પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.અમદાવાદ): ચાર વર્ષ પહેલાની વાત છે, અચાનક મારા કાન ઉપર મારી પત્ની અને દીકરી વચ્ચે થઈ રહેલા સંવાદો સંભળાયા, મારી પત્ની આદેશાત્મક ભાષામાં મારી દીકરીને કહ્યું ધ્યાન રાખજે, હવે તું ભગવાનનો જે રૂમ છે તેમાં જઈશ નહીં, મારી દીકરીના મનમાં તરત અનેક પ્રશ્નો દોડી આવ્યા હશે, તેણે પોતાની મમ્મીને પુછ્યું કેમ મારે ભગવાનના રૂમમાં જવાનું નહીં. મારી પત્ની વાત ટુંકાવતા કહ્યું વધુ ચર્ચા કરીશ નહીં, હું કહું તે તારે કરવાનું છે, હું તેમના સંવાદ ચાલી રહ્યા હતા ત્યારે તે રૂમમાં ગયો. મેં જોયુ તો મારી દીકરીના ચહેરો અનેક સવાલો કરતો હતો, જાણે તે મને પુછી રહી હોય કે કેમ મારે ભગવાનના રૂમમાં જવાનું નહીં.

મેં મારી પત્ની તરફ જોયું, કારણ મારી દીકરી જેવો સવાલ મારી પાસે પણ હતો. તેણે મને આંખના ઈશારામાં કહ્યું આપણે પછી વાત કરીએ. થોડીવાર પછી મેં મારી દીકરીની ગેરહાજરીમાં પુછ્યું શું થયું તું કેમ તેને ભગવાનના રૂમમાં જવાની ના પાડે છે. તેણે આસપાસ નજર દોડાવી કહ્યું, હવે દીકરી મોટી થઈ ગઈ પીરીયડ શરૂ થયા છે, 14-15 વર્ષની ઉમંરે કોઈ પણ દીકરીને માસીક ધર્મ શરૂ થાય તે બહુ સ્વભાવીક ઘટના છે. હું નાનો હતો ત્યારે મેં મારી મમ્મીને પણ ત્રણ દિવસ ખુણા બેસતી જોઈ હતી, ત્યારે મને બહુ આશ્ચર્ય થતું કે મમ્મી કેમ કઈ કામ કરતી નથી. કેમ એક તરફ બેસી રહે છે, ઘરમાં તે મને પણ પોતાની પાસે આવવા દેતી નથી. રોજ તે ભગવાનની પુજા કરે છે હવે તે કેમ પુજા કરતી નથી.

ત્યારે મારા પ્રશ્નનો જવાબમાં મારી દાદી કહેતી કે કોઈ સ્ત્રીને કાગડો અડી જાય તો તેણે ત્રણ દિવસ દુર બેસવું પડે, ત્યારે તો મેં દાદીની વાત સાચી માની લીધી પણ કાળક્રમે મને સમજાયું કે માસીક ધર્મ આવે ત્યારે સ્ત્રીએ આ બધા નિયમ પાળવા પડે કારણ તે દિવસો દરમિયાન તે અપવિત્ર થાય છે. માટે તે કોઈને સ્પર્શ કરી શકતી નથી અને ભગવાનની પુજા પણ કરી શકતી નથી. લગ્ન બાદ મારી પત્ની પણ આ બધા નિયમ પાળતી હતી. જો કે મારી મા અને મારી પત્ની આ નિયમો પાળ્યા ત્યારે મને તે બહુ સહજ લાગ્યું, પણ હવે મારી દીકરીને આ નિયમો પાળવાના હતા. હું વિચાર કરવા લાગ્યો કે સ્ત્રીને શારિરીક રચનના પ્રમાણે રકતસ્ત્રાવ થાય તેને આપણે માસીક ધર્મ કહીએ છીએ. મને વિચાર આવ્યો કે જ્યારે પણ કોઈ પણ ઘટના સાથે ધર્મનો શબ્દનો પ્રયોગ થાય ત્યારે ધર્મ કેવી રીતે અપવિત્ર હોઈ શકે.

