મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ 'ચિરાગ પટેલ' મીડિયામાં આ નામ છેલ્લા શનિવારથી ચર્ચાઈ રહ્યું છે, પણ મારા માટે તો આજથી 5 વર્ષ પહેલા જાણીતું નામ હતું, ભવન્સમાં જર્નાલિઝમ કરતો છોકરો એક દિવસ કોઈકના રેફ્રરેન્સથી મને મળવા આવ્યો (કોના રેફરેન્સથી એ યાદ નથી હાલ) મેં એની સાથે વીટીવીના હોલમાં પાંચ મિનિટ વાત કરીને કહ્યું કે તારો સી.વી.આપી જા, જો જગ્યા હશે તો કહીશું, એ મૂંઝાતો થોડી વાર જાણે મને કંઈક કહેવા મથતો હતો પણ મેં કાંઈ પણ જોયા વિના ચાલવાનું શરૂ કર્યું, એટલે એણે તરત બૂમ પાડી 'સર એક પાંચ મિનિટ એકલામાં વાત કરવી છે" મેં કહ્યું ચિંતા ના કર જગ્યા હશે તો કહીશ, હાલ કોઈ જગ્યા નથી, એણે પાછું કહ્યું સર એક પાંચ મિનિટ સાંભળો ને, જુઓ મેં આ સી.વી.માં જે છાપાનું નામ લખ્યું છે કે જેમાં હું કામ કરું છું, એમાં હું કામ તો કરું છું પણ પગાર નથી મળતો અને છેલ્લા ઘણા સમયથી બધે જ હું સી.વી. લઇને જાઉં છું તો બધા એ જ કહે છે કે જગ્યા નથી પછી કહીશ પણ કોઈ પછી કહેતું નથી, સર મારી સમસ્યા એ છે કે મારે પત્રકારત્વ જ કરવું છે, પણ પગાર વિના કઈ રીતે ઘર ચલાવવું, ઘર પણ ચલાવવું છે, અને પગાર પણ નથી.

મને છોકરાની વાતમાં થોડીક સચ્ચાઈ લાગી, એટલે મેં થોડુંક એના ઘર વિશે પૂછ્યું (એણે ઘણું બધું કહ્યું જે અહીં લખવું યોગ્ય નથી લાગતું) એટલે મેં એને જતા જતા વિશ્વાસ અપાવ્યો કે જા આ વખતે એવું નહીં થાય તને ફોન આવશે ને હા આમ તો અમારે ત્યાંથી એચ.આર. ફોન કરીને બોલાવે છે પણ હું તને બોલાવીશ બસ, છોકરો આંખમાં ઝળઝળિયાં લઇને જતો રહ્યો, મેં મારા મેનેજમેન્ટમાં એક ફ્રેશર છોકરાની ડેસ્ક પર જરૂર છે એમ કહી એની એપોઇન્મેન્ટ બીજે દિવસે જ કરાવી દીધી, (અમારી સંસ્થાના ધારાધોરણ મુજબ) એનું નક્કી થઇ ગયા પછી મેં જ એને ફોન કર્યો અને કહ્યું કાલથી નોકરી પર આવી જજે ને (એચ.આર. ચૈતાલીને મળી લેજે) એ છોકરો ફોન પર જ રડ્યો, ને નોકરીના પહેલે દિવસથી એ છોકરો ખુબ પ્રોમિસિંગ લાગ્યો, નવો હતો, ઇલેક્ટ્રોનિક મીડિયાની સમજણ ઓછી હતી, છતાં એની મેહનત અને શીખવાની ધગશએ એને ખુબ જલ્દી પાવરધો બનાવી દીધો.

લગભગ એક વર્ષ પછી એક નવી ગુજરાતી ચેનલ શરુ થતી હતી ને એ મારી પાસે આવ્યો કે 'સર નવી ચેનલ શરૂ થાય છે એમાં તમે કો તો એપ્લાય કરું, મેં એને પુછ્યું કે કેમ તને ફાવતું નથી અહીંયા એણે કહ્યું ના એવી કોઈ વાત નથી પણ પગાર વધારે મળશે એવું બધા ત્યાં કહે છે, (એણે પગાર કહ્યો જે આમારી સંસ્થામાં એડજેસ્ટ કરવો મુશ્કેલ હતો) એટલે મેં જ એને કહ્યું જોઈ લે પછી મને કહેજે, એ ઇન્ટરવ્યુથી માંડી લેખિત દરેક પરીક્ષામાં પાસ થઇ ગયો પગાર પણ ફાઇનલ થઇ ગયો ને એક દિવસ મને કહેવા આવ્યો કે સર મને ત્યાં આટલો પગાર મળે છે, છતાં તમે કહો તમને ખરાબ ન લાગે તો અહીં જ થોડો ઘણો પગાર વધારી આપો તો મારે નથી જવું (એના ઘરની આર્થિક સ્થિતિ સારી ન હોવા છતાં છોકરાએ આવી ખુદ્દારી દર્શાવી) હું એની અને મારી સંસ્થાની સ્થિતિ જાણતો હતો એટલે એને નવી સંસ્થામાં જોડાવવાના અભિનંદન આપ્યા.

બસ એ જ અમારી છેલ્લી મુલાકાત એ પછી એ બીજી ચેનલમાં જોડાઈ ગયો, પણ સતત એને કોઈ મૂંઝવણ હોય કે કોઈ મોટા સમાચાર હોય તો ફોન કે મેસેજ કરતો રહ્યો, હું પણ અમદાવાદ છોડીને સુરત આવી ગયો એટલે પછી ક્યારેય મળવાનું થયું નહીં, છતાં એ સોશ્યલ મીડિયામાં સતત સંપર્કમાં રહ્યો એણે બીજી નોકરી પણ આર્થિક પરિસ્થિતિને કારણે બદલી ત્યારે પણ મારી સલાહ લીધી અને બસ આવું ચાલતું રહ્યું.

આખું વાંચ્યા પછી તમને કદાચ ખ્યાલ આવી ગયો હશે કે ચિરાગ કેટલો ખુદ્દાર અને મજબૂત છોકરો હતો, એ ક્યારેય કોઈ ખોટા કૃત્યમાં ફસાઈ ન શકે એવી મારી સમજ છે અને ત્રણ દિવસ પહેલા જ્યારે એની હત્યાના સમાચાર સાંભળ્યા ત્યારે એકદમ સ્તબ્ધ થઇ જવાયું, મને એના ઘરની અને એના પરિવારની સ્થિતિનો ખ્યાલ છે, એટલે ભગવાનને પ્રાર્થના કરીશ કે દુઃખની ઘડીમાં પરિવારને ભગવાન મદદ કરે, ને ગુજરાત પોલીસને વિનંતી છે કે આ છોકરાની મોતનું રહસ્ય જલ્દી ઉકેલે, નહીં તો ગુજરાતના પત્રકારત્વમાં અનેક ચિરાગ 'ચિરાગ' લઇને ચિરાગ વતી પ્રશ્નો પૂછવા ઊભા થશે, ચિરાગના કેસમાં ન્યાયિક તપાસ થવી અનિવાર્ય છે, કદાચ યોગ્ય ન્યાય જ એની આત્માને શાંતિ આપશે.!

(લેખક દિલીપ ક્ષત્રિય ગુજરાત મિત્રના નિવાસી તંત્રી છે)