મેરાન્યૂઝ નેટવર્ક, બેંગાલુરુ: તાજેતરમાં ગુજરાતના ગાંધીનગર સ્થિત ભાજપના કાર્યાલય કમલમમાં ભાજપ સમર્થિત સરપંચોના કાર્યક્રમમાં એક સરપંચે ભાજપની નીતિઓનો વિરોધ કર્યો હતો તેવો જ માહોલ અમિત શાહ સમક્ષ કર્ણાટકમાં જોવા મળ્યો છે.

કર્ણાટકમાં યોજાનાર વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખતા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ રાજ્યના પ્રવાસે છે. આ ક્રમમાં અમિત શાહ ગઇકાલ રવિવારે કર્ણાટકના હૂમનાબાદમાં શેરડીના ખેડૂતો સાથે મુલાકાત કરી રહ્યા હતા. જો કે આ કાર્યક્રમ દરમિયાન એક ખેડૂત દ્વારા અમિત શાહ સમક્ષ ખેડૂતોની કથળેલી સ્થિતિની રજૂઆત કરાતા સમગ્ર કાર્યક્રમમાં હંગામો મચી ગયો હતો અને ત્યા હાજર ભાજપ સમર્થિત ખેડૂતોએ તે ખેડૂતના હાથમાં માઇક ઝૂંટવી લઇ તેના સાથે ઘક્કામુક્કી કરી હતી.

ઘટના એવી છે કે અમિત શાહ જ્યારે ખેડૂતો સાથે સંવાદ કરી રહ્યા હતા ત્યારે લગભગ 14 મિનિટનો કાર્યક્રમ થયો હશે અને એક ખેડૂત ઉભો થયો અને તેણે ખેડૂતોની ખરાબ સ્થિતિ પર અમિત શાહને સવાલો કર્યા. પરંતુ ત્યા હાજર ભાજપ સમર્થિત ખેડૂતોએ તેના હાથમાંથી માઇક છીનવી લીધુ હતું. કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરાયો છે કે આ ખેડૂત સાથે ધક્કામુક્કી અને મારઝૂડ પણ કરવામાં આવી. બગડેલી સ્થિતિને જોઈ ગયેલા અમિત શાહે મંચ પરથી  વારંવાર અપીલ કરી હતી કે ભાઇ આવી રીતે સંવાદ ન થાય. બેસી જાવ ભાઇ.

અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં ગુજરાતમાં સરપંચોની ચૂંટણી યોજાઇ હતી. જ્યાર બાદ ભાજપે પોતાના પક્ષના સમર્થિત સરપંચોનું એક સંમેલન ગાંધીનગર સ્થિત કમલમ ખાતે બોલાવ્યુ હતું. આ દરમિયાન પણ માળિયાના એક સરપંચે સરકારની ખેડૂત વિરોધી નીતિઓની ટીકા કરતા સરપંચને સિક્યોરિટી ગાર્ડ દ્વારા પકડીને સંમેલનની બહાર લઇ જવામાં આવ્યા હતા. આવી સ્થિતિ હવે કર્ણાટકમાં જોવા મળી છે.  

આ ઘટનાના સંદર્ભનો વીડિયો કર્ણાટક કોંગ્રેસના ઓફિસિયલ ટ્વિટર પેજ પરથી સાભાર લેવામાં આવ્યો છે.