મેરાન્યૂઝ નેટવર્ક, મુંબઇ: ગુજરાતમાં સોહરાબુદ્દીન શેખના એન્કાઉન્ટર કેસની સુનાવણી કરતા જજ લોયાના શંકાસ્પદ મૃત્યોનો મામલે વધુ ઘેરો બનતો જાય છે. હવે આ મામલે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ફડણવીસના ભત્રીજા પર ધમકી આપવાનો આક્ષેપ લાગ્યો છે. જજ લોયા મામલે વકીલ સતીશ ઉકેના મિત્ર અને આસિસ્ટન્ટ વકીલ અભિયાન બરાહાતેને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડવણીસના ભત્રીજા સંજય ફડણવીસ વિરૂદ્ધ એફઆઇઆર નોંધાવી છે. સંજય ફડણવીસ પર અભિયાન બરાહાતેને ફોન પર ધમકી આપવાનો આક્ષેપ છે. અત્રે ઉલ્લેખનીય છે કે વકીલ અભિયાન બરાહાતે જસ્ટિસ લોયાના શંકાસ્પદ મોત અંગેના પુરાવાઓ એકત્ર કરી રહ્યા છે.  

વકીલ અભિયાને આક્ષેપ કર્યા છે કે સંજયે તેમને ફોન કરી ખરાબ પરિણામ ભોગવવાની ધમકી આપી છે. આ મામલે ફોન કોલ સાથે સંકળાયેલ માહિતી પણ પોલીસને આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ મામલે મહારાષ્ટ્રની ભાજપ સરકાર પર પક્ષપાતનો આક્ષેપ લગાવવામાં આવી રહ્યો છે. જ્યારે જજ લોયાનું મૃત્યુ થયુ ત્યારે તેઓ મહારાષ્ટ્રમાં જ હતા. મહારાષ્ટ્ર સરકારે તેમના મોત સંબંધિત જે રિપોર્ટ સુપ્રીમ કોર્ટમાં જમા કરાવ્યા તેમાં પણ ઘણી ક્ષતિઓ જોવા મળી છે. આ સિવાય આ મામલે સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે પણ કહ્યું હતુ કે નાગપુરમાં જજ લોયાના મોત બાદ પોલીસે યોગ્ય રીતે તપાસ કરી નથી. તપાસ પ્રક્રિયામાં ગુનાની કલમ 174નું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે અમિત શાહ સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં આરોપી હતા અને આ કેસની સુનાવણી જસ્ટિસ લોયા કરી રહ્યા હતાં. આ મામલે કોર્ટની સુનાવણી દરમિયાન અમિત શાહ હાજર ન રહેતા જસ્ટિસ લોયાએ અમિત શાહની ઝાટકણી કાઢી હતી અને આગામી સુનાવણી 15 ડિસેમ્બર 2014ના રોજ નક્કી કરી હતી. પરંતુ 1 ડિસેમ્બરે જજ લોયાનું શંકાસ્પદ મોત થયુ. જ્યાર બાદ જજ એમબી ગોસવીએ આ કેસની સુનાવણી શરુ કરી અને અમિત શાહને નિર્દોષ જાહેર કરાયા.

આ મામલે જજ લોયાની બહેન અનુરાધા બિયાનીએ ‘ધ કૈરાવાના’ પત્રિકાને આપેલ ઇન્ટર્વ્યુમાં જજ લોયાના મોત પર શંકા વ્યક્ત કરી હતી અને સોહરાબુદ્દીન કેસમાં સુનાવણી માટે આરોપીઓના પક્ષમા નિર્ણય આપવા માટે 100 કરોડ રૂપિયાની લાંચ આપવાની ઓફર થયાની વાત કરી હતી.