મેરાન્યૂઝ નેટવર્ક.દ્વારકા: ઓખાની ભાગોળે રહેતી એક મહિલા અને પ્રોઢ પુરુષના કરપીણ હત્યા નીપજાવવામાં આવી છે. અજાણ્યા શખ્સો આ વારદાતને અંજામ આપી નાશી ગયા છે. મોઢા અને શરીરના અન્ય ભાગે બંને મૃતકોને તીક્ષ્ણ અને બોથડ પદાર્થના ઘા મારી એક સાથે જ મોતને ઘાટ ઉતારી દેવાતા સનસનાટી મચી જવા પામી છે. પતિ સાથે અણબનાવ બાદ એકલી રહેતી મહિલા અને મજુરી કામ કરતા પ્રોઢના હત્યારાઓના સગડ મેળવવા પોલીસ દ્વારા તપાસ આરંભી દેવામાં આવી છે.

દેવભૂમિ દ્વારકા જીલ્લાના ઓખા બંદરે બેવડી હત્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. ઓખા નજીક આરંભડા વચ્ચે ગાયત્રી રોડ પર જકાતનાકાની બાજુમાં રોડ કાઠે જ વિશાળ ફળિયા વાળી ઓરડીમાં રહેતી આરતીબેન બાબાભા ઉવ ૩૦ નામની મહિલા અને ઓખામાં રહેતા અને મજુરી કામ કરતા સુલેમાન બીલાલ ઉવ ૬૨ નામના બંનેના આજે મોડી સાંજે લોહીથી તરબતર હાલતમાં મૃતદેહ મળી આવતા સનસનાટી સાથે ચકચાર મચી ગઈ હતી. સ્થાનિક લોકોએ ફળીયામાંથી દુર્ગંધ આવતી હોવાની પોલીસને જાણ કરતા પોલીસ હરકતમાં આવી હતી.

ઓખા મરીન પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. જ્યાં બંને મૃતકોના મોઢા અને શરીરના અન્ય ભાગે તીક્ષ્ણ અને બોથડ પદાર્થના ઘા ફટકારી અજ્ઞાત શખ્સોએ હત્યા નીપજાવી નાશી ગયાના તારણ પર પોલીસ પહોંચી હતી. ત્યાર બાદ જીલ્લા પોલીસ વડા અને એલસીબી પોલીસ દફતરનો સ્ટાફ ત્વરિત ઘટના સ્થળે પહોંચ્યો હતો. અગાઉ કલ્યાણપુરના ભાટિયા ગામે પતિ સાથે રહેતી મૃતક મહિલાને તેના પતિ સાથે મનદુઃખ થતા તેણીની ઓખા આવી ગઈ હતી. સુત્રોનું માનવામાં આવેતો પતિથી દુર આવી ગયેલી મહિલાએ જીવન નિર્વાહ માટે દેશી દારૂનો ધંધો શરુ કર્યો હતો. મૃતક સુલેમાન પણ દારૂનો બંધાણી હોવાનું અને કેટલાય સમયથી તેણીની સાથે જ રહેતો હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે ત્યારે બન્નેની હત્યા પાછળ દારૂનો ધંધો જવાબદાર છે કે મૃતક મહિલાના પતિ સાથેનો અણબનાવ કે પછી અન્ય કોઈ કારણ છે? આ બાબતનો તાગ મેળવવા માટે દ્વારકા એલસીબીએ પણ તપાસમાં ઝંપલાવ્યું છે. સ્થાનિક પોલીસે મૃતકોના કબ્જા લઇ, પોસ્ટ મોર્ટમ વિધિ પાર પાડી ફરિયાદ નોંધવા સહીતની આગળની તપાસ શરુ કરી છે.