મેરાન્યૂઝ નેટવર્ક, દ્વારકા: દેવભૂમિ દ્વારકા જીલ્લામાં આવેલી ઓખા નગરપાલિકા દ્વારા ૬૭૫૮ લાભાર્થીઓને શૌચાલય બનાવવા મહાત્મા ગાંધી સ્વચ્છતા મિશન અંતર્ગત વિવિધ એજન્સીઓને કામગીરી ફાળવવામાં આવી હોય છે. પરંતુ ઓખા પાલિકાના પ્રમુખ સહિતના હોદેદારો તેમજ એજન્સીની મિલીભગતથી શોચાલય બનાવવામાં થયેલા કોભાંડ મામલે થયેલી ફરિયાદ બાદ એસીબીએ ૧૯ લોકો સામે ગુન્હો નોંધી તપાસ ચલાવી છે.

ઓખા નગરપાલિકા વિસ્તારમાં વર્ષ ૨૦૧૪-૧૫ માં ગુજરાત સરકારના સ્વચ્છતા મિશન અંતર્ગત રાજ્યના શહેરોને જાહેરમાંથી શૌચક્રિયા મુક્ત બનાવવા નિર્મળ ગુજરાત વ્યક્તિગત શૌચાલય નિર્માણ યોજના હેઠળ કામગીરી કરવામાં આવી હતી. જેમાં ઓખા પાલિકા વિસ્તારમાં ૬૭૫૨ લાભાર્થીઓને શોધી કાઢીને શૌચાલય બાંધવા માટે નવચેતન વિકાસ ટ્રસ્ટ બાસ્પા, મારૂતિ ચેરીટેબલ ટ્રસ્ટ કાલાવડ રોડ રાજકોટ, ભગવતી ફાઉન્ડેશન ઉપલેટા, વિકાસ ભારતી ખેરાલુ, ગણેશ એજ્યુકેશન ચેરીટેબલ યુવા મંડળ વેરાડનાકા બહાર ભાણવડ, જનસેવા મંડળ કાથરોટા અને ચામુંડા યુવક મંડળ ધંધુકાને કામ સોપવામાં આવ્યું હતું. આ સંસ્થાઓએ વર્ષ ૨૦૧૩-૧૪ અને ૨૦૧૪-૧૫ માં શૌચાલય નીતિનિયમ અનુસાર બનાવ્યા ના હતા તેમજ સરકાર અને મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડના ઠરાવમાં સ્પષ્ટ સુચના છે કે આવી સંસ્થાઓ જો કોઈ ધારાધોરણ મુજબ કામ કરતી ના હોય કે કોઈ ગેરરીતી જણાઈ તો તાત્કાલિક મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડને રીપોર્ટ કરવો અને આવી સંસ્થાઓને તાત્કાલિક કામગીરીમાંથી દૂર કરવી. તેમ છતાં સંસ્થાઓ વિરુદ્ધ ગેરરીતી અંગેની ફરિયાદો મળવા છત નિયમોનું પાલન કરવામાં આવ્યું ના હતું.  

આ રીતે શૌચાલય બાંધનાર સંસ્થાઓ, સીટી એન્જીનીયરો અને ચીફ ઓફિસર તેમજ તે વખતના ઓખા પાલિકાના પ્રમુખોએ શૌચાલય નિર્માણ કરેલ નહિ હોવા છતાં શૌચાલય નિર્માણ કરેલ છે તેવા લાભાર્થીઓને ખોટા પ્રમાણપત્રો બનાવી, થર્ડ પાર્ટી ઇન્સ્પેકશન કરનાર એજન્સી ઇન્સ્પેકશન રીપોર્ટ બનાવી ખોટા ચેક લીસ્ટ તેમજ ખોટા અને બનાવટી દસ્ત્તાવેજોનો ખરા તરીકે ઉપયોગ કરી બીલો મંજુર કરાવી ચુકવણા કરેલ છે. જેથી સંસ્થાઓને ૨,૭૫,૦૦,૬૦૦ નું ચુકવણું કરવામાં આવેલ છે જેથી તેટલી જ રકમનું આર્થિક નુકશાન સરકારને કરાવીને જાહેરસેવક તરીકે હોવા છતાં સત્તાનો દુરુપયોગ કરી સરકારના નાણા ઓળવી ગયાની હકીકતો સામે આવી હતી.

જે શૌચાલય કોભાંડ મામલે કરેલી અરજીમાં થયેલા આક્ષેપો અને ભ્રષ્ટાચારની વિગતો જોતા લાંચ રુશ્વત વિરોધી બ્યુરોના વડા કેશવકુમાર અને અધિક નિયામક હસમુખ પટેલ દ્વારા આક્ષેપોને ગંભીરતાથી લઈને કોભાંડમાં સંડોવાયેલા આરોપી કિશોરકુમાર નારણદાસ દેવમુરારી, પ્રમુખ જનસેવા મંડળ કાથરોટા તથા મારૂતિ ચેરીટેબલ ટ્રસ્ટ અને નવચેતન વિકાસ ટ્રસ્ટ બાસ્પા, નિકુંજ પ્રતાપરાય પટણી પ્રમુખ ભગવતી ફાઉન્ડેશન તથા સંચાલક વિકાસ ભારતી ખેરાલુ, ભીખાભાઈ ચેલાભાઈ ચૌધરી પ્રમુખ વિકાસ ભારતી ખેરાલુ, મનોજ દેવશંકર પંડ્યા ગણેશ એજ્યુકેશન ચેરીટેબલ યુવા મંડળ, ભાણવડ, પંકજભાઈ કિશોરભાઈ કો ઓર્ડિનેતર મારૂતિ ચેરીટેબલ ટ્રસ્ટ, લાખાભાઈ જોગલ કો ઓર્ડીનેટર ગણેશ એજ્યુકેશન ચેરીટેબલ યુવા મંડળ, જી.કે.પંડ્યા તત્કાલીન ચીફ ઓફિસર, ઓખા નગરપાલિકા, એમ.એમ. મકવાણા તત્કાલીન ચીફ ઓફિસર ઓખા નગરપાલિકા, જયેશ પટેલ તત્કાલીન ચીફ ઓફિસર નગરપાલિકા, ધર્મપાલસિંહ સુખદેવસિંહ જાડેજા સીટી એન્જીનીયર ઓખા નગરપાલિકા શક્તિસિંહ વાઢેર સીટી એન્જીનીયર ઓખા પાલિકા, દેવશીભાઈ ગોરડિયા તત્કાલીન પ્રમુખ ઓખા નગરપાલિકા, સુભાષ લશ્કરી તત્કાલીન પ્રમુખ ઓખા પાલિકા, સુભાષભાઈ ભાયાણી તત્કાલીન પ્રમુખ ઓખા પાલિકા અને બાલુભા કેર તત્કાલીન પ્રમુખ ઓખા પાલિકા અને સુપરવાઈઝર ઓલ ઇન્ડિયા ઇન્સ્ટીટ્યુટ ઓફ લોકલ સેલ્ફ ગવર્નમેન્ટ એ તમામ વિરુદ્ધ આઈપીસી કલમ ૧૨૦ (બી), ૪૦૬,૪૦૯,૪૬૫.૪૬૭.૨૬૮, ૪૭૧ તથા ૧૧૪ હેઠળ ગુન્હો રજીસ્ટર કરવામાં આવ્યો છે.