મેરાન્યૂઝ નેટવર્ક, ગાંધીનગર: અમદાવાદના રસ્તા ઉપર દર ત્રીજા દિવસે એક  માણસ કચડાઈ જાય છે. રાજ્યના ગૃહ વિભાગે ગુજરાત વિધાનસભામાં આપેલા જવાબ પ્રમાણે અમદાવાદમાં બે  વર્ષ દરમિયાન હિટ એન્ડ રન કેસમાં 244 લોકો મૃત્યુ પામ્યા હતા. પણ આશ્ચર્યની બાબત એવી છે આ માણસોને કચડી ભાગી જનાર વાહન અને તેના માલિકને પોલીસ શોધી શકી નથી.

કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ પુછેલા પ્રશ્નના ઉત્તરમાં ગૃહવિભાગે જણાવ્યુ હતું કે અમદાવાદ શહેરમાં છેલ્લાં બે વર્ષમાં હિટ એન્ડ રનની કુલ 408 ઘટનાઓ થઈ હતી. જેમાં 244 લોકો મૃત્યુ પામ્યા હતા. જો કે અકસ્માત બાદ ભાગી છુટેલા વાહન ચાલકો આજ સુધી પકડાયા નથી કારણ કે વાહન ચાલકની ઓળખ થઈ નથી. પણ વિરોધાભાસ એવો છે કે વિધાનસભાના છેલ્લાં દિવસે ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યુ હતું કે અમદાવાદના તમામ રસ્તા ઉપર કેમેરા લાગી ગયા છે એટલે હવે 15મી એપ્રિલથી ટ્રાફિકના નિયમનો ભંગ કરનારને ઈ મેમો મળી જશે.

તેનો અર્થ એવો થયો કે અમદાવાદના રસ્તા ઉપર તમે હેલ્મેટ પહેર્યા વગર અથવા સીટ બેલ્ટ બાંધ્યા વગર નિકળો તો રસ્તા ઉપર ફીટ થયેલા કેમેરા તમને પકડી પાડશે, પણ જો તો અકસ્માત કરી ભાગી જાવ તો તે કેમેરા તમને પકડી શકતા નથી. આમ અમદાવાદ શહેરમાં અકસ્માત કરતા  ટ્રાફિકના સામાન્ય નિયમો તોડવા મોટો ગુનો ગણાતો હોય તેવુ લાગે છે. ઈમરાન ખેડાવાલાનો બીજો પ્રશ્ન પણ હતો કે પોલીસ કસ્ડીમાં કેટલાં લોકો મૃત્યુ પામ્યા જેના જવાબમાં ગૃહ વિભાગે જણાવ્યુ હતું કે બે વર્ષમાં કુલ 28 લોકો પોલીસ કસ્ડટીમાં માર્યા ગયા હતા, જેમાં એક ઈન્સપેક્ટર અને એક સબઈન્સપેક્ટરને શિક્ષા પણ કરવામાં આવી છે.