મેરાન્યૂઝ નેટવર્ક.સુરતઃ ખેડા જિલ્લાના29 ગામ લેઉવા પટેલ સમાજના યુવાનને તબીબે બ્રેઇનડેડ જાહેર કર્યો. એ સાથે જ ડોનેટ લાઇફના આગેવાનોએ આ યુવાનના પરિવારજનોને અંગદાનનું મહત્ત્વ સમજાવ્યું. પરિવારજનો લીવર અને કીડનીનું દાન આપવા તૈયાર થયા. આ રીતે યુવાનના મૃત્યુ બાદ અમદાવાદના બે અને કચ્છના અંજારના એક વ્યક્તિને લીવર અને કીડની આપી નવું જીવન આપ્યું હતું.
મૂળ ખેડા જિલ્લાના સમાદરા ગામના વતની અને સુરતમાં હજીરા સ્થિત ઓનએનજીસી પ્લાન્ટમાં ટેક્નિકલ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા 31 વર્ષીય દક્ષેશ પ્રવીણભાઈ પટેલ તા. 2-7-18ના રોજ કંપનીના ક્વોલિટી એન્ડ પ્રોશેશ કન્ટ્રોલ લેબોરેટરીમાં ફરજ બજાવતા હતા તે વખતે અચાનક આગ લાગતા  તે દાઝી ગયા હતા. જેથી તેમને સારવારાર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા.

પાંચ દિવસની સારવાર બાદ તા. 7-7-18ના તબીબોએ દક્ષેશભાઈને બ્રેઇનડેડે જાહેર કર્યા હતા. એ સાથે જ ડોનેટ લાઇફના પ્રમુખ નીલેશ માંડલેવાલા અને તેમની ટીમે દક્ષેશભાઈના પરિવારજનો પિતા પ્રવીણભાઈ,, માતા ઇન્દિરાબહેન, પત્ની પારુલબહેન તેમજ સાળા વિમલભાઈને અંગદાનનું મહત્ત્વ સમજાવ્યું હતું. આ લોકોએ અંગદાન કરવાનો નિર્ણય કર્યો હતો.

દક્ષેશભાઈની કીડની અમદાવાદના ચંદ્રવદન ભીખાલાલ શાહ (ઉ.વ.56) અને બીજી કીડની અમદાવાદના હર્ષદ ઝેવરભાઈ ચાંદપરા (ઉ.વ.39)માં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી હતી. જ્યારે લીવર કચ્છના અંજારનાસુનીલરમેશચંદ્ર શેઠ (ઉ.વ.50)માં ટ્રાન્સપ્લાન્ટ કરાયું હતું.

ડોનેટ લાઇફની ટીમે અત્યાર સુધીમાં સુરત શહેર સહિત દક્ષિણ ગુજરાતમાંથી કુલ 266 કીડની, 108 લીવર, 6 પ્રિન્કીઆસ, 17 હૃદય અને 224 ચક્ષુનું દાન મેળવી 618 વ્યક્તિના જીવનમાં આનંદનો જન્મ કરાવ્યો છે.