મેરાન્યૂઝ નેટવર્ક, ઇસ્લામાબાદ: પાકિસ્તાનના ભૂતપૂર્વ ગૃહમંત્રી અને સેનેટર રહમાન મલિકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ટીકા કરી છે તથા લાઇવ ડિબેટ માટે પડકાર ફેંક્યો છે. રહમાને મલિકે ટ્વિટ કરીને કહ્યું કે, હું સાબિત કરી દઇશ કે તમે આતંકી છો અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) અને પાકિસાન વિરોધી માનસિકતાનું સમર્થન કરો છો.

રહમાન મલિકે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની પ્રશંસા કરતા કહ્યું કે રાહુલ ગાંધી ભારતના આગામી વડાપ્રધાન બનશે. એટલું  જ નહીં રાફેલ મુદ્દે વડાપ્રધાન મોદીની ઝાટકણી કાઢતા રાહુલ ગાંધીની વીડિયો ક્લિપ પણ રહમાન મલિકે શેર કરી છે.

રહમાન મલિકે ટ્વિટમાં કહ્યું કે મોદીનું સમગ્ર ધ્યાન આગામી લોકસભા ચૂંટણી પર છે. જો દક્ષિણ એશિયાની શાંતિને જોખમમાં મુકવી પડે તો તેમને (મોદીને) કોઈ ફેર નહીં પડે. મોદી ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ ઉભી કરવા માગે છે અને પોતાની પાકિસ્તાન વિરોધી છબી બનાવીને મતદારોના વોટ હાંસલ કરવા માગે છે. મને આશા છે કે મોદી લાઇવ ડિબેટ કરવાનો પડકાર સ્વિકારશે. હું તેમને આ મામલે પત્ર પણ લખીશ જેથી તેઓ મારો સામનો કરો.  રહમાન મલિકે કહ્યું કે રાહુલ ગાંધી તમારા (ભારતના) આગામી વડાપ્રધાન બનશે. મેં રાહુલ ગાંધીના ભાષણનો વીડિયો પણ પોસ્ટ કર્યો છે.  

રહમાન મલિકના આ નિવેદન બાદ ભાજપ દ્વારા રાહુલ ગાંધીની ટીકા કરતા કહેવામાં આવ્યું કે પાકિસ્તાનમાંથી રાહુલ ગાંધીનો પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ભારત ઇચ્છે છે મોદી આગળ વધે જ્યારે પાકિસ્તાન ઇચ્છે છે કે રાહુલ ગાંધી આગળ વધે.