મેરાન્યૂઝ નેટવર્ક. ગાંધીનગરઃ ગાંધીનગર જીલ્લા પંચાયત તેમજ કલોલ તાલુકા પંચાયત સત્તાધારી કોંગ્રેસ પક્ષે યથાવત જાળવી રાખી છે. જેમાં આ બને પંચાયતમાં કોંગ્રેસના પ્રમુખ અને ઉપપ્રમુખ બિનહરીફ વિજેતા થવા સાથે ભાજપ દ્વારા ફોર્મ પણ ભરવામાં આવ્યું નહોતું. જ્યારે દહેગામ તાલુકા પંચાયતમાં કોંગ્રેસના ૩ બળવાખોરોની ઘરવાપસીથી કોંગ્રેસના પ્રમુખ-ઉપપ્રમુખ ચૂંટાયા હોવા છતાં કોર્ટના આદેશથી ૫ સદસ્યોના મત સીલબંધ કવરમાં રિઝર્વ રખાતા ચૂંટણી અધિકારી દ્વારા તેનું પરિણામ સ્થગિત કરવામાં આવ્યું છે. જ્યારે માણસા તાલુકા પંચાયતમાં પણ કોંગ્રેસમાંથી બળવો કરનાર ૧૦ સદસ્યોના મત કોર્ટના આદેશના કારણે સીલબંધ કવરમાં રિઝર્વ રાખવામાં આવતા તેનું પરિણામ પણ પેન્ડીંગ રાખવામાં આવ્યું છે.

ગાંધીનગર જીલ્લા પંચાયતની આજે મળેલી સામાન્ય સભામાં ચૂંટણી અધિકારી તરીકે ઉપસ્થિત રહેલા કલેકટર લાંગાની અધ્યક્ષતામાં પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી કરવામાં આવી હતી. જેમાં કલેકટર દ્વારા પ્રમુખ તરીકે કોંગ્રેસના એકમાત્ર ઉમેદવાર મંગુબેન શનાભાઈ ચૌધરી તેમજ ઉપપ્રમુખ તરીકે પણ કોંગ્રેસના એકમાત્ર ઉમેદવાર ભરત પટેલના જ ફોર્મ ભરાયા હોવાથી તેમને બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.

આ બેઠકમાં ભાજપના તમામ ૬ સદસ્યો ગેરહાજર રહેવા સાથે તેમણે એકપણ પદ માટે ઉમેદવારી પણ નહોતી નોંધાવી. કોંગ્રેસ દ્વારા પ્રમુખ પદ માટે કુલ ૪ મહિલા ઉમેદવારો મેદાનમાં હતા. તેમાં ફરી એકવાર બળવો થવાનો ભય હતો પરંતુ આ બને પદ માટે પક્ષ દ્વારા સવા વર્ષની ફોર્મ્યુલા અમલમાં મુકી સંભવિત બળવો ટાળવામાં આવ્યો હતો.

ગાંધીનગર જીલ્લામાં આજે આ સાથે અન્ય ત્રણ તાલુકા પંચાયતમાં પણ બીજી ટર્મ માટે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી. જેમાં કલોલ તાલુકા પંચાયતમાં કુલ ૨૮ સદસ્યો પૈકી કોંગ્રેસના ૨૪ અને ભાજપના ૧ સદસ્યના સમર્થનથી બંને પદાધિકારીની બિનહરીફ વરણી કરવામાં આવી હતી. કલોલમાં પ્રમુખ તરીકે ગીતાબેન મનોજકુમાર ઠાકોર તેમજ ઉપપ્રમુખ તરીકે કેતનભાઈ પટેલ બિનહરીફ વિજેતા થયા હતા. જ્યારે દહેગામ તાલુકા પંચાયતમાં કુલ ૨૮ સદસ્યો પૈકી ૨૨ના થયેલા મતદાનમાં ૧૨ મત મેળવી કોંગ્રેસના ચતુરબેન આર.પરમાર તથા ઉપપ્રમુખ તરીકે વિજેતા થયા હતા, પરંતુ કોર્ટના આદેશના કારણે અગાઉ કોંગ્રેસમાંથી બળવો કરી ભાજપમાં જોડાયેલા ૩ સદસ્યો અને ૧ ભાજપના સદસ્ય સહીત ૩ બાળકોના વિવાદિત પ્રશ્ને કોંગ્રેસના ૧ સદસ્ય સહીત કુલ ૫ સદસ્યના મત સીલબંધ કવરમાં રિઝર્વ રાખવાનો આદેશ કરવામાં આવ્યો હતો. જેના કારણે ચૂંટણી અધિકારી દ્વારા આ પરિણામ પેન્ડીંગ કરી દેવામાં આવ્યું હતું.

આ ઉપરાંત માણસા તાલુકા પંચાયતમાં પણ કોંગ્રેસના ૧૦ બળવાખોરોના મત સીલબંધ કવરમાં રાખવાના આદેશના પગલે તેનું પરિણામ પેન્ડીંગ રાખવામાં આવ્યું છે. જેમાં આજે યોજાયેલી આ ચૂંટણીમાં કોંગ્રેસના બને ઉમેદવારને મળેલા ૭ મત સામે ભાજપના ઉમેદવારોને ૬ મત મળતા કોંગ્રેસના ઉમેદવારો વિજયી થયા હતા. આજે કોંગ્રેસના જીલ્લા પ્રમુખ સુર્યસિંહ ડાભીએ પત્રકાર પરિષદ સંબોધતા જણાવ્યું હતું કે, માણસા અને દહેગામ તાલુકાના ચૂંટણી અધિકારીઓ દ્વારા સરકારના રાજકીય દબાણમાં પરિણામ રોકી રાખવામાં આવ્યું છે. તેની સામે અમે પત્ર લખી રજૂઆત કરી છે. આમછતાં જો પરિણામ જાહેર કરવામાં નહીં આવે તો કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ અંગે કોર્ટમાં પડકારશે.