મેરાન્યૂઝ નેટવર્ક.દ્વારકાઃ દેવભૂમિ દ્વારકા જીલ્લાના ભાણવડમાં એક સગીરા પર થોડા સમય પૂર્વે ગેંગરેપ ગુજારવામાં આવ્યો હતો અને ભોગ બનેલી સગીરાએ ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કરતા તેને સારવાર માટે જામનગરની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી.

ભાણવડની રહેવાસી એક સગીરાને બે માસ પૂર્વે તેના જ ગામના અમુક શખ્શો દ્વારા ગોંધી રાખી ગેંગરેપ જેવું અધમ કૃત્ય આચરવામાં આવ્યું હતું અને બાદમાં ભોગ બનેલી સગીરાએ પરિવારને સહારે માલ્ટા સ્થાનિક પોલીસ અને એસપી સહીત ઉચ્ચ સ્તરે રજૂઆત કરી આરોપીઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી. જોકે આ ઘટના બાદ પોલીસ દ્વારા ઢીલી તપાસ કરવામાં આવી રહી હોવાના આક્ષેપ અને ખુલ્લા ફરતા આરોપીઓ દ્વારા મળી રહેલી ધમકીઓને લઇને તેણીએ ઝેરી દવા પી લઇ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. આ પ્રયાસ પુર્વે તેણીએ જિલ્લા પોલીસ વડા સમક્ષ સતત ત્રણ દિવસ પહોંચી આરોપીઓ સામે કાર્યવાહી કરવા નમ્ર અરજ કરવાનો પણ પ્રયાસ કર્યો હતો, પરંતુ એસપી દ્વારા સગીરાને સમય ફાળવવામાં આવ્યો ન હતો. પોલીસના આવા વર્તન અને આરોપીઓની ધમકીને લઇને તેણીએ ઝેરી દવા પી લઇ આપઘાત કરવાનો પ્રયાસ કરતા તેણીને જામનગર જી.જી. હોસ્પિટલ ખસેડવામાં આવી છે. ગેંગરેપનો ભોગ બનેલી સગીરાએ દવા પીને આપઘાતનો પ્રયાસ કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ઝેરી દવાની અસરને પગલે તેની સારવાર ચાલી રહી છે.