મેરાન્યૂઝ નેટવર્ક. ગાંધીનગરઃ અશાંત વિસ્તાર કાયદો લાવવાનો હેતુ મજબુરી કે બળજબરીથી કોઈ સંપત્તિનું થતું વેચાણ અને સાંપ્રદાયિક તંગદીલી વખતે થતી ખરીદ-વેચાણ પ્રવૃતિને રોકવા માટેનો છે પરંતુ ગુજરાતમાં છેલ્લા ત્રણ દસકાથી તેનો ઉપયોગ મુસ્લિમોને એકસરખી વસ્તીવાળા વિસ્તારોમાંથી બહાર તગેડી મુકવા માટે કરવામાં આવી રહ્યો છે. હિંદુ સંગઠનો દ્વારા મુસ્લિમો દ્વારા લેન્ડ જેહાદ કરવામાં આવી રહી હોવાની સરકારમાં રજૂઆત કરવામાં આવી હોવા સામે મુસ્લિમોને સુરક્ષાના કારણોસર જુહાપુરા કે જમાલપુરમાં શિફ્ટ થવું પડતું હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

ગુજરાત રાજ્યમાં છેલ્લે ૨૦૦૨માં થયેલા ગોધરા કાંડ બાદ કોમી તોફાનોમાં નોધપાત્ર ઘટાડો થયો હોવા છતાં કોમી એખલાસનો માહોલ ખાસ જોવા મળતો નથી. જેમાં ગુજરાત રાજ્યમાં અશાંત ધારાનો દુરપયોગ થઇ રહ્યો હોવાનું અનેકવાર ચર્ચામાં આવે છે. જેમાં વિશ્વ હિન્દુ પરિષદના નેતા પ્રવીણ તોગડિયાએ ૨૦૧૪ના વર્ષમાં ગુજરાતના ભાવનગરમાં ભાષણ કરતા મુસલમાનો ઉપર થુકવા અને ટમાટર  ફેકવાનું જણાવ્યું હતું. તેમણે હિન્દુ વિસ્તારમાં એક મુસલમાનની સંપત્તિ ખરીદવાની ફરિયાદ સંભાળવા દરમિયાન આ કહ્યું હતું. તેમણે પોતાના ભાષણમાં અશાંત વિસ્તાર કાયદા અંતર્ગત કહ્યું હતું કે, ભારતમાં ગામડા અને શહેરોમાં મુસલમાનો લાંબા સમયથી આ ષડ્યંત્ર કરી રહ્યા છે. તેમને આપણે કેવી રીતે રોકી શકીએ..? તો તે માટેની બે રીત છે.. એક તો દરેક જગ્યાએ અશાંત ધારો લાગુ કરી દેવામાં આવે અને બીજી રીત કે, વકીલનો સંપર્ક કરો, બળજબરીપૂર્વક ઘરમાં ઘુસી જઈને તેનો કબજો લઈ બહાર બજરંગ દળનું બોર્ડ લટકાવી દેવાનું..! આ પછી કોર્ટ કેસમાં આપણે નીપટાવી શકીએ તેમ છીએ...

અશાંત વિસ્તાર કાયદો ૧૯૮૬માં લાગુ કરવામાં આવ્યો હતો. તેમાં ૧૯૯૧માં સંશોધન કરીને એક નવો કાયદો બનાવવામાં આવ્યો હતો. જેમાં સરકારને અધિકાર આપવામાં આવ્યો હતો કે, તે સંભવિત તોફાનગ્રસ્ત વિસ્તારોને અશાંત વિસ્તાર જાહેર કરી શકે છે. આ વિસ્તારમાં કોઈપણ પ્રકારની સંપતિના ખરીદ-વેચાણ માટે કલેકટર કચેરીની અલગથી મંજુરી લેવાની જરૂર પડે છે. આ કાયદાનો હેતુ એ છે કે, આવા વિસ્તારોમાં કોઈને મજબુરીથી સંપતિ વેચાણ કરતા રોકી શકાય. કોઈપણ પ્રકારની સામાજિક તંગદિલીના સંજોગોમાં એક સમુદાયના લોકોને બીજા સમુદાયને સંપત્તિ વેચતા રોકવાનો પણ આ કાયદાનો હેતુ છે. જો કે, ત્રણ દસકામાં જે રીતે આ કાયદાને લાગુ કરવામાં આવ્યો છે તેની વાસ્તવિકતા ખરેખર અલગ જ છે. ગુજરાતમાં જ્યાં હિન્દુ-મુસ્લિમની એકસરખી વસ્તી છે ત્યાં મુસલમાનોના ઘરને અલગ કરવાના હેતુથી આ અશાંત ધરાનો ઉપયોગ કરવાનું હવે સામાન્ય થઇ ગયું છે.

