મેરાન્યૂઝ નેટવર્ક.સુરતઃ શહેરમાં લાયસન્સ વગર ધમધમતા વોટર પ્લાન્ટ સામે પાલિકાએ લાલ આંખ કરી સોમવારે ફૂડ વિભાગની અલગ અલગ પાંચ ટીમો બનાવી શહેરમાં દરોડાની કાર્યવાહી હાથ ધરી છે. જેમાં અમરોલીના કનૈયા વોટર સપ્લાયને સીલ મારવામાં આવ્યું છે.

શહેરમાં છેલ્લા ઘણા સમયથી બિલાડીની ટોપની માફક વોટર પ્લાન્ટ શરૂ થઈ ગયા છે. કોઈ પણ પ્રકારના લાયસન્સ વગર પ્લાન્ટ શરૂ કરી લોકોના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે. ત્યારે પાલિકાના ફૂડ વિભાગના ડી. કે. પટેલે આવા ગેરકાયદે ચાલતા પ્લાન્ટો સામે લાલ આંખ કરી છે આજે ફૂડ વિભાગની અલગ અલગ પાંચ ટીમો બનાવી અઠવા અને સેન્ટ્રલ ઝોનને બાદ કરી બાકીના કતારગામ, વરાછા, લિંબાયત, ઉધના અને રાંદેર ઝોન વિસ્તારમાં આવેલા વોટર પ્લાન્ટમાં દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી અને બીઆઈએસ સર્ટી વગરના પ્લાન્ટને સીલ મારવાની કામગીરી હાથ ધરી છે. અમરોલીમાં આવેલા કનૈયા વોટર સપ્લાયને સીલ મારવામાં આવ્યું હતું. આ પહેલા કનૈયા વોટર સપ્લાયના માલિકને નોટિસ પણ આપવામાં આવી હતી.

એક તરફ શહેરમાં આ વર્ષે પાણીની તંગીનાં એંધાણ વર્તાઈ રહ્યા છે તેવા સમયે આ રીતે પાણીનો ગેરકાયદે વેપલો કરવારાઓ પર મનપાના સત્તાધીશોએ સકંજો કસ્યો છે ત્યારે જોવાનું એ રહ્યું કે પાલિકાની આ ઝુંબેશ આગળ ધપશે કે પછી આરંભે શૂરા જેવી સાબિત થશે.