પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ, અમદાવાદ):  હમણાં અમદાવાદના રસ્તા ઉપર પસાર થતાં વાહનો કયાં રોકાયા વગર સડસડાટ દોડી રહ્યા છે, દરેક વાહન ચાલકના ચહેરા ઉપર એક પ્રકારની પ્રસન્નતા છે, બે અમદાવાદીઓ વાત કરે છે ત્યારે  શહેર કેવુ બદલાઈ ગયુ અને શહેર કેવુ સુધરી ગયુ છે તેની જ ચર્ચા કરે છે. શહેરમાં થયેલા આ દેખીતા સુધારાનું શ્રેય બધા અમદાવાદના પોલીસ કમિશનર એ કે સિંગ અને મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાને આપી રહ્યા છે. પણ શહેરમાં થયેલો સુધારોનો આનંદ સમાજના તમામ વર્ગને થવો જોઈએ, પણ તેવુ થયુ નથી, શહેર બદલાયુ તેનો ઉત્સાહ શહેરના ઉચ્ચ મધ્યમ અને શ્રીમંતોના ચહેરા ઉપર જ દેખાઈ રહ્યો છે, સમાજનો એક વર્ગ જેનો પણ સુધારો જોઈએ પણ તે છેલ્લાં કેટલાય દિવસથી મુંઝવણમાં મુકાઈ ગયો છે, તેને રોજ સવાર પડે અને ફાળ પડે છે આજે હવે શુ કરીશ.

ગુજરાત હાઈકોર્ટે શહેરની કથળેલી ટ્રાફિક વ્યવસ્થા અને ટ્રાફિકની સમસ્યા માટે અમદાવાદ પોલીસ કમિશનર અે મ્યુનિસિપલ કમિશનરને બોલાવી ઠપકો આપ્યો હતો, બસ તે દિવસથી અમદાવાદ પોલીસ અને મ્યુનિસિપલ અધિકારીઓ રસ્તા ઉપર ઉતરી ગયા, શહેરના રસ્તા ઉપર લારી અને ખુમચા લઈ ઉભા રહેતા લોકોની સ્થિતિ ગરીબના બૈરા જેવી હોય છે, જયારે પણ તંત્ર ઉપર દબાણ વધે કે શહેરની સ્થિતિ આવી કેમ તો તરત તંત્ર સૌથી પહેલા ગરીબ માણસોની લારીઓને નિશાન બનાવે છે, શહેરની ટ્રાફિક અને પાર્કિગની સમસ્યામાં રસ્તાની બાજુમાં ઉભી રહેતી લારીઓ પણ એક કારણ છે, પણ તે મુખ્ય કારણ નથી, પણ તંત્ર અને શહેરીઓ માને છે કે તેમની જીંદગી લારીઓવાળાઓએ જ ખરાબ કરી નાખી છે.

અમદાવાવાદ શહેરનો દેખીતો વિકાસ થયો તેની અંદર અનેક બહુમાળી ઈમારતો પણ ઉભી છે, જેની પાસે પાર્કિગની વ્યવસ્થા નથી, જેના કારણે ઈમારતના લોકો અને ઈમારતમાં આવતા મુલાકાતીઓ રસ્તા ઉપર પોતાના વાહન પાર્ક કરે છે, પણ તંત્રનો અથોડો કયારે પાર્કિગમાં બની ગયેલી દુકાનો ઉપર પડતો નથી કારણ હવે તે દુકાન કોઈ શ્રીમંતની અથવા બ્રાન્ડેડ કંપનીની છે, તંત્ર કયારેય ગેરકાયદે બાંધકામ કરનાર બીલ્ડરને પકડી ફોજદારી ધારા પ્રમાણે તેને જેલમાં ધકેલી દેતુ નથી કારણ બીલ્ડર પોતે રાજકારણી છે અથવા તે રાજકારણીની નજીકનો છે, પણ એક લારીવાળો અને ખુમચાવાળો જેને પોતાના વિસ્તારનો કોર્પોરેટર સુધ્ધા ઓળખતો નથી, તેની સામે તંત્ર ડંડા પછાડે છે.

