારો આદિજાતિ, ૭.૯૧ પરિવારો અન્ય સામાજિક જાતી તેમજ ૧.૫૨ લાખ પરિવારો અનુસુચિત જાતીનાં પરિવારોનો સમાવેશ થાય છે. ગુજરાત રાજ્યના ખેડૂતની સરેરાશ માસિક આવક ૭૯૨૬ રૂપિયા જ છે. તે પ્રમાણે ખેડૂતની વાર્ષિક આવક ૯૫૧૧૨ છે. જે વધીને રૂપિયા ૧.૧૨ લાખ થઇ હોવાનો રાજ્ય સરકાર દ્ધ્રારા તાજેતરમાં કરવામાં આવ્યો છે.

ખેડૂતોને થતી આ આવકમાંથી મજૂરીમાંથી રૂપિયા ૨૪૦૦, ખેતીમાંથી ૩૦૦૦, પશુપાલનમાંથી ૨૦૦૦ અને બિનખેતીની પ્રવૃતિમાંથી માત્ર ૪૦૦ રૂપિયા જેટલી જ આવક થાય છે. ખેડૂતોને થતી આ આવકમાં ૭૬૦૦ જેટલા માસિક ખર્ચ ઉપરાંત ખેતીના પાક તેમજ પશુપાલન પાછળ અંદાજે ૫૦૦૦ રૂપિયા જેટલો ખર્ચ થાય છે. આ ખર્ચ પછી પણ જો યોગ્ય પોષણક્ષમ ભાવો મળતા ના હોય તો દેવાદાર ખેડૂતો દુર્દશામાં ધકેલાઈ રહ્યા છે.

સત્તાનું રાજકારણ કહો કે વોટ બેંકની ગણતરી હોય...મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાન સાથે આસામમાં ખેડૂતોના દેવાં માફ કરવામાં આવ્યા છે. આ પહેલા ઉત્તર પ્રદેશ અને કર્ણાટક પણ ખેડૂતોના દેવાં માફ કરી ચુક્યા છે. જેના કારણે લોકસભાની આગામી ચુંટણીમાં ખેડુતોનાં દેવાં માફીનો મુદ્દો મુખ્ય બની રહેશે. એટલે જ કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે, ખેડૂતોના દેવાં માફ નહી થાય ત્યાં સુધી વડાપ્રધાનને ઊંઘવા નહિ દઈએ. ગુજરાત સહીત સમગ્ર દેશના ખેડૂતો આર્થિક બેહાલીમાં હોવાની ચિંતાજનક બાબત છે. પરંતુ આ દેવાં માફીથી ખેડૂતો માટે અચ્છે દિન આવશે કે કેમ તે એક પ્રશ્ન છે ત્યારે ચિંતા એ પણ કરવાની છે કે આ દેવાં માફીથી આપણા અર્થતંત્ર પર કેવી અને કેટલી અસર થશે.