મેરાન્યૂઝ નેટવર્ક, સુરતઃ આહવા-ડાંગ અને વાપી વલસાડને ધમરોળ્યાં બાદ મેઘરાજાએ સુરત જિલ્લામાં શાનદાર ઇનિંગ ખેલી છે. સુરત જિલ્લાના મહુવામાં આઠ કલાકમાં આઠ ઇંચ વરસાદ ખાબકતા જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. શાળાઓમાં રજા જાહેર કરી દેવાઈ હતી. બુધવારે વહેલી સવારથી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી રહ્યો છે. સુરત જિલ્લાના મહુવામાં આઠ કલાકમાં આઠ ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે નવસારી જિલ્લામાં નવસારી શહેરમાં 4 ઈંચ વરસાદ નોંધાયો છે.અને વલસાડ જિલ્લામાં વાપીમાં 3 ઈંચ વરસાદ નોંધાયો છે. નવસારી અને જલાલપોરમાં ભારે વરસાદના પગલે પ્રાથમિક શાળામાં રજા જાહેર કરવામાં આવી છે.

મુંબઇ અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડતાં હવે ગુજરાતનાં અન્ય વિસ્તારોમાં વરસાદ પડે તેવી લોકો આતુરતાથી રાહ જોઇ રહ્યાં છે. દરમિયાન હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં પાંચ દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ સુરત જિલ્લાના મહુવામાં છેલ્લા આઠ કલાકમાં આઠ ઈંચ વરસાદ નોંધાયો છે. જેથી નદીઓના લેવલ ઉંચા આવી ગયા છે. અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. વાંકાનેર ગામે વરસાદના પગલે તલાવડી વિસ્તારમાંથી પસાર ખાડી પાણીથી છલકાઈ ગઈ હતી. બારડોલી નગરમાં પણ વરસાદના કારણે સોસાયટીના રસ્તાઓ પાણીથી તરબોળ થઈ ગયા હતાં.

નવસારી જિલ્લામાં નવસારી અને જલાલપોરમાં સૌથી વધુ 4 ઈંચ વરસાદ ખાબક્યો છે. જેથી નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે. જ્યારે રેલવે સ્ટેશન નજીક આવેલું ગરનાળું ભરાઈ જતા બંધ કરી દેવામાં આવ્યું છે. અને નવસારી કલેક્ટર દ્વારા જલાલપોર અને નવસારીમાં પ્રાથમિક શાળાઓમાં રજા જાહેર કરી દેવામાં આવી છે.

વલસાડ જિલ્લામાં સતત ચોથા દિવસે ભારે વરસાદ વરસ્યો છે. છેલ્લા આઠ કલાકમાં સૌથી વધુ વરસાદ વાપીમાં 3 ઈંચ વરસાદ નોંધાયો છે. ઉમરગામમાં પડેલા ભારે વરસાદના પગલે પાણી ભરાઈ ગયા છે. જે હાલ ઓસરી રહ્યા છે. અને જનજીવન રાબેતા મુજબ થઈ રહ્યું છે. જોકે, વરસાદમાં ઘટાડો થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. 

સુરત જિલ્લાના વરસાદના આંકડા (રાત્રે 12થી સવારે 8 વાગ્યા સુધી)

બારડોલી- 107

ચોર્યાસી- 110

કામરેજ- 23

મહુવા- 196

માંડવી- 9

માંગરોળ- 4

ઓલપાડ- 16

પલસાણા- 61

સુરત- 17

ઉમરપાડા- 0

વલસાડ જિલ્લાના વરસાદના આંકડા (રાત્રે 12થી સવારે 8 વાગ્યા સુધી)

વલસાડ- 48

પારડી- 59

વાપી- 77

ઉમરગામ- 31

ધરમપુર- 55

કપરાડા- 53

નવસારી જિલ્લાના વરસાદના આંકડા (રાત્રે 12થી સવારે 8 વાગ્યા સુધી)

નવસારી-110

જલાલપોર- 94

ગણદેવી- 41

ચીખલી-46

વાંસદા-12

ખેરગામ-18