અમદાવાદના પાલડીમાં વર્ષ ૧૯૯૫માં મુનીર શેખે ફ્લેટ ખરીદયો તે વિસ્તારમાં મોટાભાગે જૈન લોકો રહે છે. આ ફલેટમાં બે મુસ્લિમ અને ચાર અન્ય જૈન પરિવાર રહે છે તે ખુશ હતા. પરંતુ મહાનગર પાલિકામાં કોર્પોરેટર એવા ભાજપના હરેન પંડ્યા ધારાસભ્યની ચૂંટણી લડવા ઇચ્છતા હોવાથી મુનીર શેખ વિરુધ્ધ અશાંત વિસ્તાર કાયદા હેઠળ કેસ દાખલ કર્યો. જેમાં મુસ્લિમો ધીરે ધીરે આ વિસ્તારમાં કબજો જમાવશે એમ કહી મુનીર શેખ ખતરનાક હોવાનું જણાવી ફ્લેટ ખાલી કરવા જણાવ્યું. પરંતુ મુનીર શેખે હાઈકોર્ટમાં અપીલ કરી અને કેસ ચાર વર્ષ ચાલ્યો..તે દરમિયાન શેખને ધાક-ધમકીઓ મળતી રહી...મુનીર શેખનું કહેવું છે કે, તે લોકોએ મારા ઘર ઉપર હુમલો કર્યો અને એકવાર તો આગ લગાવવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો. અમારો બહિષ્કાર કરવા સાથે પરિવારને ભય હોવા છતાં પોલીસે કોઈ ફરિયાદ સાંભળી નહિ. જેમાં ભાજપ, આરએસએસ અને પોલીસ સુધીએ લગાતાર દબાણ કર્યું. જેમાં ગુજરાત હાઇકોર્ટ દ્વારા જયારે ચુકાદો આપવામાં આવ્યો કે, આ ફ્લેટ અશાંત વિસ્તારમાં આવતો નથી ત્યારે પોલીસે સુરક્ષા આપવા સાથે અમારા પરિવારને રાહત મળી હતી. જો કે મુનીર શેખનો પરિવાર આ ફલેટમાં જતા ખુબ જ ડરતો હતો... આથી આ ચુકાદા પછી તેમણે આ ફલેટ વેચી દીધો હતો.

