મેરાન્યૂઝ નેટવર્ક, દ્રારકા: ખરીફ પાકની નિષ્ફળતાને લઈને સરકાર દ્વારા ખાનગી વીમા કંપની પાસે ક્રોપ કટિંગના અખતરાની કરાવેલી કામગીરીએ વિવાદ છેડ્યો છે. ખાનગી કંપની દ્વારા સરકારના અધિકારીઓ અને પોલીસની હાજરીમાં કરેલ કામગીરી બાદ 250 ઉપરાંત અખતરા શંકાસ્પદ દર્શવાતા ખેડૂતોમાં રોષ ફેલાયો છે. આ બાબતનો વિરોધ કરવા આજે ખંભાળીયા ખાતે વિરાટ ખેડૂત સંમેલન યોજાયુ હતું, જેમાં ખેડૂત આગેવાનોએ આ સમગ્ર પ્રક્રિયા પર શંકા દર્શાવી રોષ વ્યક્ત કર્યો હતો. આ સંમેલનમાં જિલ્લા ભરના ખેડૂતોએ હાજરી આપી હતી.

પ્રધાનમંત્રી પાકવીમાં યોજના અંતર્ગત ચાલુ વર્ષની ખરીફ ઋતુ માટે ખાનગી વીમા કંપનીને કામગીરી સોંપવામાં આવી હતી. પાક કાપણી વખતે વીમા કંપનીના માણસો, સરકારના કર્મચારીઓ-અધિકારીઓ અને ગ્રામજનોની ઉપસ્થિતિમાં ક્રોપ કટિંગની કામગીરી કરવામાં આવી છે. જાહેર માધ્યમો, ખેડૂત સંગઠનો, સામાજિક સંસ્થાઓ દ્વારા ક્રોપ કટિંગ બાબતે જન જાગૃતિ અભિયાન ચલાવવાના કારણે ખેડૂતોમાં જાગૃતિ આવી છે. પરિણામે દ્વારકા જિલ્લામાં પ્રથમ વખત ખાનગી કંપનીના પ્રતિનિધિઓને ખેડૂતના ખેતર સુધી જવાની ફરજ પડી છે. સરકાર દ્વારા વીમા કંપનીને પોલીસ રક્ષણ આપવાનો પરિપત્ર રાજ્યના પોલિસ વડાએ બહાર પાડી પાકવીમા કંપનીને સુરક્ષા કવચ પૂરું પાડવામાં આવ્યું, સરકાર તરફથી ગ્રામસેવક, સર્કલ ઓફિસર, મામલતદાર, વિસ્તરણ અધિકારી, આંકડા અધિકારી, તાલુકા વિકાસ અધિકારી, પ્રાંત અધિકારી જેવા જીલ્લા કક્ષાના અધિકારીઓ દ્વારા તો ક્રોપ કટિંગ કરવામાં આવ્યું એટલું જ નહીં,  ખેતીવાડી શાખાના  રાજ્યના ઉચ્ચ અધિકારીઓ દ્વારા પણ ક્રોપ કટિંગ કરવામાં આવ્યું છે. જિલ્લામાં જિલ્લા ખેતીવાડી અધિકારી, ખેતી નિયામક વિસ્તરણ, જીલ્લા વિકાસ અધિકારી,  જિલ્લા કલેકટર દ્વારા સતત મોનીટરીંગ કરવામાં આવ્યું છે. આ તમામ ચોક્સાઇ વચ્ચે પાક વીમા કંપની દ્વારા અંદાજે 250 કરતા વધારે પાક કાપણી અખતરાઓ ને શંકાસ્પદ દર્શાવ્યા છે. 

પાક વીમા કંપની દ્વારા અનેક દાવા કરી કહેવામાં આવ્યું છે કે, પાક કાપણી અખતરાઓ દબાણ હેઠળ થયા છે. નક્કી થયેલ પ્લોટના પાકમાં અને એજ ખેતરના પાકમાં તફાવત છે. અખતરાઓમાં ગેરરીતિઓ આચરવામાં આવી છે  વગેરે અનેક દાવા કરવામાં આવ્યા છે અને આવું થવાના કારણે પાક કાપણી અખતરાઓ પર ઘણી અસર થઈ છે.

