જયેશ શાહ (મેરાન્યૂઝ.કચ્છ): સોમવારે સવારે જ્યારે કચ્છના ક્રીક એરિયામાંથી બોટમાં સવાર બે પાકિસ્તાની ઝડપાયા અને નવ ભાગી ગયા ત્યારે કચ્છ સ્થિત વિવિધ ઇન્ટેલિજન્સ એજન્સી તથા બોર્ડર સિક્યોરિટી સાથે સંકળાયેલા તમામ લોકો ચોંકી ઉઠયા કે આટલી ગંભીર બેદરકારી કેવી રીતે હોય શકે. પરંતું તેનાથી પણ વધુ ગંભીર કહી શકાય તેવી સીમા સુરક્ષા સંબંધી વાતો ધીમે ધીમે બહાર આવી રહી છે. જેમાં સૌથી વધુ ચોંકાવનારી વાત એવી બહાર આવી છે કે, પાકિસ્તાની ઘૂસણખોરો કચ્છનાં ક્રીક એરિયામાં છેલ્લા એક અઠવાડિયાથી ફરી રહ્યા હતા. બોટ સાથે ફરતા આ નાપાક તત્વો ઇન્ડિયન એરફોર્સના એરિયલ સર્વેલન્સમાં જોવા મળ્યા હતા અને ત્યારબાદ બીએસએફને તરત જ સૂચના આપવામાં આવી હતી અને તે પછી હાથ ધરવામાં આવેલા ઓપરેશનમાં તેમને પકડી લેવામાં આવ્યા હતા. જો કે તેમાં પણ નવ પાકિસ્તાની ભાગી જવામાં સફળ રહ્યા હતા.

સોમવારે પકડાયેલા બે નાપાક શખ્સની પૂછપરછમાં એવો ખુલાસો થયો છે કે ભાગી ગયેલા નવ સહિતનાં કુલ 11 પાકિસ્તાની છેલ્લા એક અઠવાડિયાથી કચ્છનાં ક્રીક એરિયામાં ભારતીય માછીમારોની જેમ ફરી રહ્યા હતા. માત્ર એટલું જ નહીં પરંતું આ લોકો કચ્છનાં કોટેશ્વર મંદીરથી માત્ર પાંચેક કિલોમીટર દુર આવેલી સાવલા પીરની દરગાહ ઉપર પણ માથુ ટેક્વી આવ્યા હતા. સાતેક દિવસથી કચ્છના ક્રીક એરિયામાં ફરી રહેલી પાકિસ્તાની બોટ તથા નાપાક તત્વોની મુવમેન્ટ ભારતીય હવાઈદળના એરિયલ સર્વેલન્સમાં આવી જતા એરફોર્સના અધિકારીઓ પણ ચોંકી ઉઠયા હતા. કચ્છના નલિયામાં આવેલા એરબેજમા ઇન્ડિયન એરફોર્સનો એક કંટ્રોલરૂમ આવેલો છે. જ્યાંથી કચ્છની ક્રીક સીમા ઉપરાંત અન્ય સંવેદનશીલ જગ્યાઓ ઉપર ડ્રોન તથા માનવ વિહોણા વિમાન (યુએવી) દ્વારા રાત દિવસ નજર રાખવામાં આવતી હોય છે. જેને લીધી ઘુસણખોરીની આ ગંભીર કહી શકાય તેવી ઘટના પકડાય હતી. અને બીએસએફની ઇન્ટેલ એજન્સી જી બ્રાન્ચના અધિકારીઓની નબળાઈ પણ બહાર આવી છે.

છેલ્લા કેટલાક સમયથી કચ્છની રણ તથા સમુદ્રી સીમા ઉપર દુશ્મન દેશ પાકિસ્તાનની હરકતો વધી રહી છે. બોર્ડર ક્રોસ કરીને સામે પારથી ઘુસણખોરી ઉપરાંત ડ્રગ્સની કરોડો રૂપિયાની ખેપ વધી છે તેની પાછળ કચ્છમાં આવેલી વિવિધ ઇન્ટેલિજન્સ એજન્સી વચ્ચેનું નબળા સંકલનની સાથે સાથે બીએસએફની ગુપ્તચર શાખા એવી 'જી' બ્રાન્ચની સિક્યોરિટી ખામીઓ ખુલીને સામે આવી રહી છે.