મેરાન્યૂઝ નેટવર્ક.જામનગર: દેવભૂમિ દ્વારકા તાલુકાના કલ્યાણપુર તાલુકા મથક નજીક નિવૃત તલાટીનો ગંભીર ઈજા સાથે લીહીથી લથપથ મૃતદેહ મળી આવ્યો છે. પ્રાથમિક તપાસમાં બાઈક સ્લીપ થઇ જતા બનાવ બન્યો હોવાની વિગતો જાહેર કરવામાં આવી છે, પરંતુ મૃતકના ઈજાના નિશાનો પરથી તેના પરિવારે હત્યાની આશંકા વર્ણવી છે. ઉલેખનીય છે કે નિવૃત તલાટી સામે અગાઉ એક શખ્સની હત્યાના આરોપ હતા. આ હત્યા પ્રકરણનો બદલો લેવા સામે પક્ષે બુલેટને ઠોકર મારી કે અન્ય કોઈ રીતે પરિજનની હત્યા નિપજાવ્યાની પરિવારે આશંકા દર્શાવી છે. પોલીસે મૃતકને જામનગર ખસેડી પીએમ કરાવવા તજવીજ હાથ ધરી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના રાવલ અને કલ્યાણપુર વચ્ચે આવેલ દેવળિયા ગામના પાટિયા પાસે આજે બપોર બાદ અરજણભાઈ રામદત્તી નામના 60 વર્ષના વૃદ્ધનો મૃતદેહ, જીજે ૧૧ ૭૭૨૫ નંબરના મોટર સાયકલ પાસેથી મળી આવ્યો હતો. ગળા, માથા અને હાથ પગના ભાગે પહોંચેલી ગંભીર ઈજાઓના કારણે વૃદ્ધનું મૃત્યુ નીપજ્યું હોવાનો પ્રાથમિક અંદાજ લગાવી પોલીસ મૃતદેહને કલ્યાણપુર હોસ્પિટલ ખસેડ્યો હતો. જોકે ઈજાના નિશાનો અને મૃતકની સામે અગાઉ લાગેલા હત્યાના આરોપની વિગતો સામે આવતા તથા હોસ્પિટલ પહોંચેલા મૃતકના પુત્રએ આ બનાવ હત્યાનો હોવાની આશંકા દર્શાવી હતી. જેને લઈને કલ્યાણપુર પોલીસે મૃતકનું પેનલ પીએમ કરાવવા મૃતદેહને જામનગર લઇ જવા તજવીજ હાથ ધરી છે.

આ બનાવ અંગે ઘટના સ્થળ નજીક રહેલા લોકોનું કહેવું છે કે એક કારે પાછળથી બુલેટને જોરદાર ઠોકર મારી અક્સમાત નિપજાવ્યા બાદ તીક્ષ્ણ હથિયારો સાથે કારમાંથી નીચે ઉતરેલા શખ્સોએ હુમલો કરી આડેધડ પ્રહારો કરી વૃદ્ધની કરપીણ હત્યા નીપજાવી હતી. જોકે સત્ય પોલીસ તપાસ બાદ સામે આવે તેમ છે. શંકાસ્પદ લાગતા આ બનાવ અંગે કલ્યાણપુર પોલીસે પીએમ રિપોર્ટ બાદ જ કાંઈ કહી શકાય એમ જણાવ્યું છે. બીજી તરફ મૃતકના પરિવાર જનોએ તો આ બનાવ અંગે અમુક શકમંદોના નામ સાથે આરોપો લગાવી હત્યાનો ગુનો નોંધાવાની માંગણી કરી છે. ઉલ્લેખનીય છે કે, મૃતકની સામે ત્રણ વરસ પૂર્વે ગોરાણા ગામે થયેલ એક હત્યા પ્રકરણનો આરોપ લગાવાયો હતો. આ હત્યાનો બદલો લેવા હત્યા નીપજાવવામાં આવી હોવાની પણ શંકા સેવાઈ રહી છે. ત્યારે પોલીસે પોસ્ટ મોર્ટમ રિપોર્ટ પર મીટ માંડી છે.