આ વર્ષે ગયા એપ્રિલમાં પાલડીના એક સ્થાનિક સંગઠન નાગરિક સેવા સમિતિ દ્વારા આ વિસ્તારની એક હાઉસિંગ સોસાયટી વર્ષા એપાર્ટમેન્ટને મુસલમાનોના કબજામાંથી પાછી લેવા રજૂઆત કરવામાં આવી હતી. આ પછી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અશાંત વિસ્તાર કાયદામાં સમિક્ષા કરવા અને તેમાં રહેલી ખામીઓ દુર કરવા આદેશ કર્યો હતો. તેમની આ બેઠકમાં ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા અને બીજા પદાધિકારીઓ હાજર રહ્યા હતા. ત્રણ વર્ષ પહેલા બનેલી આ નાગરિક સેવા સમિતિ હિન્દુ જાગરણ મંચનો ભાગ હોવા સાથે હિન્દુ જાગરણ મંચ વિહિપથી જોડાયેલો છે. આ સમિતિના સંસ્થાપકો પૈકી એક જીગર ઉપાધ્યાયે જણાવ્યું છે કે, ૧૯૬૯માં બનેલી આ સોસાયટીમાં હિન્દુ પરિવારો રહેતા હતા.જેમાં ૧૯૯૧માં એક મુસ્લિમ પરિવારે ફ્લેટ ખરીદયો..આ પછી ૧૯૯૫ સુધીમાં ૨૪માંથી ૨૦ ફલેટ મુસલમાનોને વેચાઈ ચુક્યા હતા. જયારે ૨૦૧૩માં બીજા વધારે ફ્લેટ બનાવવાનું કામ શરુ કરાયું તેમાં બે માળના બદલે ૭ માળ બનાવાયા અને હજુ બીજા બનાવવામાં આવનાર છે. આ કામથી ૧૨૫ ફ્લેટ મુસલમાનોના થઇ જશે. આથી જવાબદાર અધિકારીઓને હસ્તક્ષેપ કરવા જણાવ્યું છે. તેમણે જણાવ્યું છે કે, લવ જેહાદની જેમ કેટલાક મુસલમાનો લેન્ડ જેહાદ પણ કરી રહ્યા છે તેઓ ગેરમુસ્લિમ વિસ્તારો પોતાના કબજામાં લેવા માટે આયોજનપૂર્વક ષડ્યંત્ર કરી પહેલા બજાર ભાવ કરતા ઉંચી કિંમતે એક ફ્લેટ ખરીદે છે. આ પછી આ વિસ્તારમાં લગભગ દરેક સંપતિ ખરીદતા રહે છે જેના કારણે ગેરમુસ્લિમો મજબુરીમાં તેમની મિલકતો કોડીના ભાવે વેચીને જતા રહે છે. તેમનું કહેવું છે કે, મુસલમાનોએ શહેરના કેટલાક નિશ્ચિત પ્રતિબંધિત વિસ્તારોમાં રહેવું જોઈએ. જયારે ગેરમુસ્લિમોને ક્યાય પણ બીજી જગ્યાએ સુરક્ષિત રીતે રહેવા દેવા જોઈએ. અશાંત વિસ્તાર કાયદાનો હેતુ જ આ સુરક્ષા નક્કી કરવાનો છે.

વર્ષા એપાર્ટમેન્ટમાં ૩૫ વર્ષ પછી ૨૪ જુના ફ્લેટના રીનોવેશન સાથે મુસ્લિમ બિલ્ડર્સને કામ સોપવામાં આવ્યું. જેમાં નવા ૩૮ ફ્લેટ પણ બનાવવામાં આવ્યા છે. આ બિલ્ડર રક્નુંદીન શેખનું કહેવું છે કે, આ ફ્લેટ અશાંત ધારામાં નહિ આવતો હોવાથી રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું.પરંતુ પછીથી અધિકરીઓને લાગ્યું કે, આ ફ્લેટ અશાંત વિસ્તાર કાયદામાં આવે છે. આથી અમે આ કાયદા અંતર્ગત મંજરી માંગી. જેમાં આ સમિતિના બે સમાજસેવકોએ વિરોધ કર્યો. પરંતુ તેમને આ ફ્લેટ સાથે કોઈ જ લેવા દેવા નથી. એટલું જ નહિ તેઓ આ ફ્લેટની આસપાસ પણ રહેતા નથી. તેમણે કોર્પોરેશનમાં રાજકીય દબાણ કરવા સાથે મુખ્યમંત્રી ઓફીસમાં પણ રજૂઆત કરી ફ્લેટવાળાઓને પણ ભડકાવ્યા છે. શેખનું કહેવું છે કે, અમદાવાદમાં મુસલમાનોને રહેવા માટે બનાવાયેલી પ્રત્યેક સોસાયટીઓમાં ઓછામાંઓછા ૨૦૦ ફ્લેટ હિંદુઓ માટે છે. સાચું તો એ છે કે, પાલડીમાંથી મુસલમાનો પોતાની સંપતિ વેચીને જુહાપુરા,જમાલપુર જેવા વિસ્તારોમાં શિફ્ટ થયા છે.પાલડીમાં ક્યારેક લીબર્ટી, સેવન હેવન અને પેરેડાઇઝ જેવા એપાર્ટમેન્ટમાં મુસ્લિમ પરિવારો રહેતા હતા. પરંતુ ૧૯૮૫, ૧૯૯૨ અને ૨૦૦૨ના કોમી તોફાનો પછી આ પરિવારોએ પોતાના ઘર વેચી દેવા પડ્યા છે અને અત્યારે તેમાં હિંદુ પરિવાર રહે છે.વર્ષા એપાર્ટમેન્ટનો મામલો દોઢ વર્ષથી કોર્ટમાં ચાલી રહ્યો છે.જેમાં અત્યારે આ ફ્લેટ ખરીદવા કે વેચવા માટે કોઈને મુશ્કેલી નથી. તેમછતાં થર્ડ પાર્ટી એવી આ સમિતિ સતત વિરોધ કરી રહી છે. જેમાં પલળીને જુહાપુરા નહિ બનવા દેવાય, લેન્ડ જીહાદ બંધ કરો, હિન્દુ એકતા ઝીન્દાબાદ, અશાંત ધારો લાગુ કરો, વગેરે સુત્રો ઘણી દીવાલો અને સોસાયટીઓના દરવાજા પાસે લખવામાં આવ્યા છે.