અમદાવાદ શહેરમાં લગભગ પાંચ લાખ લોકો રસ્તા ઉપર ધંધો કરી પોતાનો ચુલો સળગાવે છે, છેલ્લાં કેટલાય દિવસોથી તેમનો ધંધો બંધ છે, જયારે લારીવાળાની વાત આવે ત્યારે તરત શહેરનો મધ્યમ વર્ગ અને શ્રીમંત કહે છે, કોઈને રસ્તા ઉપર ધંધો થોડો કરવા દેવાય.. સાચી વાત છે કોઈએ પણ રસ્તા ઉપર ધંધો કરવો જોઈએ નહીં, કોઈ પણ લારીવાળાને ગાળો બોલતા પોલીસવાળાની ગાળો પસંદ નથી અને કોર્પોરેશનની દબાણ ખાતાની લારીઓ જોઈ લારીઓ સાથે કુતરાને જેમ ભાગવુ પડે તે પણ ગમતુ નથી, છતાં તે પોલીસની ગાળો, સ્થાનિક ગુંડાોના હપ્તા અને  કોર્પોરેશન અધિકારીઓને કનડતા સહન કરી રસ્તા ઉપર ધંધો કરે છે, કારણ તેની પાસે દુકાન ખરીદવાના પૈસા નથી, તેની પાસે એટલુ શિક્ષણ પણ નથી કે નાની મોટી નોકરી પણ મળી જાય.

એક જ લીટીમાં આપણે આપણી કારને ખુલ્લા રસ્તા મળે તે માટે કહીએ દઈએ શહેરમાં લારીઓ તો જોઈએ જ નહીં, પણ આવુ બોલતા પહેલા એક વખત વિચાર કરવાની જરૂર છે, લારીઓ જતી રહેશે તો આપણે જે કીટલી ઉપર ઉભા રહી સાત-આઠ રૂપિયાની ચ્હા પી જઈએ છી, તે ચ્હા આપણને રેસ્ટોરન્ટમાં પચ્ચીસ રૂપિયાની મળવાની છે, રસ્તા ઉપર પંદર-વીસ રૂપિયાનો વડાપાવ ખાઈ લઈએ છીએ તે બંધ થઈ જવાનો છે, આવી આપણી નાની નાની અનેક જરૂરિયાત છે જે સાવ સામાન્ય ખર્ચમાં આપણને મળી જાય છે તેની ઉંચી કિમંત ચુકવી પડશે, આપણા સ્વાર્થની સાથે તે ગરીબ માણસને મા-બાપ, પત્ની અને બાળકો છે તે કેવી રીતે જીવશે તેની કલ્પના પણ કરી જોવાની જરૂર છે.

લારીવાળા રસ્તા ઉપર ઉભા રહેશે નહીં, પણ તેમણે કયાં ઉભા રહેવુ તે તો તંત્રએ કહેવુ પડશે, અથવા તેમના ધંધાને કારણે શહેર પરેશાન થાય નહીં, અને તેમને તંત્ર પરેશાન કરે નહીં તેવી વ્યવસ્થા પણ ઉભી કરવી પડશે, વર્ષો પહેલા નર્મદા બંધને કારણે હજારો લોકો વિસ્થાપિત થતાં હતા, ત્યારે સમાજનો એક મોટો વર્ગ કહેતો કે વિકાસ થાય ત્યારે કઈક જતુ કરવુ પડે, પણ આ વર્ગના બંગલા બગીચાની દિવાલ રસ્તો પહોળો કરવા માટે થોડીક અંદર લેવી પડે ત્યારે તેમના ધોરણો બદલાઈ જતા હોય છે.વિકાસ તમામ થવો જોઈએ, આપણે ત્યાં શ્રીમંત વધુ શ્રીમંત થઈ રહ્યો છે અને ગરીબ કુતરા કરતા વધુ ખરાબ જીંદગી જીવે તેવી સ્થિતિ નિર્માણ થઈ રહી છે.

શહેરના ખુલ્લા રસ્તા જોઈ જે લોકો ખુશ થઈ રહ્યા છે તેમને અંદાજ નથી, કે શહેરના જે પાંચ લાખ લોકોના ચુલા સળગતા બંધ થઈ ગયા છે તે રસ્તા ઉપર ઉતરી જશે તો ઘણા અનર્થો સર્જાશે... વિકાસ નામે આપણે જે દિશા પકડી છે તે જોખમી છે (સાભાર- ગુજરાત મીત્ર સુરત)