જિલ્લામાં દ્વારકા તાલુકાના વરવાળા, મોટા ભાવડા, બરડીયા ખાતે ગાંધીનગરથી આવેલ રાજ્યકક્ષાના ખેતીવાડી અધિકારી દ્વારા નિયત થયેલ સર્વે નંબરમાં, કાયદા મુજબ નિયત થયેલ પ્લોટમાં ક્રોપ કટિંગ કરવામાં આવ્યું હતું એટલું જ નહીં ઉત્પાદન દર્શાવતા પત્રકો પણ એમની ઉપસ્થિતિમાં જ ભરવામાં આવ્યા હતા અને તેમની સહી પણ લેવામાં આવી હતી તેવું ગામ લોકોનું કહેવું છે. એ જ રીતે જિલ્લાના ખંભાળિયા તાલુકાના ગોલણ શેરડી અને તથીયા ગામમાં ગાંધીનગરથી ખાસ આવેલ અધિકારી એચ. આર. જાદવ ક્રોપ કટિંગ કરવા ઉપસ્થિત રહ્યા હતા.

જિલ્લા કક્ષાએ ખંભાળિયા તાલુકામાં આહીર સિંહણ ગામમાં ટીડીઓ, સલાયામાં વિસ્તરણ અધિકારી આંકડા, ચુડેશ્વર અને સોનારડીમાં વિસ્તરણ અધિકારી, કોઠા વિસોત્રીમાં સર્કલ ઓફિસર, પીપળીયામાં તાલુકા મદદનીશ આંકડા અધિકારી દ્વારા ક્રોપ કટિંગ કરવામાં આવ્યા છે, તેવું ગામ લોકોનું કહેવું છે જો સરકારના ઉચ્ચ કક્ષાના અધિકારીઓ દ્વારા થયેલ ક્રોપ કટિંગની કામગીરીમાં શંકા કરવી એટલે સરકાર પર શંકા કરવા બરાબર છે.

પ્રધાનમંત્રી પાકવીમાં યોજના મુજબ જે તે પાકવીમાં કંપનીએ ક્રોપ કટિંગ વખતે દરેક અખતરામાં પોતાના પ્રતિનિધિ રાખવા ફરજીયાત હતા, જ્યારે એમના ખુદના માણસો ઉપસ્થિત હોય અને તેમ છતાં ગેરરીતિ થઈ હોય, દબાણ થયું હોય તો જે તે દિવસે કે બીજા ત્રીજા દિવસે લેખિતમાં યોગ્ય જગ્યાએ ફરિયાદ શા માટે નોધવામાં ન આવી ? દબાણ કરી જબરદસ્તી ખોટા પત્રકો ભરાવનાર સામે પોલીસ ફરિયાદ કેમ કરવામાં ન આવી ? ત્રણ મહિના સુધી ચૂપ રહેવાનું કારણ શું ? પાકવીમાં કંપનીના પ્રતિનિધિઓ દ્વારા જે તે કોઈ એક ખાસ ક્રોપ કટિંગ માટે ગેરરીતિ બાબતે લેખિતમાં રિપોર્ટ કરવામાં આવ્યો હોય તો તે જાહેર કરવામાં આવે એમ પણ ખેડૂત હીત રક્ષક સમિતિએ માંગણી કરી છે.

 પાકવીમા યોજનાની જોગવાઈ મુજબ દરેક ગામમાં ગ્રામ સમિતિ બનાવવાની, ક્રોપ કટિંગના આગલા દિવસે ગામમાં જાહેરાત કરવાની, અને લોકોની ઉપસ્થિતીમાં ક્રોપ કટિંગ કરવું, જેથી પારદર્શક કામગીરી થઇ શકે.  આ  પારદર્શક કામગીરીમાં પાક વીમા કંપનીના પ્રતિનિધિ,કર્મચારી, અધિકારીઓ હાજર રહ્યા હતા. પ્રક્રિયા દરમિયાન ખેડૂતો દ્વારા ક્યારેય કોઈ જબરજસ્તી કે દબાવ ઉભો કરાયો નથી. કંપની અને સરકારે સાથે મળી નમૂના લીધા છે તો એ નમૂના કઈ રીતે શંકાસ્પદ થઈ ગયા ? 

જમીન માપણીની ભૂલો બાબતે પાક વીમાં કંપનીઓના અધિકારીઓ વાકેફ ન હોય, તેમણે ગ્રાઉન્ડ ઝીરો પર કામ કરતા  કંપનીના પ્રતિનિધિઓના મંતવ્યો લીધા વગર જ માત્ર કંપનીને બચાવવા માટે સેટેલાઇટ નકશામાંથી જોઈ જે તે સર્વે નમ્બરના અખતરાઓને શંકાસ્પદમાં નાખી દીધા હોય એવી શંકા ખેડૂતોને છે, માટે તે બાબતે જે તે ગામના સર્વે નમ્બરને વીમા કંપનીએ શંકાસ્પદ ગણાવ્યો છે, તે સર્વે નમ્બર અને ખરેખર ક્રોપ કટિંગ થયું છે તે સર્વે નંબરની સરખામણી કરવા પણ તંત્રને અનુરોધ કરવામાં આવ્યો છે. જીલ્લામાં નાખેલા શંકાસ્પદ અખતરાઓ ચેક કરવામાં આવશે તો ઘણા બધામાં આવી ભૂલો પણ સામે આવશે જ. 