અમદાવાદમાં રહેતા એક બિલ્ડર શરીફ શેખ કહે છે કે, વર્ષોથી મુસલમાનોને મજબુરીમાં અથવા તો સુરક્ષાના કારણોસર જુહાપુરા અથવા જમાલપુરમાં રહેવા જવું પડે છે. એકસરખી વસ્તીવાળા વિસ્તારોમાં પણ સંપતિ ખરીદવાનો પ્રયાસ કરવામાં આવે તો મોટાભાગે સમાજમાં બબાલ ઉભી કરી અશાંત વિસ્તાર કાયદો લાગુ કરવા માટે સરકારી કચેરીઓમાં પહોચી જાય છે. જેમાં અધિકારીઓ પણ આ કાયદા અંતર્ગત કોઈ ખામી શોધી કાઢી ખરીદનારને પરેશાન કરે છે...આથી લાંચ આપીને પતાવટ કરવી પડતી હોવા સાથે માલિકના હકના બદલે પાવર ઓફ એટર્ની પર સમજુતી કરવી પડે છે. જયારે ઘણા કિસ્સામાં ખરીદદારને ડરાવી-ધમકાવી ખુબ જ ઓછી કીમતે વેચવા મજબુર કરાય છે.

અમદાવાદમાં અત્યાર સુધીમાં ૨૧ પોલીસ સ્ટેશનોની હદમાં આવતા વિસ્તારોમાં અશાંત વિસ્તાર કાયદો લાગુ કરવામાં આવ્યો છે. ગયા વર્ષે સુરત અને વડોદરામાં પણ આ કાયદો લાગુ કરવામાં આવ્યો છે. જેમાં મેં-૨૦૧૮માં અશાંત ધારાને અલ્પ સંખ્યકોના અધિકાર માટે દાનીશ કુરેશીએ હાઇકોર્ટમાં પડકાર આપ્યો છે. જયારે આ બાબતે અરજી દાખલ કરનાર નિશાંત વર્માનું કહેવું છે કે, આ રાજ્ય સરકારની નિષ્ફળતા છે કે, રાજ્યમાં સાંપ્રદાયિક એખલાસ નથી અને આ પ્રકારનો કાયદો લાગુ કરવો પડ્યો છે. જો કે, ગુજરાતમાં અત્યારે કોમી તોફાનો કે તંગદીલી નહિ હોવાથી માહોલ સારો હોવા છતાં આ કાયદો બંધારણ દ્વારા અપાયેલા અધિકારોનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે.જેના કારણે હિન્દુ અને મુસ્લિમ બંનેને પોતાની સંપતિ ખરીદ-વેચાણમાં મુશ્કેલી ઉભી થઇ રહી છે.