મેરાન્યૂઝ નેટવર્ક.જામનગર : દેવભૂમિ દ્વારકા જીલ્લાના ભાટિયા જીઈબી કચેરીના એક કર્મચારીએ ૧૫ વરસ પૂર્વે ફરજમાં બેદરકારી દાખવી ભ્રષ્ટવૃતિ અપનાવવા સબબ ખંભાલીયા કોર્ટે આ કર્મચારીને એક વરસની કેદ અને જેટલી રકમની લાંચ લીધી હતી એટલી જ રકમનો દંડ ફટકારી ભ્રષ્ટ સરકારી બાબુઓમાં દાખલો બેસાડ્યો છે. કોની પાસેથી આ બાબુએ રૂપિયા માંગી લાંચ સ્વીકારી હતી ?

વર્ષ ૨૦૦૨/૦૩માં તત્કાલીન જામનગર જીલ્લાના કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામે આવેલા ગુજરાત ઈલેકટ્રીસિટી બોર્ડમાં ફરજ બજાવતા રાજેશ જેન્તીલાલ સાયાણી મીટર રિડરની કામગીરીમાં ન હોવા છતા ગ્રામ્ય વિસ્તારમાં ખેતીવાડી કનેક્શનનું મીટર રિડિંગમાં ગયા હતા. રાણ ગામે પહોંચી આ વીજ કર્મીએ ખેડૂત જેન્તીલાલ વશરામભાઈ પરમારની વાડીએ પહોંચી ખેડૂતને કહ્યું હતું કે, વપરાશ વધુ છે તેથી તું મને રૂપિયા નહીં આપે તો કેસ કરી નાખીશ. જેથી ડરી ગયેલા ખેડૂતે કેસ ન કરવા કહ્યું હતુ. જેના બદલામાં આ વીજ કર્મીએ રૂપિયા એક હજારની લાંચની માંગણી કરી હતી. જેને લઈને ખેડૂતે જામનગર એસીબી કચેરીમાં ફરિયાદ કરી હતી.

ત્યારબાદ એસીબીની ટીમે તા. ૨૯/૧૦/૨૦૦૨ના રોજ છટકું ગોઠવી રાજેશ સાયાણીને રૂપિયા એક હજારની લાંચ લેતા પકડી પડ્યો હતો. દરમિયાન જામનગર એસીબીએ તપાસ કરી આરોપી વીજકર્મી સામે ચાર્જસીટ રજુ કર્યું હતું. આ કેસ ખંભાલીયાની સ્પેશિયલ એસીબી કોર્ટમાં ચાલી જતા કોર્ટે દસ્તાવેજી પુરાવા, સાહેદો અને સરકારી વકીલની દલીલો ગ્રાહ્ય રાખી આરોપનામું સાબિત કરતો ચુકાદો આપી, વીજ કર્મીને એક વર્ષની જેલ સજા અને એક હજારનો દંડ ફટકર્યો હતો. એસીબી કોર્ટના કડક વલણને લઈને અમુક સરકારી લાલચુ કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો છે.