પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.અમદાવાદ): ભાજપના કચ્છના બે નેતાઓની લડાઈ  હત્યા સુધી પરિણમશે તેવી કોઈને કલ્પના ન્હોતી. સેક્સ  સીડીથી શરૂ થયેલી આ લડાઈ હત્યા સુધી પહોંચી હતી. આ મામલે તપાસ કરી રહેલી પોલીસ હત્યાના તથ્ય  સુધી પહોંચી છે, પરંતુ આ કેસના માસ્ટર માઈન્ડ અને વિદેશ ફરાર થઈ ગયેલા છબીલ પટેલને કદાચ ગુજરાત પોલીસ ક્યારે પકડી શકશે તે કહેવું મુશ્કેલ છે.

અમદાવાદના નરોડા વિસ્તારમાં સામાન્ય બરદાનની દુકાન ચલાવતા જયંતિ ભાનુશાળીનું નસીબ 2007માં બદલાયું કારણ ભાજપે ભાનુશાળીને કચ્છના અબડાસા બેઠક  ઉપરથી ટિકિટ આપી અને ભાનુશાળી બહુ ટૂંકા ગાળામાં કરોડોનો આસામી થઈ ગયા, જો કે શ્રીમંત થવાની દોડમાં ભાનુશાળીએ તમામ નિયમો નેવે મુક્યા અને વાપીની સ્ત્રી મિત્ર મનીષા ગોસ્વામીની મદદ લઇ અનેક અધિકારીઓ અને રાજનેતાની સીડીઓ બનાવી હતી. જો કે પોતાનો ઉપયોગ કરી ભાનુશાળી કરોડો કમાય છે પણ પોતાને નાનો હિસ્સો મળે છે તેવી લાગણી થતાં મનીષાએ ભાનુશાળીના ભત્રીજા સુનિલની સીડી બનાવી મોટી રકમ માંગી હતી.

આમ ભાનુશાળી સામે હવે તેનું જ હથિયાર તકાયું હતું, પરંતુ જયંતિએ પોતાની વગનો ઉપયોગ કરી મનીષા સામે અમદાવાદમાં પોલીસ કેસ કરી તેને જેલમાં મોકલી આપી હતી. આ દરમિયાન જયંતિએ ઘણા  દુશ્મન ઊભા કર્યા હતા. જેમાં ભાજપના જ નેતા છબીલ પટેલ પણ હતા, 2012માં કોંગ્રેસ છોડી ભાજપમાં આવેલા છબીલ પટેલને ભાજપે અબડાસાએની ટિકિટ આપી હતી. 2012માં તો છબીલ ચૂંટાયા પણ 2017માં હારી ગયા. છબીલ માની રહ્યા હતા કે જયંતિએ તેમને  હરાવ્યા છે જેના કારણે છબીલ બદલો લેવા માટે  ફરી રહ્યા હતા.

છબીલ પટેલે સાબરમતી જેલમાં રહેલી મનીષાનો સંપર્ક કરી જયંતિ ખોટા ધંધાની માહિતી મેળવી હતી અને મનીષાના જામીન થાય તે માટે મદદ કરી હતી. જયંતિનું રાજકારણ પૂરું કરવા માટે છબીલ દ્વારા એક યુવતીને તૈયાર કરી દુષ્કર્મનો કેસ જયંતિ વિરુદ્ધ કરાવ્યો પણ કેસ થતા જયંતિ  છબીલના શરણે  આવી ગયો અને સમાધાન પેટે  કાયમ માટે રાજકારણ  છોડી દેવાની ખાતરી આપી હતી.

સામાન્ય નજરે દેખાતું આ સમાધાન ખરેખર સમાધાન ન્હોતું. જ્યંતિની સામેની ફરિયાદ રદ થયા પછી જયંતિએ નવો દાવ ચાલ્યો અને છબીલ પટેલ સામે દિલ્હીમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાઇ હતી. જેના કારણે છબીલને દિવસો સુધી ભાગતા રહેવું પડયું હતું. આ ઘટના પછી છબીલે નક્કી કર્યું હતું કે તે હવે જયંતિને જીવતો રહેવા દેશે નહીં અને ત્યારે હત્યા કરવાનો  મનસૂબો બનાવી લીધો હતો.

છબીલ અને મનીષા પોતાના દુશ્મનને ખતમ થવા માટે એક થયા અને જયંતિનું કામ તમામ કરી નાખ્યું હતું.