મેરાન્યૂઝ નેટવર્ક.ગાંધીનગર: સરકારની યોજનાઓ અને સરકારી સહાયની કોઈપણ જાતની મદદ વગર, ગાંધીનગર તાલુકામાં આવેલા ઈશનપુર-મોટા ગામે ખુબ મોટો વિકાસ કર્યો છે જેનું કારણ ગામના મૂળ વતની વિષ્ણુભાઈ પટેલ દ્વારા ગામના વિકાસ માટે આપવામાં આવેલું ૧૦.૭૦ કરોડનું દાન છે. ગામમાં વર્ષે ૪ વખત સમગ્ર ગામ ભેગું થઈને જમે છે અને સામાજિક સમરસતાનું મોટું ઉદાહરણ પુરું પાડી રહ્યું છે.

૩૯૮૫ જેટલી વસ્તી ધરાવતા આ ગામમાં બે વર્ષ પહેલા જૂની જર્જરિત શાળા હતી અને ગામના રસ્તા સહિત અનેક સમસ્યાઓનો સામનો કરતુ હતું, પરંતુ ગામલોકો દ્વારા જ્યારે આ મુદ્દાઓના વિકાસ સંદર્ભે વાતચીત કરવામાં આવી ત્યારે વિષ્ણુભાઈ મફતભાઈ પટેલ દ્વારા ગામના રસ્તા, શાળા, હોસ્પિટલ, મંદિરો, શૌચાલય-બાથરૂમ- આંગણવાડી, પાર્ક, ગામના ગેટ સહીત અન્ય સુવિધાઓ માટે આર્થીક મદદની જાહેરાત કરવામાં આવી. એમ બી સાર્વજનિક હોસ્પિટલના મંત્રી રામચંદ્રભાઈ પટેલે જણાવ્યું કે, “વિષ્ણુભાઈ મફતભાઈ પટેલ ઈશનપુર-મોટા ગામના જ મૂળ વતની છે અને અમદાવાદમાં એન્જીનિયરિંગ વર્કસના બિઝનેસમાં સંકળાયેલા છે અને તેઓ પોતે જે સ્કુલમાં ભણ્યા અને ગામમાં રહ્યા એ ગામની લાગણી માત્રથી તેઓએ ગામના વિકાસ માટે આટલી મોટી રકમનું દાન આપ્યું છે અને સદાય તેઓ ગામની લાગણીથી ગામ લોકો માટે મદદરૂપ થતા રહ્યા છે.”

જ્યારે સમગ્ર રાજ્યમાં મોટાભાગે શૌચાલયમાં ગેરરીતી આચરવાના કિસ્સા સામે આવ્યે ત્યારે આ ગામમાં દાતા દ્વારા પોતાના ખર્ચે જ ઉત્તમ શૌચાલય-બાથરૂમ બનાવી આપવામાં આવ્યા જેથી ગામની મહિલાઓને ખુલ્લામાં નાહવાની પણ મજબુરી ન રહે.

ગામમાં અત્યંત હાઈફાઈ સ્કુલ છે, જે કોઈ ખાગની સ્કુલ કરતા પણ અત્યંત આધુનિક છે અને તેમાં તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ છે. સરકારી પ્રાથમિક શાળાના પ્રિન્સીપાલ કિરણભાઈ પટેલે જણાવ્યું કે,” અમે માત્ર શાળાના સમારકામની વાત કરી હતી અને દાતાએ અમને ૩.૫૦ કરોડની આ નવી સ્કુલ બનાવી આપી. અમારી સ્કુલમાં બધી જ વ્યસ્વ્થાઓ છે અને હાલ ૨૯૮ જેટલા વિદ્યાર્થી- વિદ્યાર્થિનીઓ અભ્યાસ કરે છે.

ગામમાં આવેલી એમ બી સાર્વજનિક હોસ્પિટલમાં રોજ ૨૦૦ જેટલા OPD કેસો જોવામાં આવે છે જેમાં રાહતદરે નિદાન, મહિલાઓને ફ્રિ ડીલીવરી અને દીકરી જન્મે તો રૂ.૫૦૦૧નો રોકડ પુરસ્કાર આપવામાં આવે છે ઉપરાંત  હોસ્પિટલમાં દર બુધવારે મોતિયાના ફ્રિ ઓપરેશન કરવામાં આવે છે.