મેરાન્યૂઝ નેટવર્ક, જામનગર: જામનગર જીલ્લાના ધ્રોલ પંથકના દેડકદળ ગામે એક વૃદ્ધ ખેડૂતે ગળાફાસો ખાઈ આપઘાત કરી લીધો હતો. પોલીસે આ મામલે તપાસ હાથ ધરી હતી જેમાં પોલીસને સુસાઇડ નોટ મળી છે જેમાં ખેડૂતો દેવુ વધી જતા અને વ્યાજખોરોના ત્રાસથી આત્મહત્યા કરી હોવાનું જણાવ્યું છે.

જામનગર જીલ્લાના કાલાવડ તાલુકાના મછલીવડ ગામે રહેતા એક ખેડૂતે ચોમાસા પૂર્વે કરેલા આપઘાત બાદ ગઈ કાલે ધ્રોલ પંથકમાંથી એક બનાવ સામે આવ્યો છે. જેમાં તાલુકાના દેડકદળ ગામના અને એસટી વિભાગમાં કંડકટર તરીકે ફરજ બજાવી નિવૃત થયા બાદ દેવસિંહ ભગવતસિંહ જાડેજા પોતાના પરંપરાગત ખેતીના વ્યવસાય સાથે જોડાયા હતા. આ વરસે અપૂરતા વરસાદ વચ્ચે સપ્તાહ પૂર્વે તેઓએ વાવેતર કર્યું હતું. દરમિયાન વરસાદ ચાર-પાંચ દિવસ ખેચાતા ખેડૂત દેવસિંહને ચિંતા થવા લાગી હતી. ઉપરાંત કુટુંબના તથા ગામમા કહેતા હતા કે આપણા ખેતરમાં વાવેતર કરેલ છે. પરંતુ વરસાદ આવેલ ન હોય જેથી આ વર્ષે કાઇ વળતર મળશે નહી. તો બીજી તરફ તેઓ વ્યાજખોરોના વિષચક્રમાં પણ ફસાયેલ હતા. તેમણે આ અંગે સુસાઇડ નોટમા ઉલ્લેખ કરી ગળે ફાંસો ખાઇ લીધો હતો. પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથધરી છે.