મેરાન્યૂઝ નેટવર્ક, કોલંબો: શ્રીલંકામાં બૌદ્ધ અને મુસ્લિમ સમુદાયના લોકો વચ્ચે કોમી તોફાનો બાદ સરકારે દેશમાં દસ દિવસની કટોકટી જાહેર કરી છે. આ અંગે એક સરકારી અધિકારીએ માહિતી આપતા જણાવ્યુ હતુ કે શ્રીલંકામાં બૌદ્ધ-મુસ્લિમ સમુદાય વચ્ચે વધી રહેલ તણાવને કારણે આમ કરવામાં આવ્યું છે.

શ્રીલંકામાં બૌદ્ધ લોકો દ્વારા મુસ્લિમો પર આક્ષેપ લગાવવામાં આવ્યો છે કે તેઓ ધર્મ પરિવર્તન કરાવી રહ્યાં છે અને બૌદ્ધના પૌરાણિક સ્થળોને તોડી રહ્યાં છે. બૌદ્ધ ધર્મના લોકો શ્રીલંકામાં શરણ લઇ રહેલા રોહિંગ્યાઓની વિરૂદ્ધ પણ છે.

શ્રીલંકાના કેન્ડી શહેરમાં એક મુસ્લિમ પરિવારની દુકાનમાં આગ લગાવવામાં આવ્યા બાદ સમગ્ર વિસ્તારમાં હિંસા ભડકી હતી. ટોળાને છૂટા પાડવા માટે ટીયરગેસ અને પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. જો સ્થિતિ નહીં સુધરે તો રાષ્ટ્રપતિ કટોકટીને વધુ લંબાવી શકે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે શ્રીલંકામાં બૌદ્ધોની વસ્તી 75 ટકા છે પરંતુ ત્યા તમિલ સમુદાયના લોકો અને મુસ્લિમોને કટ્ટર બૌદ્ધ સંગઠન જોખમના રૂપે જોઈ રહ્યાં છે. વર્ષ 2017માં પણ શ્રીલંકાના પૂર્વ પ્રાંતના અંપારા કસબામાં બૌદ્ધ અને મુસ્લિમો વચ્ચે હિંસા ભડકી હતી.