રાજ્ય સરકારે પાકવીમાં કંપનીઓને પોલીસ રક્ષણ આપવાની જાહેરાત કરી હતી એટલું જ નહીં રાજ્યના પોલીસ વડા દ્વારા પરિપત્ર કરી દરેક જિલ્લા પોલીસ વડાને પાકવીમાં કંપનીને સુરક્ષા કવચ પૂરું પડવાની સૂચના પણ આપી હતી, પાકવીમાં કંપની પાસે પોલીસ રક્ષણ હતું તો શું પોલીસની ઉપસ્થિતિમાં ગેરરીતિ આચરવામાં આવી ? પોલીસ ઉપસ્થિત નહોતી તો ક્રોપ કટિંગની તારીખમાં ગેરરીતિ આચરનાર સામે પોલીસ ફરિયાદ શા માટે કરવામાં ન આવી ? દ્વારકા જિલ્લામાં આવી કેટલા લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાઇ છે તે તપાસવું અને જાહેર કરવું જોઈએ.

 જે તે ક્રોપ કટિંગ માટે ખેતર અને પ્લોટ સરકાર અને પાક વીમા  કંપનીના કર્મચારીઓ-અધિકારીઓ નક્કી કરતા હતા અને પ્લોટ તો આખરી સમયે રેન્ડમ નમ્બરના આધારે નક્કી થતો હતો તો ખેડુતને કેમ ખબર પડે ને પ્લોટમાં ખેડુત કેમ ગેરરીતિ આચરે ? એ મોટો યક્ષ પ્રશ્ન છે. આવા તો અનેક કારણો છે અને કંપનીને આપી શકાય તેવા અનેક જવાબો છે પણ વાસ્તવિકતા એ છે કે આ વર્ષે જિલ્લા આખાની દુષ્કાળગ્રસ્ત હાલત છે અને પાક વીમા કંપનીએ  પાકવીમાં પેટે બહુ મોટી રકમ ખેડૂતોને ચૂકવવી પડે તેમ છે આ ત્રણ મહિનામાં પાકવીમાં કંપનીએ બધા જ પત્રકોના આંકડામેળ કર્યો, હિસાબો કર્યા અને ચૂકવવા પાત્ર ટોટલ વીમાની ગણતરી કરી તો પાકવીમાં કંપનીને મોટું નુકશાનની દહેશત દેખાઈ હશે એટલે આડેધડ 250 કરતા વધારે અખતરાઓને શંકાસ્પદમાં નાખી પાકવીમાંને ટલ્લે ચડાવવાની પ્રક્રિયા હાથ ધરી છે. 

જે વીમા કંપનીએ માત્ર પોતાના સ્વાર્થ ખાતર રાજ્ય કક્ષાના, જિલ્લા કક્ષાના કર્મચારીઓ/અધિકારીઓને પણ શંકાના દાયરામાં મુક્યા છે,  સરકાર સામે પણ શંકાની સોય તાકવામાં આવી છે, જેથી વીમા કંપનીના દાવાને વહેલામાં વહેલી તકે (શક્ય હોય તો એક અઠવાડિયામાં) ડિસ્ટ્રીકટ લેવલ મોનીટરીંગ કમિટીની બેઠક બોલાવી તેમાં પાકવીમાં કંપનીના દાવાઓને રદ્દ કરી, જિલ્લાના ખેડુતને પૂરતો પાકવિમો આપવાની માંગણી પણ કરવામાં આવી છે.

આ સમગ્ર બાબતને લઈને આજે ખંભાળિયામાં ખેડૂત સંમેલન યોજાયું હતું, ખેડૂત હિતરક્ષક સમિતિના નેજા હેઠળ યોજાયેલ આ સંમેલનમાં ખેડૂત અગ્રણીઓએ ઉપરોક્ત બાબતે જાહેર સભા ગજવી રોષ વ્યકત કર્યો હતો અને આગામી સમયમાં આંદોલન છેડવાની પણ તૈયારી દરસાવવામાં આવી હતી. આ સંમેલન પૂર્ણ થયા બાદ આગેવાનો ખેડૂતોને સાથે રાખી કલેકટર કચેરી પહોચી ઉપરોક્ત બાબતે રજુઆત કરી હતી.