માસીક ધર્મની જેમ અંતિમ સંસ્કાર પણ પવિત્ર બાબત છે. છતાં સ્મશાનમાં જઈ આવ્યા પછી તરત સ્નાન કરી લેવુ પડે, હિન્દુ શાસ્ત્રમાં કુલ 16 સંસ્કાર છે, જેમાં અંતિમ સંસ્કાર છેલ્લો સંસ્કાર છે. જો સ્મશાનમાં જઈ આવ્યા પછી સ્નાન શું કામ કરવું પડે. આવા અનેક વિચારો પછી મેં મારી પત્નીને કહ્યું માસીક ધર્મ કોઈ પણ સ્ત્રી માટે એક સહજ ઘટના છે, માસીક ધર્મને કારણે સ્ત્રી ત્રણ દિવસ સુધી અપવિત્ર થાય તેવું આપણે માનીએ તે વાજબી નથી. જ્યારે પણ આ પરંપરા શરૂ થઈ હશે ત્યારે તેનો ઉદ્દેશ જુદો હતો. તે જમાનામાં સ્ત્રીઓ પાસે સેનેટરી નેપકીન ન્હોતો, સ્ત્રી જંગલમાં લાકડા લેવા જતી અને કુવા ઉપર પાણી ભરવા જતી હતી. આ દિવસો દરમિયાન સ્ત્રીને આરામ મળે તે જરૂરી હતું, પણ સ્ત્રીને આરામ આપે કોણ. તેના કારણે જો સ્ત્રીને ત્રણ દિવસ માટે અપિવત્ર કહી દેવામાં આવે તો તેને તમામ કામમાં મુક્તિ મળતી હતી.

આપણે ત્યાં વિજ્ઞાનને આ રીતે ધર્મ સાથે જોડી સમજાવવામાં આવ્યો કારણ આપણને વિજ્ઞાન કરતા ધર્મ ઉપર વધુ ભરોસો છે, પણ આજે સ્થિતિ જુદી છે. આજે જંગલમાં લાકડા લેવા જવાનું નથી, કુવા ઉપર પાણી લેવા જવાનું નથી, નીચે બેસી ચુલો સળગાવવાનો નથી. ત્યારે આપણી દીકરીને આપણે ત્રણ દિવસ માટે અપવિત્ર જાહેર કરવાની જરૂર નથી. જેમ પુરૂષો કુદરતી ક્રિયા રોજ કરે છે તેમ સ્ત્રીઓ માટે પણ માસીક ધર્મ જીવનનો એક ભાગ છે તેના કારણે કોઈ અપવિત્ર થતુ નથી. મારી પત્ની મારી વાત સાથે સંમત્ત થઈ, મેં જ્યારે મારી દીકરીને માસીક ધર્મ અંગેની સમજ આપી ત્યારે તે બહુ ખુશ થઈ કે હવે તેને કોઈ નિયમ નહીં પાળવા પડે. મારી દીકરી માસીક ધર્મમાં હતી ત્યારે મારા ઘરે ભગવાન ગણેશનું સ્થાપન થયું, મેં મારી દીકરીને કહ્યું તુ ભગવાનની પુજા પણ કરીશ અને આરતી પણ કરીશ.

મેં ભગવાન ગણેશને કહ્યું સ્ત્રીને સમજવામાં તે મને મદદ કરી અને જે સમજ આપી તેવા દેશના તમામ પુરૂષોને સમજ આપજે, હમણાં ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે, ત્યારે તેની પાસે માણસને સમજવાની, થોડાક સારા માણસ થવાના પણ આશીર્વાદ માગી લઈએ તો તે તમારી અને મારી પ્રાર્થના જરૂર સાંભળશે.